ગૃહપ્રધાન અમિત શાહે આજે એટલે કે મંગળવારે લોકસભામાં 3 નવા બિલ રજૂ કર્યા. સીઆરપીસી અને આઈપીસીની જગ્યાએ ભારતીય ન્યાય સંહિતા બીલ 2023, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 અને ભારતીય પુરાવા બિલ 2023ને ગૃહમાં રજૂ કર્યુ. અમિત શાહનું કહેવું છે કે આ બિલને લાવવાનું લક્ષ્ય ફોજદારી કાયદામાં સુધારો કરવાનો છે. તેના દ્વારા કાયદા વ્યવસ્થાને સારો અને સરળ બનાવવામાં આવશે.
આ વિધેયકોને ગૃહપ્રધાન અમિત શાહે ચોમાસુ સત્રમાં રજૂ કર્યા હતા. ત્યારબાદ તેમને સંસદીય સ્થાયી સમિતિની પાસે મોકલવામાં આવ્યા. જાણો તે લાગુ થવા પર શું ફેરફાર આવશે.
કાયદામાં IPC, CRPC અને ઈન્ડિયન એવિડેન્સ એક્ટથી એવા નિયમ જોડાયેલા છે, જેનાથી દેશમાં ન્યાયની પ્રક્રિયા પર બોજ વધી રહ્યો છે. તેને ઓછો કરવા માટે નવા બિલ લાવવામાં આવ્યા છે. હાલમાં આર્થિક રીતે પછાત લોકોને ન્યાયથી વંચિત રહેવુ પડે છે અને મોટાભાગના કેસમાં દોષી સાબિત થાય છે. પરિણામે જેલમાં કેદીઓની સંખ્યા વધી રહી છે. તેને ઓછી કરવા માટે નવુ બિલ લાવવામાં આવ્યું છે. આ બિલ કાયદાનું રૂપ લેશે તો મુશ્કેલીઓ ઓછી થશે.
- ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023: તેમાં 533 કલમ સામેલ કરવામાં આવી છે. આ સીઆરપીસીની 478 કલમની જગ્યાઓ લેશે. 160 કલમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તે સિવાય 9 નવી કલમ જોડવામાં આવી છે અને 9 જુની કલમને હટાવવામાં આવી છે.
- ભારતીય ન્યાય સંહિતા 2023: તેમાં આઈપીસીની 511 કલમની જગ્યા 356 કલમ લેશે. તેમાં કુલ 175 કલમમાં ફેરફાર કરવામાં આવ્યા છે. બિલમાં 8 નવી કલમને જોડવામાં આવી છે અને 22 કલમને દુર કરવામાં આવી છે.
- ભારતીય પુરાવા અધિનિયમ 2023: તેમાં 167 જુની કલમની જગ્યાએ 170 કલમ રહેશે. તે સિવાય તેની 23 કલમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 1 નવી કલમને સામેલ કરવામાં આવી છે 5 કલમને હટાવી દેવામાં આવી છે.
સરળ ભાષામાં સમજો 15 મોટા ફેરફાર
- ભડકાઉ ભાષણ પર 5 વર્ષની સજા: ભડકાઉ ભાષણ અને હેટ સ્પીચને ગુન્હાના દાયરામાં લાવવામાં આવ્યા છે. જો કોઈ વ્યક્તિ એવું ભાષણ આપે છે તો તેને 3 વર્ષની સજા અને દંડ થશે. જો ભાષણ કોઈ ધર્મ અથવા વર્ગની વિરૂદ્ધ હશે તો 5 વર્ષની સજાની જોગવાઈ છે.
- ગેંગરેપમાં દોષીને આજીવન કારાવાસ: નવા બિલ હેઠળ ગેંગરેપના દોષીઓને 20 વર્ષની સજા અથવા આજીવન કારાવાસની સજા સંભળાવવામાં આવી શકે છે. જો દોષી 18 વર્ષથી ઓછી ઉંમરની કોઈ બાળકી સાથે દુષ્કર્મ કરે છે તો તેને મૃત્યુદંડ આપવાની જોગવાઈ છે.
- મોબ લિંચિંગ પર 7 વર્ષની સજા: જો 5 અથવા તેનાથી વધારે લોકોનું સમૂહ કોઈ જાતિ, સમુદાય, ભાષા અને જેન્ડરના આધાર પર હત્યા કરે છે તો દરેક દોષીને મોત અથવા કારાવાસની સજા આપવામાં આવશે. ત્યારે આ મામલે જોડાયેલા દોષીને ઓછામાં ઓછી 7 વર્ષની સજા સાથે દંડ કરવામાં આવશે.
