શહેરની રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ (RTO) સગવડમાં ભલે ત્રાહિમામ છે, પણ કમાણીમાં રીતસરની બેફામ છે. આ વાતની પ્રતીતિ કરાવતા હોય તેમ RTOએ ટુ-વ્હીલર અને ફોર-વ્હીલરની HSRP નંબર પ્લેટની ફીમાં ત્રણ ગણો વધારો કરી નાખ્યો છે.
આરટીઓએ અમદાવાદમાં વાહનોમાં HSRP પ્લેટRTO લગાવવાની કંપનીની કામગીરી બંધ કરીને ડીલરોને સોંપી છે. લોકોની સગવડો વધારવાના બહાને ઉપકાર કરતા હોય તેમ આ પ્રકારની નંબર પ્લેટની ફીના ભાવમાં તેમણે રીતસરનો ત્રણ ગણો વધારો કરી નાખ્યો છે.
નંબર પ્લેટ લગાવવાની કામગીરી હવે ડીલરો કરવાના છે. પણ આ ફી વધારો વસૂલશે પાછું આરટીઓ.
આરટીઓ દ્વારા લોકોને જનસેવા અને જનસગવડનું સૂત્ર ભૂલીને લોકોને રીતસર સત્તાવાર રીતે ખંખેરવાનો ધંધો આરંભવામાં આવ્યો હોય તેમ ટુ-વ્હીલરની 160 રૂપિયાની ફી વધારીને સીધી 495 રૂપિયા કરી દેવામાં આવી છે. કારનાં નંબર પ્લેટની ફી 450 રૂપિયાથી વધારીને 781 રૂપિયા કરી દેવામાં આવી છે. આ કોન્ટ્રાક્ટ પણ પાછો આરટીઓએ જે નંબર પ્લેટ લગાવતી હતી તે જ RTO કંપનીને સોંપ્યો છે. વાહન ડીલરોને પણ નંબર પ્લેટ લગાવવા માટે 100 રૂપિયાનો ફિટમેન્ટ ચાર્જ પણ આપવામાં આવશે. આ બધો બોજો હશે પાછો સામાન્ય નાગરિકના શિરે.
ફક્ત નંબર પ્લેટના જ ભાવમાં વધારો કરવામાં આવ્યો છે તેવું નથી. વ્હીકલ ફિટનેસ સર્ટિફિકેટ પણ મોંઘું થવાનું છે. આ કામ પણ 15મી ઓક્ટોબરથી ખાનગી કંપનીને સોંપવામાં આવી રહ્યું છે. અગાઉ આરટીઓમાંથી ફિટનેસ સર્ટિફિકેટ 400 રૂપિયામાં મળી જતું હતું, તે જ સર્ટિફિકેટ હવે 600 રૂપિયામાં મળશે. આ કામ પણ પાછું આરટીઓમાં આરસીબૂકનું કામ કરતી જ કંપનીને RTO સોંપવામાં આવ્યું છે. આમ રીક્ષા અને ટેક્સીના ફિટનેસ સર્ટિફિકેટની ફી જે હાલમાં 400 રૂપિયા છે તે વધીને સીધી 600 રૂપિયા થશે. આ ઉપરાંત મોટા વાહનોની અને પર્સનલ વ્હીકલની ફિટનેસ સર્ટિફિકેટની ફીમાં પણ વધારો થશે.