કેનેડાનાં વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો દ્વારા ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા માટે ભારત પર નિશાન સાધવામાં આવ્યા બાદ આ સમગ્ર મામલે કેન્દ્ર સરકારને કોંગ્રેસનું સમર્થન મળ્યું છે. કોંગ્રેસે કહ્યું છે કે આંતરરાષ્ટ્રીય મામલાઓમાં દેશને સર્વોપરી રાખવામાં આવશે અને કેન્દ્રને આ મુદ્દે કોંગ્રેસનું સમર્થન છે. ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યામાં ભારતીય ગુપ્તચર એજન્સી RAW સામેલ હોવાનો આરોપ લગાવતા કેનેડાએ ભારતીય રાજદ્વારીને હાંકી કાઢ્યા છે.
જેના જવાબમાં ભારતે પણ આવું જ કર્યું છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે લખ્યું કે જ્યારે પણ એકતા અને અખંડિતતા પર ખતરો હોય ત્યારે કોંગ્રેસ કેન્દ્રની સાથે મક્કમતાથી ઉભી છે.
કોંગ્રેસના અન્ય સાંસદ અભિષેક મનુ સિંહ સિંઘવીએ કેનેડાના વડાપ્રધાનની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે જસ્ટિન ટ્રુડો ભારત માટે અન્ય દુશ્મનો જેટલા જ ખતરનાક છે. સિંઘવીએ ટ્રુડોની સરખામણી જોકર સાથે કરી અને કહ્યું કે પૃથ્વી પર તેમનાથી મોટો કોઈ જોકર નથી. એક્સ પર, તેમણે લખ્યું કે ભારતે પણ તરત જ કેનેડાના હાઈ કમિશનની સુરક્ષા ઘટાડવી જોઈએ. ટ્રુડો પણ ભારત વિરુદ્ધ અન્ય લોકોની જેમ ખતરનાક છે.
કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ આરોપ લગાવ્યો છે કે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા પાછળ RAW એજન્ટોનો હાથ છે. ભારતે તેમના આરોપને ફગાવી દીધો અને કહ્યું કે ટ્રુડો પાયાવિહોણા અને ઉશ્કેરણીજનક નિવેદનો કરી રહ્યા છે. તેની પાછળનું કારણ તેમના દેશમાં રાજકીય લાભ લેવાનું છે. કેનેડાના વિદેશ પ્રધાન મેલિના જોલીએ જાહેરાત કરી કે ટોચના ભારતીય રાજદ્વારીને હાંકી કાઢવામાં આવ્યા છે. તેનું નામ પવન કુમાર રાય છે. તેના પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તે RAWનો એજન્ટ છે.
આ મામલામાં ભારતમાં પણ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી અને કેનેડિયન હાઈ કમિશનર કેમેરોન મેકેને બોલાવવામાં આવ્યા હતા અને કેનેડિયન રાજદ્વારીની હકાલપટ્ટી વિશે જાણ કરવામાં આવી હતી. તેનું નામ ઓલિવિયર સિલ્વેસ્ટર છે. ભારતીય વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે કેનેડિયન રાજદ્વારીને ભારતની આંતરિક બાબતો અને ભારત વિરોધી ગતિવિધિઓમાં સામેલ હોવાના કારણે તેને હાંકી કાઢવામાં આવ્યા છે.