અમદાવાદ એરપોર્ટ પર કરાયું ભવ્ય સ્વાગત
એરપોર્ટ પરથી ખુલ્લી જીપમાં પીએમ મોદી સાથે ગુજરાત ભાજપ પ્રમુખ સીઆર પાટીલ અને ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હાજર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસ અંતર્ગત આજે મોડી સાંજે રાજભવન પધાર્યા અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું
અમદાવાદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની બે દિવસીય મુલાકાત અંતર્ગત અમદાવાદ પધાર્યા ત્યારે અમદાવાદ એરપોર્ટ પર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું.આ પ્રસંગે નવસારીના સાંસદ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ, પ્રોટોકોલ રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા, અમદાવાદ શહેરના મેયર સુશ્રી પ્રતિભા જૈન, રાજ્યના મુખ્ય સચિવ રાજ કુમાર, મુખ્યમંત્રીના અગ્ર મુખ્ય સચિવ શ્રી કે. કૈલાસનાથન, જીએડીના અધિક મુખ્ય સચિવ કમલ દાયાણી, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ.મલિક, કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે. સહિત વરિષ્ઠ અધિકારીઓ અને અફસરોએ પણ વડાપ્રધાનનું અભિવાદન કરી તેમને આવકાર્યા હતા.પીએમ મોદીએ એરપોર્ટ બહાર નારીશક્તિ વંદન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજર રહેલી મહિલાઓને સંબોધન કર્યું હતું. એરપોર્ટ પરથી ખુલ્લી જીપમાં પીએમ મોદી સાથે ગુજરાત ભાજપ પ્રમુખ સીઆર પાટીલ અને ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હાજર હતા. આ જીપથી કાર્યક્રમના સ્ટેજ સુધી પીએમ મોદીનો ભવ્ય રોડ શો યોજાયો હતો. જેમાં રોડની બંને બાજુએ મોટી સંખ્યામાં મહિલાઓ સાથે ભાજપના કાર્યકરો ઉપસ્થિત હતા. આ દરમિયાન રોડની બંને બાજુ જાણે કે કેસરિયો મહાસાગર લહેરાયો હોય એવું લાગતું હતું.હાલમાં જ સમાપ્ત થયેલા સંસદના વિશેષ સત્રમાં પીએમ મોદીના નેતૃત્વમાં મહિલાઓ માટે લોકસભા અને વિધાનસભાઓમાં 33% અનામતનો કાયદો પસાર કરવામાં આવ્યો છે. જેથી હવેથી શાસનતંત્રમાં મહિલાઓની સીધી ભાગીદારી વધશે.
અમદાવાદ એરપોર્ટની બહાર નારીશક્તિને સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે માતાઓ-બહેનોના ચરણોમાં મારું નમન, આપનો આશીર્વાદ એ જ મારૂં સૌભાગ્ય છે. તેમણે કહ્યું કે નારીશક્તિ વંદન અધિનિયમ એ દેશની નારીશક્તિનું સન્માન છે અને તે વિકસિત ભારતની ગેરેન્ટી છે.ગુજરાતમાં ડેરી સેક્ટરમાં 35 લાખ કરતાં વધુ મહિલા છે. લાખો મહિલાઓ વન વિકાસમાં યોગદાન આપી રહી છે. આજે ગુજરાતમાં અઢી લાખથી વધુ સખી મંડળ છે. મહિલાઓને જીવનમાં આગળ વધવાના અવસર મળ્યા છે.આઝાદીના આટલા વર્ષો બાદ પણ નારી શક્તિ સાથે ઇન્સાફ નહીં થયો. આ બિલ દેશની મારી માતા બહેનો માટે મોટો રક્ષાબંધનનો ઉપહાર છે. આ બિલ મારી બહેનોના સપના પૂરા કરવાની ગેરંટી છે. આ બિલ ભારત ના વિકસિત ભારતની ગેરેંટી છે.મહિલા અધિકારોની વાત પર રાજકીય બહાના બનાવવામાં આવતા હતા. ગુજરાતમાં અમે મહિલાઓ માટે અનેક અભિયાન ચલાવ્યા.સામાજિક સ્થર પર બહેન દીકરીઓ માટે કન્યા કેળવણી અભિયાન ચલાવ્યું હતું. વડાપ્રધાને વધુમાં કહ્યું હતું કે, ગુજરાતમાં અમે જેન્ડર બજેટનો પ્રયોગ કર્યો હતો. મહિલાઓ માટે રોજગાર વધાર્યો હતો. મહિલાઓ માટે સરકારી યોજનાઓ બનાવી હતી. મહિલા વિકાસ કલ્યાણ વિભાગની રચના કરી હતી. ડેરી ક્ષેત્રમાં 35 લાખથી વધુ મહિલાઓ છે. તે ઉપરાંત આજે લાખો મહિલાઓ વન વિકાસમાં યોગદાન આપી રહી છે. રાજ્યમાં 2.5 લાખથી વધારે સખી મંડળો કાર્યરત થયાં છે. ગુજરાત સરકારે ગર્ભવતી માતાઓના પોષણ માટે કામ કર્યું છે.
