વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે તેમની સરકાર સરળ અને ભારતીય ભાષાઓમાં કાયદાનો મુસદ્દો તૈયાર કરવા પર ગંભીરતાથી વિચાર કરી રહી છે. ઈન્ટરનેશનલ લોયર્સ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે કાયદાઓમાં વપરાતી ભાષા ન્યાયિક પ્રક્રિયામાં ન્યાય સુનિશ્ચિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે ‘અમારી સરકાર વિચારી રહી છે કે કાયદાને બે રીતે રજૂ કરવામાં આવે. જેમાં એક ડ્રાફ્ટમાં તમે જે ભાષાનો ઉપયોગ કરો છો તે ભાષા હશે અને બીજા ડ્રાફ્ટમાં એવી ભાષા હશે જે દેશનો સામાન્ય માણસ સમજી શકે. લોકોને લાગવું જોઈએ કે કાયદો તેમના માટે છે. વડાપ્રધાને કહ્યું કે આપણા દેશમાં કાયદાનો મુસદ્દો મુશ્કેલ ભાષામાં તૈયાર કરવાની આદત છે.
કાનૂની સમુદાયની પ્રશંસા કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે ન્યાયતંત્ર અને બાર લાંબા સમયથી ભારતની ન્યાય વ્યવસ્થાના રક્ષક છે. કાનૂની વ્યવસાય સાથે જોડાયેલા ઘણા લોકોએ દેશની આઝાદીમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. વડાપ્રધાને કહ્યું કે મહાત્મા ગાંધી, બીઆર આંબેડકર, જવાહરલાલ નેહરુ, સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાન નેતાઓ વકીલ હતા. પ્રધાનમંત્રીએ મહિલા આરક્ષણ, G20 અને ચંદ્રયાન મિશનની સફળતાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે ભારત 2047 સુધીમાં વિકસિત દેશ બનવાના લક્ષ્યને હાંસલ કરવા સખત મહેનત કરી રહ્યું છે. PM એ કહ્યું કે ભારત પર વિશ્વનો વિશ્વાસ વધારવામાં નિષ્પક્ષ ન્યાય મહત્વની ભૂમિકા ભજવે છે.