ગુજરાત સરકાર દ્વારા વહીવટી કાર્યક્ષમતા સુધારવા માટે બિનકાર્યક્ષમ અને અપ્રમાણિક અધિકારીઓને ઘરભેગા કરવાનો તખ્તો તૈયાર કરી દેવામાં આવ્યો છે. ગઇકાલે બહાર પડેલા નિયમો પ્રમાણે હવે સરકાર 50 થી 55 વર્ષના અધિકારીઓને વહેલું રીટાયરમેન્ટ આપી શકશે. 33 વર્ષ બાદ આ નિયમો સુધારવામાં આવ્યા છે. આ અંગે જાણવા મળતી વિગતો પ્રમાણે ગઇકાલે ગુજરાત સરકાર દ્વારા એક જી.આર.બહાર પાડવામાં આવ્યો હતો. જેમાં જણાવ્યા મુજબ એવા અધિકારીઓ કે જેની કાર્યક્ષમતા અને પ્રમાણીકતા સામે સવાલ ઉભા થયા હોય તેવા અધિકારીઓને 50 થી 55 વર્ષ દરમિયાન સરકાર વહેલું રીટાયરમેન્ટ આપી શકશે. આ ઉપરાંત શારીરીક કે માનસીક રીતે ફરજ બજાવવા સક્ષમ ન હોય તેવા અધિકારીઓને પણ સરકાર ઘર ભેગા કરી શકશે.અધિકારીઓની કાર્યક્ષમતાની નોંધ રાખવા માટે એક સીનીયર અધિકારી દ્વારા પર્ફોમન્સ રીવ્યુ ચેક કરવામાં આવશે અને 50 થી 55 વર્ષના અધિકારીઓનું અલગથી રજીસ્ટર તૈયાર કરવામાં આવશે.
આ નિયમોમાં રીટાયરમેન્ટનું એક વર્ષ બાકી હોય તેવા અધિકારીઓને ખાસ કિસ્સા સિવાય બાકાત રાખવામાં આવ્યા છે. આ ખાસ કિસ્સામાં અધિકારીઓની કાર્યક્ષમતા, યોગ્યતા, અસરકારકતા અને પ્રમાણીકતા જેવી બાબતમાં અચાનક ઘટાડો થયો હોય તો તેમને પણ સરકાર વહેલું રીટાયરમેન્ટ આપી શકશે.
જો કોઇ અધિકારીને છેલ્લા પાંચ વર્ષમાં સંતોષકારક પર્ફોમન્સને કારણે પ્રમોશન આપવામાં આવ્યું હોય તો તેને ‘બીન કાર્યક્ષમતા’ના ધોરણ પણ વહેલું રીટાયરમેન્ટ આપી નહીં શકાય. પરંતુ બિનપ્રમાણીક પુરવાર થાય તો તેમને વહેલા નિવૃત કરી દેવાશે.