રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. નાની ઉંમરે હાર્ટ અટેકના કિસ્સા કોરોના બાદ સતત વધ્યા છે.
રાજ્યમાં દરરોજ સરેરાશ એકથી ત્રણ વ્યક્તિઓ હાર્ટ અટેકનો ભોગ બની રહ્યા છે. ગરબા રમતી વખતે, લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે. ત્યારે રાજ્યમાં હાર્ટ એટેકના વધતા કેસ મુદ્દે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, જેઓને કોવિડની ગંભીર અસર થઇ હતી તેમણે સખત મહેનતથી દૂર રહેવું જોઇએ.
ભાવનગરમાં એક કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, ICMR હમણા એક ડિટેલ્સ સ્ટડી કર્યો છે, એ ડિટેલ્સ સ્ટડી એવું કહી રહ્યો છે કે જેમને CVR કોવિડ થયો હોય અને વધારે સમય ન થયો હોય, આવી સ્થિતિની અંદર આવા લોકોએ વધારે પરિશ્રમ ન કરવો જોઈએ. તેઓએ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ.
તેમણે કહ્યું કે, આવા લોકોએ સખત મહેનત અને કસરતથી પણ એક ચોક્કસ સમય સુધી એટલે કે 1 કે 2 વર્ષ માટે દૂર રહેવું જોઈએ. જેથી હાર્ટ એટેકની ઘટનાની બચી શકાય.