ગુજરાતીઓ માટે સૌથી ખાસ ગણાતો નવરાત્રિનો તહેવાર ધામધૂમથી રાજ્યભરમાં ઉજવાઇ રહ્યો છે. તેમાં પણ ગરબા પ્રેમીઓમાં અલગ જ ઉત્સાહ જોવા મળે છે. પરંતુ ગરબાની આ મોજમસ્તી વચ્ચે એક નવી સમસ્યા પણ માથું ઊંચકી રહી છે. જેમાં પહેલાની કોઇ બીમારી, નવરાત્રિ દરમિયાન લાંબા સમય સુધી ઉપવાસ, અનહેલ્થી આહાર અને હાલમાં હૃદયની સમસ્યાઓ વિશેની અજ્ઞાનતાના લીધે ગુજરાતમાં ગરબાના કાર્યક્રમમાં હૃદયરોગના હુમલા કારણે અનેક મૃત્યુ નોંધાયા છે.
અનેક સમાચારોના અહેવાલો અનુસાર, એક દિવસમાં ગુજરાતભરના ગરબાના કાર્યક્રમોમાં હૃદયરોગના હુમલાને કારણે ઓછામાં ઓછા 10 મૃત્યુ નોંધાયા છે, જેમાં સૌથી નાના 17 વર્ષના યુવાનનો પણ સમાવેશ થાય છે. વીર શાહ તરીકે ઓળખાતો આ કિશોર ખેડા જિલ્લાના કપડવંજ શહેરમાં એક કાર્યક્રમમાં ગરબા રમતી વખતે અચાનક બીમાર પડી ગયો હતો. રીપોર્ટ્સ અનુસાર, તેના નાકમાંથી લોહી નીકળવાનું શરૂ થયું હતું અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં તેને હાર્ટ એટેકના કારણે મૃત જાહેર કરાયો હતો. બાદમાં તેમના પરિવારે લોકોને અપીલ કરી હતી કે, “બ્રેક લીધા વગર લાંબા સમય સુધી ગરબા ન રમો. મેં આજે મારો પુત્ર ગુમાવ્યો. હું આશા રાખું છું કે બીજા કોઈની સાથે આવું ન થાય.” આવા જ કિસ્સાઓ અમદાવાદ, રાજકોટ અને નવસારીમાં પણ સામે આવ્યા છે.
ભારતમાં હૃદયરોગના હુમલાનું પ્રમાણ વધી રહ્યું છે, જે કોવિડ પછીની જટિલતાઓ, હવાનું પ્રદૂષણ અને અલહેલ્થી લાઇફસ્ટાઇલ સહિતના વિવિધ પરિબળોના કારણે છે. અમદાવાદની નારાયણા હોસ્પિટલના કન્સલ્ટન્ટ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડો.ઝીશાન મન્સુરીએ ન્યૂઝ18ને જણાવ્યું કે, “અમે યુવાન દર્દીઓમાં હાર્ટ એટેકનો વધતો દર જોઇ રહ્યા છીએ. “પહેલા 10 દર્દીઓમાંથી 1ની ઉંમર 30 વર્ષથી ઓછી હતી. પરંતુ હવે 10માંથી 3 દર્દીઓની ઉંમર 30 વર્ષથી ઓછી હોય છે.” નવી દિલ્હીના સાઓલ હાર્ટ સેન્ટરના સિનિયર કાર્ડિયોલોજિસ્ટ અને ડિરેક્ટર ડો.બિમલ છજેરે પણ જણાવ્યું હતું કે, તેઓ યુવાનો અને આધેડ વયના બંને વર્ગના લોકોને વિવિધ લક્ષણો સાથે ઓપીડીમાં આવતા જોઇ રહ્યા છે.
એઈમ્સના ભૂતપૂર્વ સલાહકાર છજેરે જણાવ્યું હતું કે, અગાઉ ખૂબ જ ગંભીર લક્ષણો, ધમનીઓમાં અવરોધ અને કાર્ડિયાક એરેસ્ટ અથવા કાર્ડિયાક સ્ટ્રેઇનની ફરિયાદ 10 ટકા દર્દીઓમાં હતી. પરંતુ આ ટકાવારી હવે વધીને લગભગ 25 ટકા થઈ ગઈ છે.
નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે, ગરબા જેવી શારીરિક પ્રવૃત્તિઓ દરમિયાન અચાનક આવતા હાર્ટ એટેકના વિવિધ કારણો હોઈ શકે છે, જેમાં અગાઉની કોઇ મેડિકલ પરિસ્થિતિઓ, શારીરિક શ્રમ અને પર્યાવરણીય પરિબળોનો પણ સમાવેશ થાય છે. અમદાવાદના મન્સુરીએ જણાવ્યું હતું કે, “રમતગમત અને નૃત્યની પ્રવૃત્તિઓમાં ભાગ લેવો, ખાસ કરીને ગરબા જેવી હાઇ ઇન્ટેન્સિટી ઇવેન્ટ્સ દરમિયાન, આવી સમસ્યા વધી શકે છે, જેનાથી હાર્ટ એટેક અને હાર્ટ ફેલ્યોર સહિત હૃદય સંબંધિત સમસ્યાઓનું જોખમ વધી શકે છે.”
યુવાનો સહિત ઘણા લોકોમાં અજાણ્યે જ હાઈ બ્લડ પ્રેશર અથવા ડાયાબિટીસ જેવા જોખમી પરિબળો હોઇ શકે છે, જે તેમને આવી ઇવેન્ટ્સ દરમિયાન કાર્ડિયાક સમસ્યાઓનો શિકાર બનાવે છે. કોલકતાની એનએચ આર.એન.ટાગોર હોસ્પિટલના કાર્ડિયોલોજી કન્સલ્ટન્ટ ડો. દેબદત્તા મજુમદારે સલાહ આપી હતી કે, “લોકોએ તેમના સ્વાસ્થ્ય વિશે જાગૃત રહેવું, હાઇડ્રેટેડ રહેવું અને આવા સેલિબ્રેશન દરમિયાન તેમની શારીરિક મર્યાદાઓથી વધારે હાઇ ઇન્ટેસિક પ્રવૃત્તિઓ ન કરવી જોઇએ.”
ફોર્ટિસ મેમોરિયલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ગુરુગ્રામના કાર્ડિયોથોરાસિક અને વેસ્ક્યુલર સર્જરીના ડિરેક્ટર અને વડા ડો.ઉદગેથ ધીરે જણાવ્યું હતું કે, કેટલાક કિસ્સાઓમાં યુવાનો પરિવાર સંબંધિત હૃદયની સમસ્યાઓના કારણે અચાનક કાર્ડિયાક અરેસ્ટનો અનુભવ કરી શકે છે, ખાસ કરીને જ્યારે તેઓ ખૂબ જ ઇમોશનલ અથવા ફિઝીકલ રીતે તણાવમાં હોય છે. તેના કારણે હ્યદયની સમસ્યા અથવા મોતની શક્યતાઓ વધી શકે છે.”
જ્યારે શરીરના ઇલેક્ટ્રોલાઇટ્સમાં અસંતુલન હોય ત્યારે આ સમસ્યા વધુ ગંભીર બની શકે છે, જે ડાન્સ અથવા કસરત જેવી પ્રવૃત્તિઓ દરમિયાન થઈ શકે છે. સામાન્ય કામ અથવા દૈનિક પ્રવૃત્તિઓ દરમિયાન તેમાં કોઈ સમસ્યા અથવા લક્ષણો ઉભા થતા નથી અને તેથી કોઈનું ધ્યાન જતું નથી.
સાઓલ હાર્ટ સેન્ટરના છજેરે જણાવ્યું હતું કે, “તહેવારો દરમિયાન હૃદયને લગતી સમસ્યાઓ માટે તબીબી સહાય મેળવવા માંગતા દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થતો જોવા મળે છે”. તેમની મુખ્ય ફરિયાદો શ્વાસ લેવામાં તકલીફ અથવા છાતીમાં દુખાવો થવાની હોય છે. ડિહાઇડ્રેશન, નબળું ડાયટ અને અતિશય શારીરિક પ્રવૃત્તિ એ તે માટેના કેટલાક જવાબદાર પરિબળો છે. આ તહેવારો દરમિયાન ગરમી અને અતિશય પ્રવૃત્તિને કારણે હૃદયમાં તણાવ ઊભો થઈ શકે છે.” તેમણે સૂચવ્યું હતું કે, ખાસ કરીને યુવાનોએ હૃદયને લગતી સમસ્યાઓનું જોખમ ઘટાડવા માટે હાઇડ્રેટેડ રહેવું જોઈએ અને વધુ પડતી માત્રામાં ખાંડ અથવા ચરબીવાળો આહાર લેવાનું ટાળવું જોઈએ.
ફોર્ટિસના ધીરે જણાવ્યા અનુસાર, માનવ શરીર આવા કિસ્સામાં ઘણા સંકેતો આપે છે, પરંતુ આપણે તેને નજરઅંદાજ કરી દઇએ છીએ અને નિયમિત ચેક-અપ કરવાનું ટાળીએ છીએ. અગવડતા, વધુ પડતો થાક, ઉધરસ, ઉબકા જેવા લક્ષણોને અવગણવા અને ચેક અપ્સ ન કરાવવાના કારણે કાર્ડિયાક એરેસ્ટ થઈ શકે છે.” અન્ય ઘણા ડોક્ટર્સ પણ નિયમિત ચેકઅપ કરવાની સલાહ આપે છે.
અમદાવાદની નારાયણ હોસ્પિટલના મજૂમદાર જણાવે છે કે, “જો આવા કિસ્સાઓમાં તાત્કાલિક મેડિકલ સહાલ ઉપલબ્ધ બને તો તેને રોકવા માટે નિર્ણાયક બની શકે છે. સમયસર પગલા લેવાથી હૃદયની નાની સમસ્યાઓને કાર્ડિયાક એરેસ્ટ જેવી ઘટના બનતા અટકાવી શકાય છે.” નિષ્ણાંતોએ જણાવ્યા અનુસાર, આવા સેલિબ્રેશન દરમિયાન વધુ પડતા પરિશ્રમ અને તણાવ સાથે સંકળાયેલા સંભવિત જોખમો વિશે જાગૃતિ લાવવી જરૂરી છે. છાતીમાં દુખાવો અથવા શ્વાસની તકલીફ જેવી હૃદયની સમસ્યાઓના પ્રારંભિક સંકેતોને ઓળખવા એ પણ નિર્ણાયક ભૂમિકા ભજવે છે. તહેવારો પહેલા આવી સમસ્યા ધરાવતા લોકોએ મેડિકલ ચેક અપ કરાવવું જોઇએ.
મન્સુરીએ જણાવ્યું હતું કે, “ગરબા જેવા કાર્યક્રમોમાં મેડિકલ પ્રોફેશનલ્સ અને ડિફિબ્રિએલેટર્સની હાજરી પણ મહત્વપૂર્ણ છે કારણ કે તેઓ કટોકટીની સ્થિતિમાં જીવન રક્ષક સાબિત થઇ શકે છે.”