ઈઝરાયલ અને ગાઝા બોર્ડર પર વિરોધ પ્રદર્શન દરમિયાન અચાનક વિસ્ફોટ થયો હતો, જેમાં પાંચ લોકોના મોત થયા હતા. આ ઘટનાની માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું કે, આ ભયાનક અકસ્માત એક વિસ્ફોટને કારણે થયો હતો જેમાં લોકોના મોત થયા હતા, જ્યારે 25 લોકો ઘાયલ થયા હતા. 25 ઘાયલોમાંથી ઘણાની હાલત ગંભીર છે. મીડિયા રિપોર્ટ અનુસાર, ગાઝા બોર્ડર પર છેલ્લા કેટલાય મહિનાઓથી પ્રદર્શન થઈ રહ્યા ન હતા, પરંતુ બુધવારે લોકોએ અચાનક પ્રદર્શનને ઉગ્ર બનાવી દીધું અને વિસ્ફોટના કારણે તેઓ અકસ્માતનો શિકાર બન્યા હતા.
મળતી માહિતી અનુસાર, ઘણા ફિલિસ્તીન નાગરિકો ઈઝરાયલની જેલમાં બંધ છે. જેના વિરોધમાં ગાઝાના યુવાનો ઈઝરાયલ બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે વિસ્ફોટ એક ઉપકરણમાં થયો હતો જેનો ઉપયોગ પ્રદર્શન દરમિયાન થવાનો હતો. સાથે ઇઝરાયલી સેનાએ કહ્યું કે વિરોધ કરી રહેલા નાગરિકોએ સરહદ પર અમારા સૈનિકો પર વિસ્ફોટક ઉપકરણો ફેંકવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે વિસ્ફોટ થયો હતો. ફિલિસ્તીનના સ્વાસ્થ્ય મંત્રાલયે પણ પાંચ લોકોના મોતની પુષ્ટિ કરી છે.
આપને જણાવી દઈએ કે, આ વર્ષે 3 જુલાઈના રોજ ઈઝરાયલની સેનાએ પશ્ચિમ કાંઠે ઉગ્રવાદીઓના ગઢ પર મોટા ડ્રોન હુમલો કર્યો હતો અને આ વિસ્તારમાં મોટી સંખ્યામાં સૈનિકોને તૈનાત કર્યા હતા. સ્થાનિક આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર હુમલામાં પાંચ ફિલિસ્તીની નાગરિકો માર્યા ગયા હતા. આ ડ્રોન હુમલાઓ બે દાયકા પહેલા બીજા ફિલિસ્તીની વિદ્રોહ દરમિયાન મોટા પાયે લશ્કરી હુમલાની યાદ અપાવે છે. એક વર્ષથી વધુના સંઘર્ષ દરમિયાન આ વિસ્તારમાં સૌથી મોટા ઓપરેશનમાં ઇઝરાયલી સૈનિકો જેનિન શરણાર્થી શિબિરમાં પ્રવેશ્યા હતા.