મૂડીઝ પછી ફિચ દ્વારા પણ ભારતનો GDP ગ્રોથ ડાઉનગ્રેડ કરવામાં આવ્યો છે. માર્ચ ક્વોર્ટરનાં કંપની-પરિણામ એકંદર નબળા રહેવાના વરતારા છે. કોર્પોરેટ ઍનિંગ ગ્રોથ ૧૯ ક્વોર્ટર અર્થાત્ પોણાપાંચ વર્ષના તળિયે જવાનું અનુમાન છે અને ટેરિફના તનાવમાં જૂન ક્વોર્ટર આનાથી પણ ખરાબ જવાનું છે, પરંતુ બજાર કોઈક અલગ મૂડમાં છે. ટ્રમ્પે રેસિપ્રોકલ ટેરિફનો અમલ ૯૦ દિવસ મોકૂફ રાખ્યો એમાં માર્કેટના લાલાઓ ઇડરિયો ગઢ સર કરી નાખ્યો હોવાનું માની રહ્યા છે. એમાં મોન્સુન સરેરાશ કરતાં સારું રહેવાનો હવામાન ખાતાનો વરતારો ઉમેરો બન્યો છે. તો એપ્રિલના કામકાજના પાંચ જ દિવસમાં ૨૪૪૦૦ કરોડ નજીકની નેટ વેચવાલી કરનાર FIIએ ૧૫ અને ૧૬મીએ કુલ મળી ૧૦૦૦૨ કરોડની નેટ લેવાલી કરી હોવાના અહેવાલથી બજારને દોડવા માટે નવો ઢાળ મળી ગયો લાગે છે. દરમ્યાન ટ્રમ્પે ચાઇનીઝ આયાત પરની ડ્યુટી વધારીને ૨૪૫ ટકા કરી દીધી હોવાના અહેવાલ પણ ઘરઆંગણે તેજીમાં સહાયક બન્યા છે. ફાર્મા પર ટેરિફ નાખવાની ટ્રમ્પની હિલચાલની હાલ બજારે અવગણના કરી છે. સરવાળે સેન્સેક્સ ગુરુવારે ૧૫૦૯ પોઇન્ટના જમ્પમાં ૭૮૫૫૩ તથા નિફટી ૪૧૪ પોઇન્ટની આગેકૂચમાં ૨૩૮પર બંધ થયો છે. આ સાથે છેલ્લા ચાર દિવસમાં માર્કેટ કુલ ૪૭૦૬ પોઇન્ટ ઊંચકાયું છે જેમાં માર્કેટ કેપની રીતે રોકાણકારોને કુલ ૨૫.૭૮ લાખ કરોડ રૂપિયાનો ફાયદો થયો છે.
સેન્સેક્સ આગલા બંધથી ૭૬ પોઇન્ટ જેવો નજીવો નરમ, ૭૬૯૬૮ ખૂલી નીચામાં ૭૬૬૬૬ની અંદર ઊતરી ગયો હતો. શરૂઆતના દોઢેક કલાકની પીછેહઠ બાદ ૧૧ વાગ્યે ચોઘડિયું બદલાયું હતું. માર્કેટ ક્રમશઃ વધતું રહી ઉપરમાં ૭૮૬૧૭ થયું હતું. અર્થાત્ નીચલા મથાળેથી ૧૯૫૧ પોઇન્ટની તેજી થઈ બન્ને બજારનાં લગભગ તમામ સેક્ટોરલ વધ્યાં છે, પણ રોકડું અને બ્રોડર માર્કેટ પ્રમાણમાં ઓછુ વધ્યું છે. સેન્સેક્સ નિફટીની બે ટકા જેવી મજબૂતી સામે સ્મોલકેપ મિડકેપ અડધો ટકો તો બ્રોડર માર્કેટ સવા ટકો પ્લસ હતું. ટેલિકોમ બેન્ચમાર્ક ૨.૨ ટકા, બેન્કેક્સ અઢી ટકા કે ૧૫૫૭ પોઇન્ટ, ફાઇનેન્સ ઇન્ડેક્સ બે ટકા, બેન્ક નિફટી ૨.૨ ટકા કે ૧૧૭૨ પોઇન્ટ મજબૂત થયો છે. પાવર, ઓઇલ-ગેસ, એનર્જી, યુટિલિટીઝ, ઓટો જેવા ઇન્ડેક્સ એકથી સવા ટકો અપ હતા. આઇટી ઇન્ડેક્સ સાધારણ સુધર્યો હતો. કેપિટલ ગુડ્સ બેન્ચમાર્ક પોણો ટકો વધ્યો છે. રોકડું અન્ડ પર્ફોર્મર હોવા છતાં માર્કેટ બ્રેડ્થ સ્ટ્રોન્ગ રહી છે. NSEમાં વધેલા ૧૮૪૭ શૅર સામે ૧૦૪૭ જાતો ઘટી છે. બજારનું માર્કેટકેપ ૪.૬૦ લાખ કરોડના ઉમેરામાં હવે ૪૧૯.૬૦ લાખ કરોડ થઈ ગયું છે. બજાર શુક્રવારે રજામાં છે.
