માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ 11 ઓક્ટોબર, 2023 બુધવારના રોજ મુંબઈ ખાતે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) 2024ના રોડ શૉનું નેતૃત્વ કરશે. મુખ્યમંત્રીશ્રી VGGSની સફળતાના 20 વર્ષ તેમજ માનનીય વડાપ્રધાનશ્રીના ‘વિકસીત ભારત @2047’ના વિઝન અને તે માટેની ગુજરાતની સજ્જતા અંગે સંબોધન કરશે.
નવી દિલ્હીમાં આયોજિત કર્ટેન રેઈઝર કાર્યક્રમમાં 1500થી વધુ રોકાણકારો અને ઉદ્યોગસાહસિકો સહભાગી થયા હતા. આ ઉપરાંત, સાંજે આયોજિત થયેલ મિશનના વડાઓ સાથેના સંવાદમાં 119 કરતા વધુ ડિપ્લોમેટ્સે હાજરી આપી હતી. નવી દિલ્હીમાં આયોજિત કાર્યક્રમની ભવ્ય સફળતા પછી, ગુજરાત સરકાર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મુંબઈ ખાતે રોડ શૉ યોજવા માટે સજ્જ છે. આ રોડ શૉ ફિનટેક, આઇટી, બેન્કિંગ, ફાઇનાન્શિયલ સર્વિસિસ અને ઇન્શ્યોરન્સ જેવા વિવિધ ક્ષેત્રોમાં તેમજ ગુજરાતમાં ફ્યુચર રેડી મેગા પ્રોજેકટ્સમાં મોટા રોકાણો આકર્ષિત કરવા માટેનો માહોલ ઊભો કરશે. આ રોડ શૉનો હેતુ VGGS 2024 દ્વારા ગુજરાતને ‘ગેટવે ટુ ધ ફ્યુચર’ તરીકે ઉજાગર કરવાનો છે.
આ રોડ શૉમાં માનનીય નાણા, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઈ દેસાઇ, માનનીય ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત, માનનીય રાજ્ય (ગૃહ અને પોલીસ હાઉસિંગ, ઉદ્યોગ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ) મંત્રી શ્રી હર્ષ સંઘવી, માનનીય રાજ્ય (MSME, કુટિર ઉદ્યોગ, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન) મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા અને માનનીય મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કે. કૈલાસનાથન ઉપસ્થિત રહેશે.
CIIના પ્રેસિડેન્ટ અને ટીવીએસ સપ્લાય ચેઇન સોલ્યુશન્સના એક્ઝિક્યુટિવ વાઇસ ચેરમેન શ્રી આર. દિનેશ સ્વાગત પ્રવચન આપશે. ત્યારબાદ, વાયબ્રન્ટ ગુજરાત સમિટની એક ઓડિયો-વિઝ્યુઅલ ફિલ્મનું સ્ક્રીનિંગ કરવામાં આવશે અને તે પછી ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એસ. જે. હૈદર દ્વારા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 અંગે એક પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં અગ્રણી ઉદ્યોગપતિઓ દ્વારા ગુજરાત અંગેના તેઓના અનુભવો શેર કરવામાં આવશે અને ગુજરાત સરકારના મુખ્ય સચિવ શ્રી રાજકુમાર દ્વારા સંબોધન કરવામાં આવશે.