ગુજરાતમાં સાઇબર ક્રાઇમના ગુનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે રાજ્યના ઘણા વિસ્તારોમાં લોકોને લોભામણી લાલચો આપી તેમની પૈસા લઇ ભાગી જતા લેભાગુ તત્વોનો પણ રાફડો ફાટ્યો હોય તેવા અનેક કિસ્સા સામે આવી ચૂક્યા છે ત્યારે મહેસાણા જિલ્લામાં પણ લોકો સાથે લોનના નામે છેતરપિંડીનો એક મસમોટો કિસ્સો સામે આવ્યો છે. જેમાં આરોપી દ્વારા હેપ્પી લોનના નામે લાખો રૂપિયાની ઠગાઈ કરી કૌભાંડ આચર્યું છે.
મહેસાણામાં લોનના નામે 2 કરોડ 60 લાખ રૂપિયાની છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. અહીં હેપ્પી લોન નામની કંપની બનાવી આ સમગ્ર કૌભાંડ આચર્યુ હોવાની વિગતો સામે આવી છે. ઠગ કંપનીએ 27 હજાર લોકોનું ફૂલેકું ફેરવ્યું હોવાની માહિતી સામે આવી છે. ત્યાં જ આ આંકડો હજુ પણ વધે તો નવાઇ નહીં.
હેપ્પી લોન નામની કંપની દ્વારા કરોડોનું ફૂલેકું ફેરવ્યાની વિગતો સાણે આવી છે. જેમા આરોપી દ્વારા ગરીબ લોકો તેમજ વિધવા મહિલાઓને પણ નિશાન બનાવી તેમની સાથે ચીટીંગ કરી ફરાર થઇ ગયા છે. આરોપી દ્વારા ગરીબ અને મધ્યમ લોકો પાસેથી પૈસા ઉઘરાવીને તેમને લોન આપવાની લાલચ આપી કૌભાંડ કર્યું છે. હાલમાં આરોપીઓ કંપની બંધ કરી ભૂગર્ભમાં ચાલ્યા ગયા છે.
આ મસગ્ર કૌભાંડ હેપ્પી લોન કંપની દ્વારા ચેનલ પીન સિસ્ટમથી સભ્યો બનાવી ષડયંત્ર રચ્યું હતું. તેમજ 1000 રૂપિયાની લોનના બીજા સભ્યો બનાવો તો જ લોન મળે તેવું પણ જણાવવામાં આવ્યું હતું. સાથે જ વેબસાઈટ પર આ કંપનીમાં 26,000 સભ્યો બન્યા હોવાનું પણ સામે આવ્યું છે. આ આખા કૌભાંડમાં પિયુષ વ્યાસ નામના ઠગબાજે લોકોને ચૂનો લગાવ્યો છે. આ આખા કૌભાંડમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ઠગોએ સબસીડી અને ઈનામની પણ લાલચ આપી હતી. સાથે જ ઝીરો ટકા વ્યાજ અને 50 ટકા સબસીડીની લાલચ લોકોને આપવામાં આવી હતી. જોકે બાદમાં કંપનીમાં સભ્યો બનેલા લોકોને લોન કે ઇનામ આપ્યા જ નહીં અને આરોપીઓ ભૂગર્ભમાં ચાલ્યા ગયા. હાલમાં આ મામલે પોલીસ ફરિયાદ દાખલ થયા બાદ તપાસનો દોર શરૂ થયો છે.