મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ દેશના પ્રધાનમંત્રી અને ગુજરાતના પનોતાપુત્ર નરેન્દ્રભાઇ મોદીના ૭૦મા જન્મદિવસને રાજ્યમાં વિવિધ પાંચ જેટલા વિકાસકામોની પંચામૃત ધારા તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે. વડાપ્રધાનશ્રીના જન્મદિવસ ૧૭મી સપ્ટેમ્બરે રાજ્યમાં કૃષિ-ખેડૂત કલ્યાણ, મહિલા ઉત્કર્ષ, આદિજાતિ વિસ્તારમાં પાણી પૂરવઠાના કામોના લોકાર્પણ-કાર્યારંભ તેમજ કલાયમેટચેન્જ વિભાગના વિવિધ ૧૦ જેટલા MoU અને પાટનગર ગાંધીનગરમાં 24×7 પીવાના પાણીની યોજનાના ઇ-ખાતમૂર્હત ઇ લોન્ચીંગ કાર્યક્રમો યોજાવાના છે.
ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ આ કાર્યક્રમોમાં ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા સહભાગી થઇને ઇ-લોન્ચીંગ કરશે. રાજ્યના ૩૩ જિલ્લાઓના ૭૦ જેટલા સ્થળોએ રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, બોર્ડ-નિગમના અધ્યક્ષો, પદાધિકારીઓ, ધારાસભ્યો આ કાર્યક્રમોમાં સોશિયલ ડિસ્ટન્સીંગ અને કોરોના સંક્રમણ નિયંત્રણ પ્રોટોકોલના પાલન સાથે મર્યાદિત સંખ્યામાં લોકોની ઉપસ્થિતીમાં જોડાશે. ગુરૂવારે તા.૧૭ સપ્ટેમ્બરે સમગ્ર દિવસ દરમ્યાન યોજાનારા આ વિકાસ પંચામૃત કાર્યક્રમોમાં સૌ પ્રથમ કાર્યક્રમ ‘સાત પગલાં ખેડૂત કલ્યાણના’ યોજના અન્વયે પ્રાકૃતિક ખેતી માટેના વધુ બે પગલાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને ગાય માટે નિભાવ ખર્ચની રૂ. ૯૦૦ની સહાય તેમજ જિવામૃત બનાવવા માટે કિટ સહાયની યોજનાના ઇ-લોન્ચીંગ કરવામાં આવશે.
મુખ્યમંત્રી આ અવસરે પ્રતિકરૂપે ગાંધીનગરમાં લાભાર્થીઓને સહાય મંજૂરી પત્રો અર્પણ કરશે. સમગ્ર રાજ્યમાં આ બેય યોજનાઓ અંતર્ગત કુલ રૂ. ૮૦ કરોડની સહાય બે લાખ જેટલા ધરતીપુત્રોને આપવાનું આયોજન છે. પ્રધાનમંત્રીશ્રીના જન્મદિવસ તા.૧૭મી સપ્ટેમ્બરે માત્ર એક જ દિવસમાં ૪૯૦૦ લાભાર્થી ખેડૂતોને રૂ. ૧.૩ર કરોડની સહાય ચૂકવાશે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે ‘‘સાત પગલાં ખેડૂત કલ્યાણના’’ યોજના અન્વયે પ્રથમ બે પગલાં મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અને કિસાન પરિવહન સહાય યોજનાનું તાજેતરમાં તા. ૧૦મી સપ્ટેમ્બરે મુખ્યમંત્રીશ્રીએ ઇ-લોન્ચીંગ કર્યુ હતું. તા. ૧૭મી સપ્ટેમ્બરે પ્રધાનમંત્રીશ્રીના જન્મદિનની રાજ્યના ધરતીપુત્રોને ભેટ રૂપે હવે વધુ બે પગલાંઓનું લોન્ચીંગ થવાનું છે. વિકાસ પંચામૃત ધારા અન્વયે પ્રધાનમંત્રીશ્રીના જન્મદિવસની આદિજાતિ વિસ્તાર સાગબારા-ડેડીયાપાડાને પણ અનોખી ભેટ મળશે.
