ગાંધીનગરના રાંદેસણમાં આવેલ શ્રી રંગ પ્લાઝા કોમ્પલેક્ષ આગળ ગાડી હટાવવા મુદ્દે ત્રણ ઈસમોએ જગન્નાથ ફુડ સર્વિસ કેન્ટીનમાં તોડફોડ કરી ડીલીવરી બોયને ઢોર માર મારીને કારમાં ફરાર થઈ જતાં ઈન્ફોસિટી પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ગાંધીનગરના રાદેસણ શ્રીરંગ પ્લાઝા કોમ્પલેક્ષમાં નોકરી કરતાં યુવરાજ રાજપૂતે નોંધાવેલી ફરિયાદ મુજબ આજરોજ તે અને ડ્રાઈવર રાજુ ઠાકોર કેન્ટીનમાંથી જમવાનુ ગાડીમાં લઈ ડિલિવરી આપવા માટે નીકળતા હતા. તે વખતે તેમની ગાડીની આગળ એક સફેદ કલરની સ્વિફ્ટ કાર ઊભી હતી. જેથી કારની બાજુમાં ઉભેલા ત્રણ ઈસમોને યુવરાજે કાર હટાવવા માટે કહ્યું હતું.
આથી કોમ્પલેક્ષ ખાતે આવેલા જીમમાં કસરત કરવા આવતા રાફેલ ડીસોઝાએ ઝગડો કરવાનું શરૂ કરી બિભત્સ ગાળો ભાંડી હતી. આથી ડીલીવરી બોય યુવરાજે ગાળો નહીં બોલવાનું કહેતા ત્રણેય જણાએ પિત્તો ગુમાવી દીધો હતો. અને યુવરાજને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. જે પૈકીના એક ઈસમે બેલ્ટ કાઢીને યુવરાજને મારવાનું શરૂ કરી દીધું હતું.
બાદમાં ત્રણેય ઈસમોએ ધોકા વડે કેન્ટીનની દુકાનના કાચ તોડી ખુરશીઓ સહિતનો સામાન તોડી નાખી આતંક મચાવી દીધો હતો. આ બનાવના પગલે કોમ્પલેક્ષમાં તંગદિલી છવાઈ ગઈ હતી. અને આસપાસના લોકો દોડી આવ્યા હતા. જેનાં પગલે ત્રણેય જણા જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ગાડીમાં નાસી ગયા હતા. આ અંગે ઈન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.