અમદાવાદમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ સહાયક રાજ્યવેરા કમિશનરને ક્લાસ-2ના અધિકારીઓ અને ક્લાસ-3ના તમામ કર્મચારીઓએ બહારથી દાળવડા મંગાવવા માટે મંજૂરી લેવા માટેની અરજી કરી છે.
આ અરજી હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ અરજીમાં 11 જેટલા કર્મચારીઓ દ્વારા સહી પણ કરવામાં આવી છે.
અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં આવેલી સહાયક રાજ્યવેરા કમિશનરની કચેરી ઘટક-3 ખાતે વર્ગ-2ના અધિકારીઓ અને વર્ગ-3ના કર્મચારીઓ દ્વારા અરજી કરવામાં આવી છે. આ અરજીમાં લખવામાં આવ્યું છે કે, ‘આપે રાજ્યવેરા નિરીક્ષક (વહીવટ) મનોજભાઈ બોરીયા તથા સિનિયર કારકુન હર્ષદ ડી. સોલંકી તથા જુનિયર કારકુન ધ્રુવ દેસાઈને ચેમ્બરમાં રુબરુ બોલાવીને એવું કહેલ કે ઓફિસમાં કોઈપણ નાસ્તો બહારથી મંગાવવો હશે તો મારી એટલે કે સહાયક રાજ્યવેરા કમિશર એ.સી ભટ્ટની મંજૂરી લેવી પડશે, જો એમ કરવામાં નહીં આવે તો તમામ સ્ટાફ વિરુદ્ધ પગલા લેવામાં આવશે.’
વધુમાં લખવામાં આવ્યું છે કે, ‘આપની ઉક્ત મૌખિક સૂચના અનુસાર આવતીકાલે બપોરે 2.00 કલાકે ઓફિસમાં દાળવડા મંગાવવાના હોઈ મંજૂરી આપવા વિનંતી છે.’ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા બહારથી નાસ્તો મંગાવવા માટેની મંજૂરી લેવા કરવામાં આવેલી અરજીની નકલ સંયુક્ત રાજ્યવેરા કમિશનર વિભાગ – 1 અમદાવાદ અને નાયબ રાજ્યવેરા કમિશનર વર્તુળ – 1 અમદાવાદ ખાતે પણ મોકલવામાં આવી છે. દાળવડા મંગાવવા માટે કરવામાં આવેલી અરજી સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.