આણંદના પરિવારનાં સભ્યોની અમેરિકામાં હત્યા થતાં ખળભળાટ
દોહિત્રએ નાના-નાની અને મામાને ગોળી મારી હત્યા કરી
ન્યૂયૉર્ક પોલીસે 23 વર્ષીય ઓમ બ્રહ્મભટ્ટની ધરપકડ કરી
(જી.એન.એસ)આણંદ,તા.૨૯
ફરી એકવાર અમેરિકામાં ગુજરાતી પરિવારના ત્રણ લોકોની હત્યા થયાના સમાચાર સામે આવ્યા છે. અમેરીકામાં આણંદના એક જ પરિવારના ત્રણની હત્યા કરવામાં આવી છે. જેમાં દોહિત્રએ ખૂની ખેલ ખેલી નાના-નાની અને મામને ગોળી મારી હત્યા કરી છે. દોહિત્ર ઓમ બ્રહ્મભટ્ટે નિવૃત PI દિલીપ બ્રહ્મભટ્ટ તેમના પત્ની બિન્દુ બ્રહ્મભટ્ટ અને પુત્ર યશ બ્રહ્મભટ્ટની હત્યા કરવામાં આવી છે. આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, આણંદમાં બાકરોલ રોડ પર આ પરિવાર રહેતું હતું. દોઢ માસ પૂર્વે જ દંપતી પુત્ર પાસે અમેરિકા ગયા હતા. જ્યાં દોહિત્ર ઓમ બહ્મભટ્ટે માતા પિતા અને પુત્ર સહિત ત્રણની હત્યા કરી નાંખી છે. આણંદના પરિવારની અમેરિકામાં હત્યા થતાં વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામી છે. આ ઘટનામાં ગુજરાત પોલીસના નિવૃત પીઆઈ ભોગ બન્યા છે, સાથે તેમના પત્ની અને પુત્રની હત્યા થઈ છે. અમેરિકાના સાઉથ પ્લેનફિલ્ડ, ન્યુ જર્સીના મિડલસેક્સ કાઉન્ટીમાં આ ઘટના બની છે. ઘરમાં સોમવારે એમના દોહિત્રએ હત્યાનો ખૂની ખેલ ખેલ્યો હતો. જાણવા મળી રહ્યું છે કે, ઘણા સમયથી પરિવારમાં ઝઘડા ચાલતા હતા. આ ઝગડો કઈ બાબતને લઈ ચાલી રહ્યો હતો, તે જાણી શકાયું નથી. પણ ઘણા સમયથી ચાલી રહેલા આ પારિવારિક ઝગડાનો કરૂણ અંત આવ્યો છે. સોમવારે સવારે દોહિત્ર ઓમ બ્રહ્મભટ્ટ દ્વારા પરિવારના ત્રણ સભ્યોની હત્યા કરી છે. હાલ તો ન્યૂયૉર્ક પોલીસે 23 વર્ષીય ઓમ બ્રહ્મભટ્ટની ધરપકડ કરી છે. બ્રહ્મભટ્ટ પરિવારના દિલીપ બ્રહ્મભટ્ટ બિલિમોરામાં પોલીસ સબ ઈન્સ્પેકટર તરીકેની ફરજ બજાવી ચૂક્યા છે અને અત્યારે પરિવાર સાથે અમેરિકાના સાઉથ પ્લેનફિલ્ડ, ન્યૂજર્સીના મિડલસેક્સ કાઉન્ટીમાં પોતાના ઘરે રહેતા હતા. આમ દોહિત્રએ જ પરિવારના ત્રણ સભ્યોની હત્યા કરતાં સ્વજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.