- ભાગેડુઓની ગેરહાજરીમાં ટ્રાયલ ચાલુ રહેશે: ભાગેડુઓ દેશમાં હોય કે ના હોય, બંને કેસમાં ટ્રાયલ ચાલુ રહેશે. તેની સુનાવણી થશે અને સજા સંભળાવવામાં આવશે.
- મોતની સજાને આજીવન કારાવાસમાં બદલાશે: નવા બિલમાં એક મોટી જોગવાઈ કરવામાં આવી છએ કે જો દોષીને મોતની સજા આપવામાં આવશે તો તે સજાને આજીવન કારાવાસમાં બદલી શકાશે.
- કોર્ટ આપશે હરાજીનો આદેશ: જો કોઈ કેસમાં સંપતિની હરાજી થાય છે તો તેનો આદેશ કોર્ટ આપશે. પોલીસનો કોઈ અધિકારી નહીં.
- ઓનલાઈન મળશે કેસની જાણકારી: સામાન્ય વ્યક્તિને એક ક્લિક પર કેસની જાણકારી મળી શકશે, તેથી 2027 સુધી દેશની તમામ કોર્ટને ઓનલાઈન કરી દેવામાં આવશે. જેથી કેસની વિગત ઓનલાઈન જોઈ શકાશે.
- ધરપકડ થાય તો પરિવારને જાણ કરવી પડશે: કોઈ પણ કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવે તો તેની જાણકારી પરિવારને આપવી જરૂરી થશે. એટલું જ નહીં 180 દિવસની અંદર તપાસને પૂર્ણ કરીને ટ્રાયલ માટે મોકલવી પડશે.
- 120 દિવસમાં આવશે ટ્રાયલનો નિર્ણય: કોઈ પોલીસ અધિકારી વિરૂદ્ધ કોઈ ટ્રાયલ ચલાવવામાં આવે તો તેને લઈ 120 દિવસની અંદર નિર્ણય લેવો પડશે.
- ચર્ચા પૂર્ણ થશે તો 1 મહિનામાં આવશે નિર્ણય: જો કોઈ કેસમાં ચર્ચા પૂર્ણ થઈ ચૂકી છે તો 1 મહિનાની અંદર કોર્ટને નિર્ણય આપવો પડશે. નિર્ણયની તારીખના 7 દિવસની અંદર તેને ઓનલાઈન ઉપલબ્ધ પણ કરાવવો પડશે.
- ચાર્જશીટ 90 દિવસમાં ફાઈલ થશે: મોટા અને ગંભીર ગુન્હાથી જોડાયેલા કેસમાં પોલીસને ઝડપથી કામ કરવુ પડશે. તેમને 90 દિવસની અંદર ચાર્જશીટને ફાઈલ કરવી પડશે. જો કોર્ટ મંજૂરી આપે છે તો સમય વધારી શકાશે.
- પીડિતાના નિવેદનનું રેકોર્ડિંગ: જો કેસ યૌન હિંસાથી જોડાયેલો છે તો પીડિતાના નિવેદનનું વીડિયો રેકોર્ડિંગ થશે. જે જરૂરી રહેશે.
- ક્રાઈમ સીન પર ફોરેન્સિક ટીમ અનિવાર્ય: એવા ગુન્હા જેમાં 7 વર્ષ અથવા તેનાથી વધારેની સજાની જોગવાઈ છે, તેમાં ક્રાઈમ સીન પર ફોરેન્સિક ટીમનું પહોંચવુ જરૂરી રહેશે.
- ધરપકડ વગર લેવામાં આવશે સેમ્પલ: જો કોઈ કેસમાં બ્લડ સેમ્પલ લેવામાં આવશે તો તેના માટે ધરપકડની જરૂર રહેશે નહીં. મેજિસ્ટ્રેટના ઓર્ડર બાદ આરોપીના હેન્ડરાઈટિંગ, વોઈસ અથવા ફિંગર પ્રિન્ટના સેમ્પલ લઈ શકાશે.
- ગુનેગારનો રેકોર્ડ થશે ડિજિટલ: દરેક પોલીસ સ્ટેશન અને જિલ્લામાં એક એવા અધિકારીની નિમણુંક કરવામાં આવશે, જે ગુનેગારોનો રેકોર્ડ રાખશે.