પલસાણા તાલુકાના ભૂતપોર ગામે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. 2 દિવસ પહેલા ગૌરાંગ ઉર્ફે લાલુ માંહ્યવંશી નામના યુવકની ખેતર માંથી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. નજીકના ખેતર માંથી યુવકનું બાઇક પણ મળી આવ્યું હતું. જેમાં માથાના ભાગે બોથડ પદાર્થના ઘા મારી બંને આંખો ફોડી નાખી કરપીણ હત્યા કરવામાં આવી હતી. ગામના જ યુવકે નજીવી બાબતે હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે યુવકની ધરપકડ કરી લીધી છે. આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, પલસાણા તાલુકાના ભૂતપોર ગામે બે દિવસ પહેલા ખેતરમાંથી યુવકનો કરપીણ રીતે હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. હત્યારાએ ક્રુરતાની હદ વતાવતો હોઈ એમ પથ્થર વડે યુવકનું માથું છૂંદી નાખ્યું હતું. સાથે સાથે બંને આંખો પણ ફોડી નાખી હતી. ખેતરના મલિક ખેતર જતા યુવકનો મૃતદેહ જોતા પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. તપાસમાં મૃતક ભૂતપોર ગામનો અને વીજ કંપનીમાં વોચમેન તરીકે ફરજ બજાવતો ગૌરાંગ ઉર્ફે લાલુ માંહ્યવંશી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે મૃતદેહનો કબજો લઇ મૃતદેહને પીએમ અર્થે ખસેડયો હતો અને હત્યારાને પકડવા માટે કવાયત શરૂ કરી હતી. ઘટનાના દિવસે હત્યારો ચાલતો ચાલતો જઈ રહ્યો હતો. દરમ્યાન મૃતક હત્યારા પાસેથી બાઇક લઈ હત્યારા પાસેથી કટ મારીને નીકળ્યો હતો. હત્યારાએ મૃતકની પાછળ પાછળ ગયો હતો. મૃતક જ્યારે રોડ નજીક ખેતરમાં એક ઓરડી પાસે આવેલા કુવા પાસે બેઠો હતો, તે દરમ્યાન હત્યારો ત્યાં પહોંચી ગયો હતો અને મૃતકને તું ગામનો મોટો ડોન થઈ ગયો છે કહી મોટો પથ્થર માથામાં મારી દીધો હતો. ત્યારબાદ પથ્થરના અનેક ઘા મારી મૃતકની બંને આંખો પણ ફોડી નાખી હતી અને મૃતકના મૃતદેહને ખેતરમાં સંતાડી મૃતકનું બાઇક પણ નજીકના ખેતરમાં સંતાડી મૃતકનો મોબાઈલ લઇ ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. હત્યારો સની પટેલ અને મૃતક ગૌરાંગ માંહ્યવંશી બંને એક જ ગામના રહેવાસી હતા. થોડા દિવસ અગાઉ સની પટેલ અને તેની માતાની મૃતક ગૌરાંગ માંહ્યવંશી સાથે કોઈક બાબતને લઇ સામાન્ય બોલાચાલી થઈ હતી અને જેની અદાવત રાખી સની પટેલે લાગ મળતા જ ગૌરાંગ માંહ્યવંશીનું ઢીમ ઢાળી દીધું. જોકે પોલીસ દ્વારા સઘન તપાસ કરતા સની પટેલ પોલીસના હાથે આવી ગયો અને પોલીસની પૂછપરછમાં હત્યા કરી હોવાની કબૂલાત પણ કરી લીધી. પોલીસે હત્યારા સની પટેલની ધરપકડ કરી સની પાસેથી મૃતકનો મોબાઈલ કબ્જે લીધો છે અને હત્યા માટે વાપરવામાં આવેલો પથ્થર પણ પોલીસે કબ્જે લીધો છે.