એશિયા ખાતે તાઇવાન પોણા ટકા નજીક નરમ હતું. અન્ય બજારો સુધર્યાં છે. સિંગાપોર તથા હોન્ગકોન્ગ દોઢ ટકાથી વધુ, જપાન સવા ટકાથી વધુ, સાઉથ કોરિયા એકાદ ટકો, થાઇલેન્ડ અડધો ટકો તથા ચાઇના નહીંવત્ પ્લસ હતું. યુરોપ રનિંગમાં અડધો-પોણો ટકો ઢીલું દેખાયું છે. પાકિસ્તાની શેરબજાર ઉપરમાં ૧૧૭૨૧૬ બનાવી રનિંગમાં ૭૫૨ પોઇન્ટ વધી ૧૧૬૭૭૨ ચાલતું હતું. બિટકોઇન ૮૪૩૭૮ ડોલરે ટકેલો જણાયો છે. બ્રેન્ટ ક્રૂડ હળવા સુધારે ૬૬ ડોલર તથા નાયમેક્સ ક્રૂડ ૬૩ ડોલર વટાવી ગયું છે. HDFC બેન્ક તથા ICICI બેન્કનાં પરિણામ ૧૯મીએ છે. બન્ને ગઈ કાલે નવું ટોપ બનાવી બજારને ૪૯૩ પોઇન્ટ લાભદાયી નીવડી છે. HDFC બેન્ક ૧૯૧૯ની ઓલટાઇમ હાઈ બાદ દોઢ ટકા વધીને ૧૯૦૬ તથા ICICI બેન્ક ૧૪૦૮ના બેસ્ટ લેવલે જઈ ૩.૭ ટકા વધી ૧૪૦૬ બંધ થઈ છે. એનું માર્કેટકેપ ૧૦.૦૨ લાખ કરોડ નજીક ગયું છે. આ સાથે ઇન્ડસઇન્ડ પોણો ટકો, સ્ટેટ બેન્ક ૩.૨ ટકા, કોટક બેન્ક ત્રણ ટકા તથા એક્સિસ બેન્ક અઢી ટકા વધી હતી. ૬ બેન્કોએ બજારને કુલ ૭૩૪ પોઇન્ટ આપ્યા છે. ઝોમાટો અર્થાત્ એટર્નલ ૪.૪ ટકાની તેજીમાં 23૨ બંધ આપી સેન્સેક્સ નિફટી ખાતે ઝળકી હતી. સ્વિગી દોઢ ટકો સુધરી ૩૪૧ થઈ છે. જિયો ફાઇનેન્શ્યલ પરિણામ પૂર્વે સરેરાશ કરતાં 90 ટકાના વોલ્યુમે પોણાબે ટકા વધી ૨૪૬ હતી. એની પેરન્ટ્સ રિલાયન્સ ૨.૯ ટકાના જમ્પમાં ૧૨૭૪ બંધ રહી બજારને ૨૦૯ પોઇન્ટ ફળી છે.
