પ્રજાને સતત પ્રતીતિ થાય કે પોલીસ સદાય તેની પડખે છે તેવા પરસેપ્શન સાથે અસામાજિક પ્રવૃત્તિઓ – ગૂનેગારો સામે સખ્તાઇથી પેશ આવોકોરોના સંક્રમણ કાળમાં કોરોના વોરિયર્સ તરીકે પોલીસે પ્રજાહિતમાં પ્રજા મિત્ર બની અભિનંદનીય કાર્ય કર્યુ છે રેટ વધારવા-લાપતા બાળકો શોધી કાઢવા-પ્રોહિબીશન ગૂનાઓ પકડી પાડવા લક્ષ્યાંક આધારિત કામગીરી તેજ બનાવવા તાકિદગુજરાતની શાંત-સલામત-સુરક્ષિત રાજ્યની પહેચાન વધુ સુદ્રઢતાથી આગળ ધપાવવી છે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના પોલીસ અધિકારીઓને સ્પષ્ટપણે જણાવ્યું કે પ્રજાહિતના કામો અને કાયદો વ્યવસ્થાના પાલનમાં રાજ્ય સરકાર ક્યારેય તેમને રોકશે નહિ જ પોલીસ અધિકારીઓ હિંમ્મતપૂર્વક આગળ વધે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે રાજ્યના વિકાસને સોળે કળાએ ખીલવવા અને ઉત્તમથી સર્વોત્તમ રાજ્ય બનાવવાના પાયાની પૂર્વ શરત સુદ્રઢ કાયદો વ્યવસ્થા છે. પ્રજાને સતત પ્રતીતિ થાય કે પોલીસ સદાય તેની પડખે છે તેવા પર્સેપ્શન સાથે અને અસામાજિક પ્રવૃતિઓ સામે સખ્તાઈથી પેશ આવવા પણ તેમણે પોલીસ અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં રાજ્યના મહાનગરોના પોલીસ કમિશનરો, રાજ્યની વિવિધ રેન્જના આઇ.જી તેમજ તમામ જિલ્લાના પોલીસ અધિક્ષકો સાથે ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ યોજી હતી. મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન તેમજ ગૃહના અધિક મુખ્ય સચિવ શ્રીમતી સંગીતાસિંહ, પોલીસ મહાનિદેશક શ્રી આશિષ ભાટિયા, આઇ.જી.પી. શ્રી નરસિંમ્હા કોમાર અને ગૃહ સચિવ શ્રીમતી નિપૂણા તોરવણે પણ આ વિડીયો કોન્ફરન્સમાં જોડાયા હતા. મુખ્યમંત્રીશ્રીએ કોરોના સંક્રમણ કાળમાં કોરોના વોરિયર્સ તરીકે રાજ્યના પોલીસ બેડા એ જે કામગીરી પ્રજાના મિત્ર તરીકે અને પ્રજાહિતમાં કરી છે તેની પ્રસંશા કરી હતી. લોકડાઉનના પાલન અને હવે અન લોકડાઉનની સ્થિતિમાં પણ પોલીસની સરાહનીય કામગીરી માટે તેમણે અભિનંદન પાઠવ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, જ્યાં કાયદો વ્યવસ્થામાં ઢિલાશ હોય ત્યાં લોકો ભયને કારણે નવું કરવા પ્રેરિત થતા નથી. ગુજરાતમાં અગાઉ એક સમય હતો કે ખંડણીખોરો, માથાભારે તત્વોને કારણે ગુજરાત બદનામ હતું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના રાજ્યના મુખ્યમંત્રી કાળથી કાયદો વ્યવસ્થા સુદ્રઢ બની છે અને હવેની પેઢી કે આવનારી પેઢીને કોઇ ભય વિના ધંધા-રોજગાર-વ્યવસાય કરીને સમૃદ્ધ થવાની તક મળી છે એમ તેમણે ઉમેર્યુ હતું. તેમણે પોલીસની કડપ અને છાપ જ એવા હોય કે ગુન્હેગાર અને અસામાજિક તત્વો માથું ઊંચકી જ ના શકે તેવી ઈમાનદારી અને કડકાઈ માટે પોલીસ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ જિલ્લા પોલીસ અધિક્ષકો અને રેન્જ વડાઓને પોતાના જિલ્લા-વિસ્તારમાં કન્વીકેશન રેટ વધે તેવા હેતુ સાથે નાસતા ફરતા આરોપીઓ, લાપતા બાળકો, પ્રોહિબીશન ગૂન્હાઓ અંગે ઝૂંબેશ ઉપાડીને લક્ષ્યાંક આધારિત કાર્યવાહી તેજ બનાવવા પણ સુચવ્યું હતું. