ગાંધીનગરની 42 વર્ષીય ત્યક્તા મહિલાને સોશિયલ મીડિયાના માધ્યમથી સરગાસણનાં 26 વર્ષીય યુવક સાથે મિત્રતા કેળવવી ભારે પડી ગઈ છે. મહિલાએ મિત્રતાના સંબંધોનો અંત લાવતાં નાસીપાસ થયેલા યુવકે એક તરફી પ્રેમમાં અંધ બનીને સજોડે પાડેલા ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરી બિભત્સ લખાણો લખીને તમામ હદ વટાવી દેતા ગાંધીનગરના સેકટર – 7 પોલીસ મથકના ચોપડે ફરિયાદ દાખલ કરાઈ છે.
ગાંધીનગરમાં રહેતી 42 વર્ષીય મહિલાનાં વર્ષ – 2008 માં છૂટાછેડા થયા હોવાથી પિયરમાં જ રહે છે. આજથી આશરે એક વર્ષ અગાઉ મહિલાને પોતાનાથી 16 વર્ષ નાની ઉંમરના જય નગીનભાઈ રાજન (રહે-પ્રાથના ગ્રીન્સ સોસાયટી મકાન નંબર જી/402, સરગાસણ) સાથે સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામથી સંપર્ક થયો હતો. જેનાં પગલે બન્ને વચ્ચે સોશિયલ મીડિયાના માધ્યમથી વાતચીત થતી રહેતી હતી. આમ બન્ને વચ્ચે મિત્રતા થતાં અવારનવાર જાહેર સ્થળોએ મુલાકાતો કરતા હતા. અને સાથે ફોટા પણ પડાવતા હતા. ઉપરાંત એકબીજા ફોન તથા મેસેજથી વાતચીત કરતા હતા. જો કે સમય જતાં મહિલાને અહેસાસ થયો હતો કે, જય રાજન શંકાશીલ સ્વભાવનો છે.
આથી મહિલા તેને અવાર નવાર મિત્રતા નહી રાખવા માટે સમજાવતી હતી. પરંતુ જય રાજન કોઈ કાળે માનતો ન હતો. આખરે મહિલાએ મે – 2023 માં જય સાથેના સંપર્કોનો અંત લાવી દેવામાં આવ્યો હતો. જેથી એકતરફી પ્રેમમાં ગિન્નાયેલ જય રાજને ફેસબુક ઉપર ખોટા નામથી એકાઉન્ટ બનાવ્યું હતું. અને મહિલા સાથેની મિત્રતા વખતે પાડેલ ફોટો પ્રોફાઇલ (ડીપી) માં મૂક્યો હતો.
આટલું ઓછું હોય એમ, ક્વૉરા સોશિયલ મીડિયામાં રાજન જય નામનુ એકાઉન્ટ બનાવી બંનેના ફોટા તેની પ્રોફાઇલ (ડીપી) માં મુકી મહિલાને ઈમેલ કરીને બિભત્સ લખાણો લખેલ મેસેજ કરવાનું શરૂ કર્યું હતું. એમાંય મહિલા જ્યાં પણ જાય તેની માહિતી પણ આપીને સતત તણાવ ઊભો કરે રાખ્યો હતો. આખરે સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવી પસ્તાવાનો વખત આવતાં મહિલાએ આ બધાથી છુટકારો મેળવવા માટે સેકટર – 7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.