ગુજરાતમાં વિદેશ જનારા લોકોને ખોટા ડોક્યુમેન્ટ બનાવીને વિઝા આપવાની લાલચ આપતું આખું રેકેટ CID ક્રાઈમની નજરે ચડ્યું હતું. ઘણા સમયથી આ વિઝા કૌભાંડની તપાસ ગુપ્ત રાહે ચાલી રહી હતી ત્યારે CID ક્રાઈમની 17 ટીમે એક સાથે અમદાવાદ, વડોદરા અને ગાંધીનગરના વિઝા કન્સલ્ટન્ટના ત્યાં દરોડા પાડ્યા હતા. હાલ સમગ્ર જગ્યાએથી કેટલાક મહત્વના ડોક્યુમેન્ટ મળ્યા છે તેમજ તેમની ઓફિસમાંથી ફેક ડોક્યુમેન્ટ સાથે દારુ-બિયરની બોટલો પણ મળી આવી છે.
આ અંગે વધુ માહિતી આપતા CID ક્રાઈમના એડિશનલ ડીજીપી રાજકુમાર પાંડિયને જણાવ્યું હતું કે, છેલ્લા 2 મહિનામાં CID ક્રાઇમને વિઝા માટેના બોગસ ડોક્યુમેન્ટ કૌભાંડ અંગેની 3 જેટલી અરજીઓ પ્રાપ્ત થઈ હતી. આ અરજીઓના આધારે CID ટીમ દ્વારા અમદાવાદ, વડોદરા અને ગાંધીનગરમાં 30 દિવસ સુધી સર્વેલન્સ કરવામાં આવ્યું હતું. આ ઓફિસોમાં બોગસ કસ્ટમર તરીકે CIDના કર્મચારીઓને મોકલવામાં આવ્યા હતા અને આ દરમિયાન જ CIDને કંઈક રંધાઈ રહ્યું છે એવી શંકા જતા ગઈકાલે 17 જેટલી ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, 17 ટીમો દ્વારા અમદાવાદ, વડોદરા અને ગાંધીનગરમાં દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં કુલ 25 જેટલી ઈમિગ્રેશન સંસ્થાઓને ટાર્ગેટમાં રાખવામાં આવી હતી. આ 25 સંસ્થાઓમાંથી 17 જેટલી સંસ્થાઓમાં રેડ પાડવામાં આવી છે. આ રેડમાં બોગસ માર્કશીટ અને ડોક્યુમેન્ટ પ્રાપ્ત થયા છે જ્યારે 182 જેટલા પાસપોર્ટની કોપી પણ પ્રાપ્ત થઈ છે. આ સિવાય અમદાવાદની સીજી રોડ પર આવેલ હાઇટેક એજ્યુકેશન વિઝા કન્સલ્ટન્સી ઓફિસમાંથી 7 દારૂની બોટલ અને 35 બિયરની બોટલો પણ પ્રાપ્ત થઈ છે. હાલમાં તમામ એજન્ટોની અટકાયત કરીને પૂછ પરછ ચાલુ કરી છે ત્યારે આવનારા દિવસમાં વધુ વિગતો પણ બોગસ ઇમિગ્રેશન બાબતે સામે આવશે.
ઉત્તર ગુજરાતના ઘણા લોકો ગેરકાયદેસર રીતે વિદેશ જવા માટે એજન્ટોનો સંપર્ક કરે છે અને ત્યારબાદ તેમના કહેવા પ્રમાણે ગેરકાયદેસર રીતે વિદેશ જવા માટે તૈયાર થઈ જાય છે. જેમાં નિર્દોષ લોકોનો બોર્ડર ક્રોસ કરતા જીવ પણ જતો રહે છે. આવો ખતરો હોવા છતાં સમગ્ર રાજ્યમાં બિલાડીની ટોપની જેમ ગેરકાયદેસર વિઝા કન્સલ્ટન્ટ ઊભા થઈ ગયા છે. જેઓ પોતે થોડા રૂપિયા કમાવવા માટે માસુમ લોકોની જિંદગી સાથે રમતા પણ અટકાતા નથી. હાલ CIDની તપાસ દરમિયાન બોગસ દસ્તાવેજોના આધારે વિદેશ મોકલવાનું મસમોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.
- શ્રી ઓવરસીસ પાસપોર્ટ, સોલા
• ફર્સ્ટ સ્ટેપ ઓવરસીસ, મણિનગર
• લક્ષ્મી ઓવરસીસ, નવરંગપુરા
• OSI, વિજય ચાર રસ્તા
• સ્ટેપ ઇમિગ્રેશન, નારણપુરા
• નેપચ્યુન એજ્યુકેશન કન્સલ્ટન્ટ
• 304 વૃંદાવન ટ્રેડ સેન્ટર, ગાંધીનગર
• ગેટ ઓન વિઝા કન્સલ્ટન્ટ, ગાંધીનગર
• પ્રોટોન કન્સલ્ટન્સી, ગાંધીનગર
• M. D. ઓવરસીસ, ગાંધીનગર