CM ભૂપેન્દ્ર પટેલે સભાને સંબોધતાં કહ્યું હતું કે, નીતિ સાફ, નિયત નેક હોય તો સારાં કામ થાય છે, મોદી સાહેબે નીતિથી કામ કર્યું છે. ટ્રિપલ તલાક, 370 અને હવે અનામત ત્રણેય નિર્ણય તેમના કાર્યકાળમાં થયા છે. અમૃતકાળમાં સૌના પ્રયાસથી ભારતને વિકસિત કરવાનું આ પગલું છે. લોકતંત્રમાં મહિલાઓની ભાગીદારી વધે એ માટેનું કમિટમેન્ટ પૂરું થયું છે.
સી.આર. પાટીલે તમામ બહેનોને વંદન કરી સભાને સંબોધતાં કહ્યું હતું કે, દેશમાં મોટી સંખ્યામાં બહેનો છે, બહેનો સાથે કોંગ્રેસે અન્યાય કર્યો છે, અનેક વખત મહિલા અનામત બિલ લાવીને તેમનું અપમાન કર્યું છે. આજે બધો અન્યાય દૂર થયો છે. મોદી સાહેબની નીતિ અને નિયત છે, બહેનોને લાભ મળવો જ જોઈએ. દેશની બહેનોને અધિકાર મળે એ માટે મોદીએ પ્રયત્ન કર્યા, દરેક પાર્ટીના સાંસદોને મોદીને સમર્થન આપવું પડ્યું, સમર્થન ન આપે તો બહેનોની નજરમાં ગુનેગાર બની જાય, બહેનોને અધિકાર આપવાનું કામ મોદી સાહેબે કર્યું છે, આપ સૌ અભિનંદન આપવા આવ્યા છો, કાર્યક્રમ પછી પહેલી વખત મોદી અમદાવાદમાં પ્રવાસે છે, બહેનો પર વિશ્વાસ છે કે તેઓ મોદી સાહેબના હાથ વધુ મજબૂત કરશે.પીએમ મોદી દ્વારા ભારતીય જનતા પાર્ટીનો નવો ખેસ લોન્ચ કરવામાં આવ્યો છે. ખેસમાં એક તરફ પીએમ મોદીનો ફોટો અને બીજી તરફ કમળનો ફોટો રાખવામાં આવ્યો છે. હિન્દીમાં ભારતીય જનતા પાર્ટી લખવામાં આવ્યું છે.પીએમ મોદી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવ્યા છે. જેમાં પીએમ મોદી 27 સપ્ટેમ્બરે છોટા ઉદેપુર જિલ્લાની મુલાકાત લેશે. આ દરમિયાન બોડેલીથી વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ પણ કરશે.પીએમ મોદી મહિલાઓને સંબોધ્યા પછી સીધા જ રાજભવન જશે. જ્યાં રાજભવનમાં રાત્રિરોકાણ કરશે. આ દરમિયાન સરકારના મંત્રીઓ, સંગઠનના પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ સાથે તેમની મુલાકાત યોજાઈ શકે છે. જેમાં પીએમ મોદી ચર્ચા કરશે અને સાથે જ વાઈબ્રન્ટ સમિટ પ્રેઝન્ટેશનને પણ નિહાળી શકે છે.ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી બે દિવસના ગુજરાત પ્રવાસ અંતર્ગત આજે મોડી સાંજે રાજભવન પધાર્યા હતા.ગાંધીનગર રાજભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.