ગાંધીનગરના રણાસણ સર્કલ નજીકથી એલસીબીએ પૂર્વ બાતમીના આધારે હ્યુન્ડાઈ ગેટઝ કારનાં અલગ અલગ ચોર ખાનામાં સંતાડી રાખેલ વિદેશી દારૂની 300 બોટલોનાં જથ્થા સાથે રાજસ્થાની બુટલેગરની ધરપકડ કરી કુલ રૂ. 1 લાખ 34 હજારનો મુદ્દામાલ જપ્ત કરી દારૂની હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
ગાંધીનગર જિલ્લામાંથી વિદેશી દારૂની આંતર રાજ્ય હેરાફેરી થતી અટકાવવા માટે એસપી રવિ તેજા વાસમસેટ્ટીની સૂચનાથી એલસીબી – 2 ની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી. એ દરમ્યાન બાતમી મળી હતી કે, હિંમતનગર તરફથી આવી રણાસણ સર્કલ થઈ અમદાવાદ તરફ જતી હ્યુન્ડાઈ ગેટઝ ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે. જેનાં પગલે એલસીબીની અલગ અલગ ટીમોએ રણાસણ સર્કલ નજીક વોચ ગોઠવી દીધી હતી.
ત્યારે બાતમી મુજબની ગાડી ચિલોડા તરફથી આવી પહોંચતા કોર્ડન કરીને રોકી દેવાઈ હતી. બાદમાં પોલીસે ગાડીની તલાશી લેતાં પ્રથમ દૃષ્ટિએ પ્રોહી મુદ્દામાલ મળી આવ્યો ન હતો. જો કે બાતમી પાક્કી હોવાથી આખી ગાડીની ઝિણવટપૂર્વક તપાસ શરૂ કરી હતી. અને ગાડીના ડીક્કીના ભાગમાં ફીટ કરેલ પાછળના બમ્પર અંદર ભાગે તથા ડેસ બોર્ડના ખાનામાં તથા બોનેટના વાયપરના ભાગે તેમજ ગાડીની બોડીની નીચેના ભાગે બનાવેલ ચોર બનાવેલા જોવા મળતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
જેમાં હાથ નાખતાં જ દારૂની બોટલો સંતાડી રાખી હોવાનું નક્કી થઈ ગયું હતું. આથી પોલીસે લાલ આંખ કરતાં જ ગાડીના ચાલક મકબૂલખાન મહંમદહનીફખાન પઠાણે (રહે. ધાનેરાવ પાલી, રાજસ્થાન) કારના અલગ અલગ ચોર ખાનામાંથી એક પછી એક દારૂની બોટલો બહાર કાઢવાની શરૂઆત કરી હતી. જેની ગણતરી કરતાં અલગ અલગ ચોર ખાનામાં કુલ. 300 બોટલો સંતાડી રાખવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.
આ મામલે મકબૂલખાને કબૂલાત કરેલ કે તેના ગામના સજ્જનસિંહ ઉર્ફે હસુએ દારૂનો જથ્થો ગાડીમાં ભરી આપ્યો હતો. અને નાના ચીલોડા પહોંચીને ફોન કર્યા પછી તે આગળનાં રૂટની જાણ કરવાનો હતો. જે પેટે 5 હજાર પણ આપ્યા હતા. બાદમાં એલસીબીએ વિદેશી દારૃના જથ્થા સહિત કુલ રૂ. 1.34 લાખનો મુદામાલ જપ્ત કરી મકબૂલખાનની ધરપકડ કરી સજ્જનસિંહ વિરુદ્ધ પણ ડભોડા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે.