ગાંધીનગરને સ્માર્ટ સીટી બનાવવાની હરણફાળમાં ઘરે ઘરે ચોવીસ કલાક મીટરથી પાણી પહોંચતું કરવા તેમજ દાયકાઓ જુની ગટરની નવી પાઈપ લાઈનનું નેટવર્ક બિછાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. જો કે ગઈકાલે વરસેલા કમોસમી વરસાદે કોબા ગામ ખાતે ભૂગર્ભ પાઈપ લાઇનની સ્માર્ટ કામગીરીની પોલ ખુલી ગઈ છે. અહીં આડેધડ ખોદકામ કર્યા પછી યોગ્ય રીતે માટીનું પુરાણ નહીં કરવામાં આવતાં વરસેલા કમોસમી વરસાદમાં જિલ્લા મંત્રી સહિતના અનેક લોકોના વાહનો ઠેર ઠેર પડેલા ભૂવામાં ઉતરી જવાની સાથે કાદવ કીચડનું સામ્રાજ્ય ઉભું થતાં સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.
ગાંધીનગરમાં ભૂગર્ભ પાણી – ગટરની પાઈપ લાઈનોનું નેટવર્ક બિછાવવાની મંથર ગતિએ ચાલી રહેલી કામગીરીથી નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. છેલ્લા ઘણાં વખતથી સ્માર્ટ કામગીરી કરવામાં આવી રહી હોવા છતાં હજી સુધી કામ પૂર્ણ થઈ શક્યું નથી. આ કામગીરીના કારણે ગત ચોમાસામાં ઠેર ઠેર ભૂવા પડવાની સાથે કાદવ કીચડનું સામ્રાજ્ય ઉભું થઈ ગયું હતું. એ વખતે પણ નગરની સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા કલેક્ટર થી માંડી મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરવામાં આવી હતી.
તેમ છતાં આડેધડ ખાડા ખોદ્યા પછી યોગ્ય રીતે માટીનું પુરાણ નહીં કરવામાં આવતાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત રહ્યો હતો. આખરે નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠતા તાજેતરમાં જ ઉત્તર બેઠકનાં ધારાસભ્ય રીટાબેન પટેલે અધિકારીઓ સાથે મેરેથોન બેઠક યોજીને પાણી – ગટરના અધૂરા કામ સત્વરે પૂર્ણ કરી યોગ્ય રીતે માટીનું પુરાણ કરી દુરસ્ત રસ્તા ઠીક કરવાની સૂચનાઓ પણ આપવામાં આવી હતી.તેમ છતાં ચારેક દિવસ પહેલા સેકટર – 28 ની નવ રચના સોસાયટીમાં રોડ બનાવવાની કામગીરી દરમ્યાન જેસીબીનાં ફટકા વાગતાં ભૂગર્ભ પાઈપ લાઈનો બહાર આવી ગઈ હતી. જે મામલે વિપક્ષ નેતા અંકિત બારોટે પણ કોર્પોરેશન તંત્રની કામગીરી સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા હતા. ત્યારે ગઈકાલે અચાનક વરસેલા કમોસમી વરસાદે કોબા ગામની હાલત બદથી બદતર કરી નાખી છે.
અત્રેના રોહિત વાસમાં બિછાવવામાં આવેલ ભૂગર્ભ પાઈપ પાઈપ લાઈનની કામગીરી દરમ્યાન માટીનું યોગ્ય રીતે પુરાણ નહીં થતાં કમોસમી વરસાદમાં ઠેર ઠેર ભૂવા પડ્યા હતા. અને આખા વાસમાં કાદવ કીચડનું સામ્રાજ્ય ઉભું થઈ ગયું છે. ઠેર ઠેર પડેલા ભૂવાના કારણે ખુદ ભાજપ જિલ્લા મંત્રીને પણ કામગીરીનો કડવો અનુભવ થયો છે.
કમોસમી વરસાદથી ભાજપ જિલ્લા મંત્રી સહિત ગામના અનેક લોકોના વાહનો ભૂવામાં ગરકાવ થઈ ગયા હતા. જેનાં કારણે ટ્રેકટર મારફતે વાહનો ભૂવામાંથી બહાર કાઢવાની નોબત આવી છે. ગઈકાલે રાત્રે ઘણા વાહન ચાલકે પોતાના વાહનો ભૂવામાંથી બહાર કાઢવાના પ્રયાસો કરાયા હતા. અને આજે સવાર પડતાં જ એજ સિલસિલો ચાલુ થઈ ગયો હતો. આ અંગે સ્થાનિકોએ કહ્યું હતું કે રોહિત વાસમાં અણઘડ રીતે ભૂગર્ભ પાઈપ લાઈનની કામગીરી કરાઈ હોવાથી ઠેર ઠેર ભૂવા પડવાની સાથે કાદવ કીચડ અને ગંદકીનાં સામ્રાજ્યની સાથે મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળે એવી સ્થિતિનું નિર્માણ થયું છે.
આ અંગે ભાજપ જિલ્લા મંત્રી કિરણ સોલંકીએ કહ્યું હતું કે, ગટરની પાઈપ લાઈનની કામગીરી દરમ્યાન ગઈકાલે અચાનક પડેલા કમોસમી વરસાદના કારણે મારા સહિત પાંચેક લોકોની ગાડીઓ ફસાઈ ગઈ હતી. આ મામલે યોગ્ય રીતે કામગીરી બાબતે તંત્રનું ધ્યાન દોરીશ.