રાજ્યના પાણી પૂરવઠા વિભાગે રૂ. ૩૦૮ કરોડના ખર્ચે નર્મદા જિલ્લાના સાગબારા-ડેડીયાપાડા અને તાપીના સોનગઢ તાલુકાના ર૦પ ગામોની જૂથ પાણી પૂરવઠા યોજના પૂર્ણ કરી છે તેનો ઇ-લોકાર્પણ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી ગાંધીનગરથી નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ અને પાણી પૂરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળિયાની ઉપસ્થિતીમાં કરશે. એટલું જ નહિ, પાટનગર ગાંધીનગરમાં દેશભરના શહેરોમાં પહેલરૂપ એવી સમગ્ર શહેર માટે 24×7 પીવાના પાણીનો પૂરવઠો આપતી યોજનાનું ઇ-ખાતમૂર્હત પણ મુખ્યમંત્રીશ્રી-નાયબ મુખ્યમંત્રીશ્રી કરવાના છે. સમગ્ર ગાંધીનગર શહેરમાં 24×7 પીવાનું પાણી પુરૂં પાડનારી ૨૧૯ કરોડ ની આ યોજનામાં હાલની પ્રતિદિન ૬.પ કરોડ લીટરની ક્ષમતાને વધારીને ૧૬ કરોડ લીટર પ્રતિદિન પહોચાડવાની માળખાકીય સુવિધાઓ વિસ્તારવાના કામોનો આ ઇ-ખાતમૂર્હતમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી રાજ્યની ગ્રામીણ-શહેરી વિસ્તારની સામાન્ય-મધ્યમવર્ગીય અને ગરીબ પરિવારોની માતા-બહેનોને આત્મનિર્ભરતા માટે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના પણ પ્રધાનમંત્રીશ્રીના ૭૦મા જન્મદિવસે બહેનો-માતાઓને ભેટ આપશે. આ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં પ૦ હજાર અને શહેરોમાં પ૦ હજાર મળી કુલ ૧ લાખ મહિલા જૂથો દ્વારા ૧૦ લાખ જેટલી બહેનોને વગર વ્યાજે ધિરાણ-લોન મળવાનું છે. એક જૂથમાં ૧૦ બહેનો પ્રમાણે સમગ્ર રાજ્યમાં ૧૦ લાખ બહેનો આ લોન-ધિરાણ દ્વારા પોતાનો નાનો-મોટો વ્યવસાય, ગૃહ ઊદ્યોગ-ધંધો શરૂ કરી આત્મનિર્ભરતાના માર્ગે વળી શકશે. આ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનામાં ૧૦ લાખ બહેનોને કુલ રૂ. ૧૦૦૦ કરોડ સુધીનું લોન-ધિરાણ તબક્કાવાર આપવાનું આયોજન છે. મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનામાં જોડાવા અંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ખાનગી, સહકારી અને સરકારી બેન્કોને કરેલા આહવાનના ત્વરિત પ્રતિસાદ સાંપડયો છે. તદઅનુસાર, ગુરૂવાર તા.૧૭મી સપ્ટેમ્બરે ગુજરાત બરોડા ગ્રામીણ બેન્ક, ICICI અને ગુજરાતની અન્ય સહકારી બેન્કો રાજ્ય સરકાર સાથે મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતીમાં MoU પણ કરવાની છે.
મુખ્યમંત્રી આ MoU ઉપરાંત પ્રધાનમંત્રીશ્રીના ૭૦મા જન્મદિવસના ઉપલક્ષ્યમાં યોજાનારા કાર્યક્રમો અન્વયે કલાયમેટ ચેઇન્જ વિભાગના ૧૦ વર્ષ પૂર્ણ થવા અવસરે વિવિધ ૧૦ જેટલા MoU સાઇનીંગના વર્ચ્યુએલ સેરિમનીમાં ઉપસ્થિત રહેશે. આ સાથે તેઓ ‘‘બિલ્ડીંગ અ કલાયમેટ રિલેસીયન્સ ગુજરાત-અ ડિકેડ ઓફ કલાયમેટ એકશન એન્ડ રોડ-મેપ ફોર ધ ફયુચર કોમ્પોડીયમ’’નું પણ ઇ-લોન્ચીંગ કરવાના છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના માર્ગદર્શનમાં આ બધાજ કાર્યક્રમો પ્રધાનમંત્રીશ્રીના ૭૦મા જન્મદિવસની રાજ્યમાં ઉમંગ ઉજવણી અન્વયે યોજવા સંબંધિત વિભાગોએ તલસ્પર્શી સફળ આયોજન કર્યુ છે.