હાર્ટ એટેકથી મોતના વધતા કેસ વચ્ચે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. હાર્ટ એટેકના કિસ્સામાં પ્રાથમિક ઉપચાર મળી રહે તે માટે રાજ્ય સરકારના કર્મચારીઓને CPR ટ્રેનિંગ આપવામાં આવે છે. જેમાં આગળ હવે રાજ્યના 2 લાખથી વધુ શિક્ષકોને પણ CPR તાલીમ આપવામાં આવશે. જે અંતર્ગત અમદાવાદ BJ મેડિકલ કોલેજ સહિત અન્ય સ્થળોએ તાલીમ કેમ્પ યોજાયો હતો.
કોરોનાકાળ બાદ સમગ્ર દેશમાં હાર્ટ એટેકના કેસોમાં ચિંતાજનક હદે વધારો જોવા મળી રહ્યો છે. જેમાં નાની ઉંમરના લોકોમાં પણ હાર્ટ એટેકના કેસો જોવા મળતા આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે. ત્યારે આવી પરિસ્થિતિને પહોંચી વળવાની દિશામાં રાજ્ય સરકારે પગલાં લીધા છે. જે અંતર્ગત હવે રાજ્યના 2 લાખથી વધુ શિક્ષકોને CPR તાલીમ આપવામાં આવી છે.
કલ્યાણકારી નિર્ણય :ગુજરાતમાં હાર્ટ એટેકથી મોતના બનાવો સતત સામે આવી રહ્યા છે. લોકો હસતા-રમતા આનો શિકાર બની રહ્યા છે. હાર્ટ એટેકના લક્ષણો પહેલા ચોક્કસ વયના લોકોમાં જોવા મળતા હતા, પરંતુ ધીરે ધીરે આ સમસ્યા સામાન્ય બની રહી છે. નાની ઉંમરના લોકો એટલે કે યુવાનો પણ તેનો શિકાર બની રહ્યા છે. ત્યારે આરોગ્ય વિભાગે હાર્ટ એટેકના રોગથી બચવા રાજ્યમાં CPR ટ્રેનિંગ આપવાનું નક્કી કર્યું છે.
CPR તાલીમ કેમ્પ : રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગ દ્વારા સંયુક્ત મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત સમગ્ર રાજ્યમાં 37 મેડિકલ કોલેજ અને અન્ય 14 સ્થળોએ 2500 થી વધુ આરોગ્ય કર્મી દ્વારા રાજ્યના 2 લાખથી વધુ શિક્ષકોને CPR (કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન) તાલીમ આપવામાં આવશે. જેના ભાગરૂપે અમદાવાદ BJ મેડિકલ કોલેજમાં CPR તાલીમ કેમ્પ યોજાયો હતો. જેમાં રાજ્યના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલ સહભાગી બનીને શિક્ષકોનો ઉત્સાહ વધાર્યો હતો.
આરોગ્ય પ્રધાનની પ્રેરક ઉપસ્થિતિ : અમદાવાદ BJ મેડિકલ કોલેજ સહિત અન્ય સ્થળોએ હાર્ટ એટેકના કિસ્સામાં પ્રાથમિક ઉપચાર તરીકે રાજ્યના શિક્ષકોને CPR ટ્રેનિંગ આપવાની શરૂઆત કરવામાં આવી હતી. સમગ્ર રાજ્યમાં શિક્ષકોને CPR ની તાલીમ આપવા માટેના કાર્યક્રમની જાહેરાત બાદ રાજ્યના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, ગુજરાતમાં નાની ઉંમરના લોકોમાં હાર્ટ એટેકના કેસો વધી રહ્યા છે અને યુવાનોના મૃત્યુ થઈ રહ્યા છે. છેલ્લા છ મહિનામાં 1,052 લોકોના હાર્ટ એટેકથી મૃત્યુ થયા છે, જેમાં 80 % મૃતકોની ઉંમર 11 થી 25 વર્ષ છે.
સરકારી કર્મચારીઓ બનશે જીવનદાતા : હાર્ટ એટેકના કારણે થતા મોતને રોકવા આજે આરોગ્ય વિભાગે ડોક્ટરો તથા શિક્ષકોને પ્રાથમિક ઉપચાર અંગે તાલીમ આપવાનું નક્કી કર્યું છે. જેને લીધે હાર્ટ એટેકથી થતા અપમૃત્યુના કેસોમાં ઘટાડો થશે. આ અગાઉ બીજેપી કાર્યકર્તાઓને સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ જવાનોને અને હવે ડોક્ટર તથા અધ્યાપકોને આ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. જેનાથી કાર્ડિયાક એટેકના કેસમાં તાત્કાલિક સારવાર આપી શકાય.
ચૂંટણી પરિણામ પર પ્રતિક્રિયા : આ તકે ઋષિકેશ પટેલે ચાર રાજ્યની વિધાનસભા ચૂંટણીના પરિણામ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, આ અંગે પણ જણાવ્યું હતું કે, અમારા માટે અપેક્ષિત જ હતું કે, ભાજપની સરકાર ત્રણેય રાજ્યોમાં બનશે. આજે મત ગણતરી બાદ ત્રણ રાજ્યોમાં બીજેપીને જંગી બહુમતી મળશે. વડાપ્રધાન મોદીના આવ્યા પછી સરકાર ફક્ત ચાલશે નહીં, ચાલી રહી છે. રાજ્યના દરેક લોકોને ઘર સુધી દરેક યોજનાનો લાભ મળી રહ્યો છે.