ભારતને ગામડાઓનો દેશ કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે અસલી ભારત શહેરોમાં નહીં, પરંતુ ગામડાઓમાં વસે છે. ભારતની સંસ્કૃતિ અને સુંદરતા દર્શાવતા ગામો દેશની વાસ્તવિક ધરોહર છે. તમે ભારતના ગામડાઓની વિવિધતા વિશે સાંભળ્યું હશે. દેશમાં એવા કેટલાક ગામડાઓ છે, જે પોતાના અવનવા રીત રીવાજોથી જાણીતા છે. ભારતમાં એક એવું ગામ છે, જેને વાંઢાઓના ગામ’ તરીકે ઓળખવામાં આવે છે.
આ ગામને ‘બેચલર્સ વિલેજ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કારણથી આ ગામ દેશભરમાં પ્રખ્યાત છે. ભારતનું આ અનોખું ગામ બિહાર રાજ્યના કૈમુર જિલ્લાના અધૌરા તાલુકામાં આવેલું બરવાન કાલા ગામ છે.
પટનાથી ૩૦૦ કિલોમીટરના અંતરે આવેલા આ ગામમાં વર્ષોથી કોઈ છોકરાના લગ્ન નથી થયા. જો તમે વિચારી રહ્યા છો કે છોકરાઓ લગ્ન કરવા નથી માંગતા તો આ વાત ખોટી છે. આ ગામના છોકરાઓ લગ્ન કરવા માંગે છે પરંતુ તેમ છતાં તેઓ લગ્ન કરી શકતા નથી.
હવે તમે વિચારતા હશો કે આ ગામને વાંઢાઓનું ગામ કેમ કહેવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ ગામમાં ઘણા એવા લોકો છે જેમણે લગ્ન કર્યા જ નથી. એવું કહેવાય છે કે આ ગામમાં છેલ્લા ૫૦ વર્ષમાં માત્ર એક જ વાર લગ્નની શરણાઈ વાગી હતી.
આ ગામમાં ૫૦ વર્ષે ૨૦૧૭માં પ્રથમવાર લગ્નની શરણાઈ વાગી હતી, જ્યારે અહીં રહેતા એક વ્યક્તિએ ગામની બહારની એક મહિલા સાથે લગ્ન કર્યા હતા. જોકે, અગાઉ અહીં રહેતા લોકો લગ્ન કરતા હતા.
બિહારનું આ ગામ અંતરિયાળ વિસ્તારમાં આવેલું છે. આ ગામ પહોંચવા માટેના રૂટને લઈને સૌથી મોટી સમસ્યા છે. આ સાથે વીજળી અને પાણીની પણ સમસ્યા છે અને અન્ય સંદેશાવ્યવહારના માધ્યમ માટે પણ મુશ્કેલી પડી રહી છે. આ સમસ્યાને કારણે અહીં કોઈ પોતાની દીકરી આપવા માંગતું નથી.