રાજકોટ જિલ્લાના ઉપલેટાના શાકમાર્કેટ રોડ પર આજે ખેડૂતો જાહેર માર્ગ પર ડુંગળીનું ટ્રેકટર ભરીને લોકોને મફતમાં આપવા નીકળ્યા હતા. ખેડૂતોએ ‘એ મફત ડુંગળી…ખાઓ બધા ખાઓ’ની બૂમ પાડી લોકોને ડુંગળી લેવા માટે બોલાવ્યા હતા. મોટી સંખ્યામાં લોકો પણ પ્લાસ્ટિકની ઝબલા થેલીઓ, જે હાથમાં આવ્યું એ લઈને ટ્રેક્ટરની પાછળ-પાછળ ડુંગળી લેવા માટે દોડ્યા હતા. અહીં ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેને લઈને ઠેર-ઠેર ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વેપારીઓ, કોંગ્રેસ અને ખેડૂતોએ કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર લગાવેલા પ્રતિબંધ હટાવવા માગ કરી હતી.
વિપક્ષની આગેવાનીમાં ખેડૂતો દ્વારા વિવિધ રીતે વિરોધપ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે રાજકોટ જિલ્લાના ઉપલેટાના શાકમાર્કેટ રોડ પર આજે શહેર કોંગ્રેસ, ખેડૂતો અને વેપારીઓએ મફતમાં ડુંગળીઓ વહેંચી વિરોધપ્રદર્શન કર્યું હતું. ખેડૂત આગેવાન લાખાભાઈ ડાંગરના જણાવ્યા મુજબ, કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલી નિકાસબંધીને લઈને ડુંગળી પકવતા ખેડૂતો પાયમાલી તરફ ધકેલાઈ રહ્યા છે. ગરીબોની કસ્તૂરી હાલ ખેડૂતોને રડાવી રહી છે. સરકારે નિકાસબંધી કરતાં ડુંગળીના પોષણક્ષમ ભાવ પણ નહીં મળતાં ખેડૂતોને પડયા ઉપર પાટુ લાગી રહ્યું છે. આ પરિસ્થિતિના કારણે ખેડૂતો તો રાતે પાણીએ રડી રહ્યા છે ત્યારે આજે ખેડૂતો તેમજ કોંગ્રેસ સમિતિ દ્વારા મફતમાં ડુંગળી વહેંચી રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ મામલે સરકાર તાત્કાલિક પગલાં લે એ જરૂરી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
ઉપલેટાના કોંગ્રેસ આગેવાન કૃષ્ણકાંત ચોટાઈએ આ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ બંધ કરાતાં સૌરાષ્ટ્ર-ગુજરાતના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતાં તેઓ મૂંઝવણમાં મુકાઈ ગયા છે અને માર્કેટિંગ યાર્ડમાં પણ ડુંગળીના ભાવ નહીં મળતાં પાયમાલ થઈ ગયા છે. ખેતરમાં ડુંગળીનો પાક સંપૂર્ણપણે બગડી રહ્યો છે, જેને લઈને આજે ઉપલેટાના શાક માર્કેટ રોડ પર ખેડૂતોએ મફતમાં ડુંગળી વહેંચીને કેન્દ્ર સરકારના આ નિર્ણય સામે વિરોધપ્રદર્શન કર્યું હતું. સરકાર આ નિર્ણય અંગે ફરી એકવાર વિચાર કરે એ ખૂબ જ જરૂરી છે.