રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી કમલા બેનીવાલનું નિધન થયું છે. તે લાંબા સમયથી બીમાર હતા. જયપુરની ફોર્ટિસ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. બેનીવાલ ગુજરાતના રાજ્યપાલ રહી ચૂક્યા છે.
ગુજરાતના રાજ્યપાલ અને 7 વખત ધારાસભ્ય રહી ચૂકેલા કમલા બેનીવાલે રાજસ્થાનના નાયબ મુખમંત્રી પણ રહી ચુક્યા હતા.કમલા બેનીવાલનો જન્મ 12 જાન્યુઆરી 1927ના રોજ રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લાના ગોરીર ગામમાં એક જાટ પરિવારમાં થયો હતો.
તે કોંગ્રેસના વરિષ્ઠ નેતા હતા. તેઓ ગુજરાતની સાથે ત્રિપુરા, મિઝોરમના રાજ્યપાલ રહી ચૂક્યા છે. રાજસ્થાનમાં કોંગ્રેસ સરકારમાં તેઓ ઘણા મહત્વના હોદ્દા પર રહ્યા હતા.
કમલા બેનીવાલનો જન્મ રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લાના ગોરીર ગામમાં એક જાટ પરિવારમાં થયો હતો. તેમનું શાળાકીય શિક્ષણ માત્ર ઝુનઝુનુમાં જ થયું હતું. તેમને અર્થશાસ્ત્ર, રાજકીય વિજ્ઞાન અને ઇતિહાસમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. તેમને ઈતિહાસ વિષયમાં એમ.એ.નો અભ્યાસ કર્યો હતો. કમલા બેનીવાલ સ્વિમિંગ, ઘોડેસવારીના શોખીન હતા. તેમને 11 વર્ષની ઉંમરે ભારત છોડો આંદોલનમાં ભાગ લીધો હતો. દિવંગત પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી દ્વારા તેમને કોપર પ્લેટથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
1954માં 27 વર્ષની વયે વિધાનસભા ચૂંટણી જીતીને કમલા બેનીવાલ રાજસ્થાન સરકારમાં પ્રથમ મહિલા મંત્રી બન્યા હતા. અગાઉ અશોક ગેહલોતની સરકારમાં કમલા બેનીવાલ ગૃહ, શિક્ષણ અને કૃષિ મંત્રાલય સહિત અનેક વિભાગોના મંત્રી હતા. તે રાજ્યના નાયબ મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે.
કમલા બેનીવાલને 27 નવેમ્બર 2009ના રોજ ગુજરાતના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. અગાઉ કેન્દ્ર સરકારે તેમને ત્રિપુરાના રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યા હતા. જ્યારે તે ગુજરાતના રાજ્યપાલ બન્યા ત્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. તેમની સાથે અનેક મુદ્દે મતભેદો હતા. જેમાં લોકાયુક્તની નિમણૂકનો મુદ્દો ખૂબ ચર્ચાયો હતો.