પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના ભીખાપુરા પાસે અકસ્માત સર્જાયો છે. એસઆરપી જવાનોને લઈ જતી મિનિમસ પલટી ગઈ છે. આ ઘટનામાં 30થી વધુ SRP જવાનો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત જવાનોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જ્યારે ચાર જેટલા જવાનોને ગંભીર ઈજા થતાં વડોદરા સારવાર માટે લઈ જવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગત અનુસાર પાવાગઢ નજીકના ડુંગરાળ વિસ્તારમાંથી ફાયરિંગની તાલીમ માટે આવેલા દાહોદ જિલ્લાના પાવડી એસઆરપી ગ્રુપના 150 જવાનો આજે તાલીમ પૂર્ણ કરી પરત ફરી રહ્યાં હતા. આ સમયે બટના ડુંગરાળ અને કાચા માર્ગ પાસેથી પસાર થતાં જવાનોની બસની બ્રેક ફેલ થઈ ગઈ હતી. આ દરમિયાન જવાનો ભરેલી બસ બેકાબૂ બની કોતરમાં ઉતરી ગઈ અને પલટી મારી ગઈ હતી. આ દુર્ઘટનામાં 30થી વધુ જવાનોને ઈજા પહોંચી હતી અને તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જવાનોને સારવાર માટે 108ની મદદથી હાલોલ લઈ જવામાં આવ્યા હતા.
જ્યાં જવાનોને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ વધુ ઈજાગ્રસ્ત આઠ જવાનોને વડોદરા લઈ જવામાં આવ્યા છે, જ્યાં સારવાર આપવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી.