ગાંધીનગરનાં રાંદેસણમાં લેન્ડમાર્ક લિવિંગ નામની રહેણાંક સ્કીમના ભાગીદાર બિલ્ડરો વચ્ચે ડખો પડતાં સમગ્ર મામલો પોલીસ મથકના ચોપડે નોંધાયો છે. એક ભાગીદારે પોતાના મળતિયાઓને મોકલી બીજા ભાગીદારની માલિકીના બે ફ્લેટનાં તાળા તોડાવી ગેરકાયદેસર કબ્જો જમાવી દેતા ઈન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે
અમદાવાદના બોડકદેવ ખાતે રહેતા બાબુભાઈ જીવરાજભાઈ સાગાણીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ લેન્ડમાર્ક લિવિગ પ્રા.લિ કંપનીમાં 40 ટકાના ભાગીદાર છે. આ કંપનીમાં હિરેનભાઈ સુરેશભાઈ પટેલ પણ 40 ટકા તથા તેમના ભાઈ કાર્તીકભાઈ સુરેશભાઈ પટેલ 20 ટકાના ભાગીદાર છે. કંપનીના નફા અને મુડીમાથી બાબુભાઈએ કંપનીના નામથી અલગ-અલગ ચેકો મારફતે નાણા ચુકવેલ છે. જે આધારે વર્ષ – 2018 /19 દરમિયાન ઉપરોક્ત સ્કીમમાં 8 ફ્લેટ અને 9 દુકાનો તેમના ભાગે આવી હતી.
આ મૈખિક કરારથી ફાળવેલ ફ્લેટ અને દુકાનોમાં બાબુભાઈએ તાળા મારેલા હતા. જે પૈકીના ફ્લેટનાં (નંબર – બી/203,204) ગઈકાલે સાંજના બે અજાણ્યા ઈસમોએ તાળા તોડી નાખ્યા હતા. અને બી – 303 નંબરના ફ્લેટ નું તાળું તોડવાનો પ્રયાસ કર્યો હતો. જે અંગેની જાણ થતાં બાબુભાઈ દોડી ગયા હતા. અને બંને અજાણ્યા ઈસમોની પૂછતાંછ કરતાં ભાગીદાર હિરેન પટેલનાં કહેવાથી ઉક્ત ફ્લેટના ઈન્ટરલોક અને તાળા બદલવા આવ્યા હોવાનું જણાવ્યું હતું. આથી બાબુભાઈ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને પોલીસને બોલાવી લીધી હતી. આ અંગે ઈન્ફોસિટી પોલીસે હિરેન પટેલ અને તેના મળતિયા કેતન રાવળ તથા પ્રોકરમલ ચૌધરી વિરુદ્ધ આઇપીસી કલમ 448,114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.