ભારતી એરટેલ ૧૮૯૮ની સર્વોચ્ચ સપાટી બતાવી ૩.૬ ટકાની આગેકૂચમાં ૧૮૮૯ થઈ છે. મોર્ગન સ્ટેનલી દ્વારા અદાણી પોર્ટ્સમાં ૧૪૧૫ની ટાર્ગેટ પ્રાઇસ વધારી ૧૪૧૮ કરવામાં આવી છે. (આ કયા પ્રકારનું રિસર્ચ છે, યાર?) શેર ૨.૩ ટકા વધી ૧૨૬૧ થયા છે. અન્યમાં સનફાર્મા સાડાત્રણ ટકા, બજાજ ફિનસર્વ ૩.૨ ટકા, SBI લાઇફ ૨.૭ ટકા, શ્રીરામ ફાઇ સવાબે ટકા, ગ્રાસિમ ૨.૧ ટકા, ટ્રેન્ટ ૧.૯ ટકા, ટાઇટન ૧.૬ ટકા, સિપ્લા ૧.૩ ટકા, મહિન્દ્ર ૧.૭ ટકા, અલ્ટ્રાટેક દોઢ ટકા, નેસ્લે સવા ટકો પ્લસ હતી. આઇશર ૫૭૧૫ની નવી ટોપ હાંસલ કરી એક ટકા વધી ૫૬૭૮ રહી છે. વિપ્રોનાં પરિણામ ધારણા કરતાં ઘણાં સારાં આવ્યાં છે, પરંતુ ગાઇડન્સિસ નબળાં આવતાં શેર સવાચાર ટકા ગગડી ૨૩૭ બંધ થયો છે. ટીસીએસ પોણો ટકો સુધર્યો હતો. HCL ટેક્રો સાધારણ વધ્યો છે. ઇન્ફોસિસ પરિણામ પૂર્વે સરેરાશ કરતાં દોઢા કામકાજે નીચામાં ૧૩૭૮ અને ઉપરમાં ૧૪૨૯ થઈ અડધા ટકાના સુધારે ૧૪૨૦ બંધ આવ્યો છે. નિફટી ખાતે વિપ્રો ૪.૩ ટકા ગગડી ટોપ લૂઝર હતો. સેન્સેક્સમાં ટેક મહિન્દ્ર સામાન્ય તો મારુતિ નામ કે વાસ્તે નરમ હતો.
આઇટી જાયન્ટ ઇન્ફોસિસ પરિણામ પૂર્વે સારા વોલ્યુમ સાથે અડધો ટકો સુધરીને ૧૪૨૦ બંધ થયો હતો. કંપનીનાં પરિણામ બજાર બંધ થયા પછી આવ્યાં હતાં, જે બજારની એકંદર ધારણા કરતાં ઢીલાં છે. કંપનીએ આઠ ટકાના વધારામાં ૪૦૯૨૫ કરોડની આવક માર્ચ ક્વોર્ટરમાં મેળવી છે. વિશ્લેષકોની એકંદર ધારણા ૪૨૦૭૩ કરોડની આવકની હતી. સામે નેટ પ્રોફિટ બારેક ટકા ઘટીને ૭૦33 કરોડ નોંધાયો છે. નેટ પ્રોફિટની અપેક્ષા ૭૨૭૮ કરોડની હતી. કંપનીએ ૨૦૨૫-૨૬ના વર્ષ માટે રેવન્યુ ગાઇડન્સિસ 0થી 3 ટકાનું આપ્યું છે. મતલબ કે આવક વળદ્ધિનો દર શૂન્યથી માંડીને ત્રણ ટકાની રેન્જમાં અપેક્ષિત છે જે બજારની એકંદર રથી ૪ ટકાની ધારણા કરતાં ઘણો કમજોર છે. કંપનીના કુલ કર્મચારીની સંખ્યા માત્ર ૧૯૯ વધી છે. કંપનીએ શેરદીઠ રર રૂપિયાનું આખરી ડિવિડન્ડ જાહેર કર્યું છે એની રેકોર્ડ ડેટ 30 મે નક્કી થઈ છે. આ પરિણામ તથા ગાઇડન્સિસ જોતાં શેર વધવાને બદલે ઘટવાના ચાન્સ વધુ લાગે છે. આ લખાય છે ત્યારે પ્રી-માર્કેટમાં ઇન્ફીના ADRનો ભાવ સાડાત્રણ ટકા ગગડી ૧૬ ડોલર આસપાસ દેખાતો હતો. મોડી રાતે ADRમાં કેવી વધ-ઘટ રહે છે એના આધારે શેરની સોમવારની ચાલ નક્કી થશે.