વિશ્વભરમાં વસતા કરોડો હિન્દુઓની આસ્થાના પ્રતિક એવા ભગવાન શ્રી રામના અયોધ્યામાં નિર્માણાધિન ભવ્યાતિભવ્ય મંદિરનું વર્ષ ૨૦૨૪માં ઉદ્ઘાટન થવાનું છે તે બાબત ધ્યાને લઇ સહાય ફાઉન્ડેશન દ્વારા ભગવાન શ્રી રામની પાદુકાઓ લેવા ૨૪ સભ્યો સાથે અયોધ્યા જવાનો નિર્ણય કરાયો હતો. તાજેતરમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા વિધાનસભા અને લોકસભામાં મહિલાઓને ૩૩% પ્રતિનિધિત્વ આપવાનો સરાહનીય નિર્ણય કરાયો છે ત્યારે અયોધ્યા ગયેલ સહાય ફાઉન્ડેશનના ૨૪ સભ્યોમાં ૩૩% મુજબ ૮ મહિલાઓનો પણ સમાવેશ કરાયો હતો.
ધારાસભ્ય રીટાબેન પટેલ, શ્રી કેતનભાઈ પટેલ, શ્રી જીગર પટેલ ઉપરાંત શ્રી ઋચિર ભટ્ટ સહિત સહાય ફાઉન્ડેશનની ૨૪ સભ્યોની ટીમ ૮ ઑક્ટોબરના રોજ અયોધ્યા પંહોચી હતી જ્યાં તેઓએ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ખાતે ભગવાન શ્રી રામ લલ્લાના દર્શન કર્યા હતાં. શ્રી રામની પાદુકાઓની વિધિસર પૂજા કરી શ્રી રામ મંદિર અયોધ્યાના મહંત દ્વારા ભગવાન રામની પાદુકાઓ સહાય ફાઉન્ડેશનને સોંપાઈ હતી. ત્યાર બાદ સહાય ફાઉન્ડેશનના સભ્યોએ હનુમાનગઢી ખાતે પણ દર્શન કર્યા હતા તેમજ સરયુ નદીના કાંઠે સંધ્યા આરતીનો લ્હાવો લીધો હતો અને ઉપરોક્ત બંને સ્થાનોએ પણ શ્રી રામની પાદુકાઓની પૂજાવિધિ કરવામાં આવી હતી. અયોધ્યાથી લવાયેલી ભગવાન શ્રી રામની પાદુકાઓના દર્શન ‘કેસરિયા ગરબા- નવરાત ૨૦૨૩‘ના આંગણે પધારનાર નાગરિકો અયોધ્યા રામ મંદિરની ૧૦૧ ફૂટ ઊંચી ભવ્ય ઇકો ફ્રેન્ડલી પ્રતિકૃતિમાં દર્શન કરી શકશે.