ચોટીલા આણંદપુર રોડ ઉપર આવેલ માં દાંતના ખાનગી દવાખાનામાં 5 વર્ષીય બાળકના દાંતની ટ્રીટમેન્ટ દરમિયાન બાળક અંદાજે બે ઈંચની સોય જેવી પીન ગળી જતા પરિવાર બેબાકળો બની ગયો હતો અને તાત્કાલિક રાજકોટ સારવાર માટે દોડી જવું પડેલ અને સર્જરી કરી હોજરીમાં ફસાયેલી સોયને બહાર કાઢવામાં આવેલ હતી. આ મામલે પરિવારજનોએ દાંતના ડોકટર સામે બેદરકારીનો આક્ષેપ કર્યો છે તો તબીબે આ ઘટનાને આકસ્મિક ઘટના ગણાવેલ છે.
જો કે બાળકના પરિવારજનો દ્વારા આ મામલે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવાના હોવાનું પણ મિડીયા સમક્ષ જણાવેલ છે
ચોટીલામાં રહેતા વિશાખાબેન રાજવીર તેમના પાંચ વર્ષના બાળકના દાંતમાં સડો હોય છેલ્લા કેટલાક સમયથી ચોટીલાના આણંદપુર રોડ પર આવેલા ડો. મિલી મેઘપરાના દવાખાનામાં સારવાર કરાવી રહ્યા હતા. ગત 22 તારીખના રોજ પાંચ વર્ષીય બાળકના દાંતની સારવાર ચાલી રહી હતી ત્યારે જ અંદાજે બે ઈંચની સોય જેવી પીન બાળકના ગળામાં ઉતરી જતા ડોકટર અને પરિવારજનોમાં દોડધામ મચી જવા પામી હતી.
સોય ગળા મારફત પેટમાં ચાલી ગઈ હોય તાબડતોડ એક્સરે કરવામાં આવ્યા હતા. સોય હોજરીમાં ચાલી ગઈ હોય ચોટીલામાં તેની સારવાર શક્ય ન હોવાથી બાળકને તાત્કાલીક રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ખાનગી હોસ્પિટલમાં એન્ડોસ્કોપીની મદદથી બાળકની હોજરીમાં ફસાયેલી સોયને બહાર કાઢી લેવાતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.જો કે બાળકનાં પરિવારજનો દ્વારા આ તબીબી બેદરકારી હોવાનું અને ઉચ્ચ કક્ષાએ આ મામલે રજૂઆત અને પગલા લેવા માગણી કરવાના હોવાનું મિડીયા સમક્ષ નિવેદન આપતા તબીબ જગતમાં ઘટના ચર્ચા નો વિષય બનેલ છે ત્યારે સારવાર કરનાર ડોક્ટરે આ આકસ્મિક ઘટના હોવાનું જણાવ્યું હતું. ભોગ બનનાર બાળકના માતા વિશાખાબેને જણાવ્યું હતું કે,22 તારીખે દવખાનામાં જ્યારે આ બનાવ બન્યો ત્યારે ડોકટરે પહેલા અમને પેટમાં રૂૂ ગયાની વાત કરી હતી. ત્યારબાદ સોય ગળી ગયો હોવાનું કહ્યું હતું. અમે બાળકને તાત્કાલીક રાજકોટ લઈ ગયા ચોટીલાના ડોકટરે કહ્યું હતું કે, આ બાબત ગંભીર નથી. જ્યારે રાજકોટના તબીબે કહ્યું હતું કે, સોય પેટમાં રહે તો તેનાથી અન્ય નુકસાન પણ થવાની શક્યતા હતી અમે ત્યાં સારવાર કરાવી પરત આવી ગયા ચોટીલાના તબીબને મળવા ગયા હતા પરંતું ડોક્ટર નું વર્તન અયોગ્ય હતું એ લોકોએ બાળકની ખબર લેવાની પણ દરકાર લીધી નથી.