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારે પોલીસ દળને સમય સાથે ચાલવા સજ્જ કર્યું છે અને સાયબર ક્રાઇમ, સીસીટીવી નેટવર્ક, વિશ્વાસ, સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટ વગેરે દ્વારા સાયબર ક્રાઇમના ગુનાઓના નિવારણ અને સંશોધનમાં ઝડપ આવી છે. શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્ય પોલીસ દળમાં નવી ભરતીમાં જે યુવાઓ આવ્યા છે તે ટેકનો સેવી છે તેમની સેવાઓ આ હેતુસર વ્યાપક લેવાય તે માટે પણ સૂચવ્યું હતું. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સરહદી રાજ્ય-બોર્ડર સ્ટેટ તરીકે ગુજરાતની સંવેદનશીલતા ધ્યાનમાં લઇને ખાસ કરીને બોર્ડર ડિસ્ટ્રીકટમાં સતર્કતા સઘન બનાવવા અને કોસ્ટલ સિકયુરિટીને પણ સચેત રહેવા તાકિદ કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ એમ પણ કહ્યું કે ભ્રષ્ટાચાર વિરોધી ઝુંબેશ વેગવાન બનાવીને ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સ માટે સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ જેવા શહેરો કોસ્મપોલીટીન બનતા જાય છે ત્યારે એ મહાનગરોમાં પણ ક્રાઇમ રેટ વધે નહિ, તેની કાળજી લેવા તાકીદ કરી હતી. તેમણે ગુજરાતની શાંત, સલામત અને સુરક્ષિત રાજ્ય તરીકેની પહેચાન છે તેને આપણે વધુ આગળ વધારવી છે તેવી સંકલ્પબદ્ધતા પોલીસ બેડાનું મનોબળ વધારતા મનનીય સંવાદમાં વ્યકત કરી હતી. ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ આ કોન્ફરન્સમાં જણાવ્યું કે, ગુજરાત પોલીસે નવા પ્રકારની સ્થિતીમાં પોતાની નવી ઓળખ પ્રજામાં માનસમાં ઊભી કરી છે. સંવેદના સાથે સખ્તાઇ બેયનો અનુભવ કરાવતી પોલીસ પ્રજા પડખે, પ્રજા માટે પ્રજા સાથે રહિને તેમની સલામતીની સતત રક્ષા કરે છે. તેમણે જણાવ્યું કે, હવેના સમયમાં ગૂનાના પ્રકારો બદલાયા છે ત્યારે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પોલીસ બેડાને સાયબર ક્રાઇમ સામે Update કરવાના નવિનત્તમ આયામો અપનાવ્યા છે. પ્રદિપસિંહ જાડેજાએ એમ પણ ઉમેર્યુ કે, રાજ્યમાં પ્રોહિબીશન સામેની કડકાઇમાં કોઇ ઢિલાશ ચલાવી લેવાશે નહિ. એટલું જ નહિ, ગૃહ રાજ્યમંત્રીશ્રીએ એ.સી.બી.ને પણ વધુ મેનપાવર, ટેકનોલોજીથી સજ્જ કરી ભ્રષ્ટાચાર સામેની લડાઇ વ્યાપક બનાવવાની મુખ્યમંત્રીશ્રીની નેમ પાર પાડવા આહવાન કર્યુ હતું. ગૃહ રાજ્યમંત્રીશ્રીએ રાજ્યમાં ગૂમ થયેલા બાળકોને શોધવાની કામગીરી પણ સઘન બનાવવાની સૂચનાઓ આપી હતી. ગૃહના અધિક મુખ્ય સચિવ શ્રીમતી સંગીતાસિંહે પ્રારંભમાં બેઠકનો ઉદેશ્ય સ્પષ્ટ કર્યો હતો. પોલીસ મહાનિદેશક શ્રી આશિષ ભાટિયાએ સૌનો આભાર વ્યકત કરતાં સમગ્ર પોલીસ બેડા વતી મુખ્યમંત્રીશ્રીને તેમની અપેક્ષા મુજબની કામગીરી સતર્કતાપૂર્વક કરવાની ખાતરી આપી હતી.