મુખ્યમંત્રીએ ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ બનાવવા સાથે જળ આત્મનિર્ભર અને વોટર સરપ્લસ સ્ટેટ બનવા માટે આધુનિક તકનીક સાથે આ યોજના વર્લ્ડ ક્લાસ આઇકોનિક પ્રોજેક્ટ તરીકે ગુજરાતને વિશ્વના વોટર પ્રોજેક્ટ નકશે પ્રસ્થાપિત કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પાણીદાર ગુજરાતની નેમ આ ભાડભૂત યોજનાથી સાકાર થશે તેમ પણ તેમણે જણાવ્યું હતું. આ મોટો પ્રોજેકટ આવનારા દિવસોમાં ગુજરાત મોડેલ બનશે એમ પણ તેમણે કહ્યું હતું. વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે નર્મદાના કિનારે વસેલા ભરૂચ, અંકલેશ્વર સહિતના વિસ્તારોમાં આ ભાડભૂત યોજના મીઠા પાણી પહોચાડવા સાથે ખારાશ આગળ વધતી અટકાવવા અને સિંચાઇ તેમજ ઉદ્યોગોને પણ પૂરતું પાણી આપવામાં ઉપકારક બનવાની છે.
મુખ્યમંત્રીએ આ યોજનાના ટેન્ડરમાં ફૂલપ્રૂફ પારદર્શિતા સાથે બધી જ ટેકનિકલ બાબતોની સર્વગ્રાહી ચકાસણી કરીને મંજુર કરવામાં આવ્યા છે તેની પણ વિગતો આપી હતી. તેમણે ૨૧ હજાર એમ.સી.એફ.ટી પાણી આ યોજનાથી મળતું થશે અને હજીરા દહેજ વચ્ચે ૬ લેન બ્રિજ બનતા ૧૮ કી.મી અંતર ઘટશે. એટલું જ નહિ, ફીશિંગની પણ અલગ ચેનલ ઊભી થતાં માછીમારીને પણ વેગ મળશે તેમ પણ ભરૂચ જિલ્લાને આ યોજનાના શુભારંભ પ્રસંગે અભિનંદન આપતા ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ નર્મદા પરિક્રમાની મહત્તા વર્ણવતા એમ પણ જણાવ્યું કે આ ભાડભૂત યોજના સાકાર થતાં પરિક્રમા રૂટ પરના સ્થળોના કાંઠા ઘસાતા પણ રોકાશે. મુખ્યમંત્રીએ ભરૂચ વિસ્તારની પાણીની લાંબા સમયની સમસ્યાનો સુખદ નિવેડો આ યોજનાથી આવે તે માટે કલ્પસર વિભાગ સમયબદ્ધ રીતે આગળ વધીને આ યોજના વેળાએ પૂર્ણ કરશે તેવી અપેક્ષા દર્શાવી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે ભરૂચ અને અંકલેશ્વર સહિતના વિસ્તારો નર્મદાના કિનારે હોવા છતાં વર્ષોથી મીઠા પાણીનો અભાવ વેઠી રહ્યા હતા તેનો હવે અંત આવશે તેમ આ યોજનાના શુભારંભ અવસરે જણાવ્યું હતું. નીતિનભાઇ પટેલે કહ્યું કે, રાજ્યના ૪ કરોડથી વધુ લોકો નર્મદાના પાણીનો લાભ મેળવે છે. એટલું જ નહિ, લાખો હેકટર જમીન પણ નર્મદા જળથી સિંચિંત થાય છે.
તેમણે કહ્યું કે, આ ભરૂચ વિસ્તારમાં નર્મદાના જળમાં દરિયાના ખારા પાણીનો વ્યાપક આવરો રહેતો હોવાથી ખારાશ વધતી જતી હતી અને પીવા માટે પણ મીઠા પાણી ઉપલબ્ધ ન હતા ત્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની દીર્ઘદ્રષ્ટિથી આ ભાડભૂત બેરેજ યોજના સાકાર થવાની છે અને ભરૂચ-અંકલેશ્વર વિસ્તારની કાયાપલટ થવાની છે. નાયબ મુખ્યમંત્રીએ કલ્પસર પ્રભાગને આ બહુહેતુક યોજનાના સમગ્ર આયોજન કૌશલ્ય માટે અભિનંદન આપ્યા હતા. સહકાર રાજ્યમંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલ, સાંસદ શ્રી મનસુખ વસાવા, ધારાસભ્યો શ્રી દુષ્યંતભાઇ, અરૂણસિંહ, ભાજપા પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર તેમજ અન્ય પદાધિકારીઓ ભાડભૂત બેરેજ યોજના સ્થળે આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.