મોરબીમાં નકલી ટોલનાકાના કેસમાં પુત્ર આરોપી બનતા ચર્ચામાં આવેલા સિદસર ઉમિયા ધામના પ્રમુખ જયરામ પટેલ તેમના પદેથી રાજીનામુ આપી દેશે. આધારભૂત સૂત્રો મારફતે મળેલી જાણકારી અનુસાર અમરીશ પટેલનું નામ નકલી ટોલનાકું ઊભું કરવાના કેસમાં ઉછળવાના ઘટનાક્રમ વચ્ચે તેમના પિતા જયરામ પટેલ પાસેથી 6 જાન્યુઆરી, 2024ના રોજ રાજીનામું લઈ લેવામાં આવશે. જો કે આ પાછળ ટોલનાકું જ કારણભૂત છે કે વયમર્યાદા તેને લઈને અનેક તર્કવિતર્ક છે.
વાંકાનેર-મોરબી હાઇવે ઉપર નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ટોલનાકાની બાજુમાં જ ટોલનાકું ઊભું કરી કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું હોવાના આરોપ લાગ્યા છે. આ કેસમાં પાંચ આરોપીઓના નામ છે. જેમાં એક જયરામ પટેલના દીકરા અમરશી પટેલનું પણ નામ સામેલ છે. જે ફેક્ટરીમાં નકલી ટોલનાકું બનાવવામાં આવ્યું હતું એ જગ્યા અમરીશ પટેલે ભાડા કરારમાં આપી હતી.
આ કેસના તમામ આરોપીઓ 20 દિવસ પછી પણ ફરાર જ છે. પોલીસ ચોપડે કામગીરી શૂન્ય બરાબરની જ છે. જોકે આ મુદ્દે વિરોધનો સૂર ઉઠ્યો હતો. સમાજના અમુક આગેવાનોએ જેરામ પટેલ પાસે રાજીનામું માંગ્યું હતું. હવે વાયરલ થયેલી એક ઓડિયો ક્લિપે સનસની મચાવી દીધી છે.
વઘાસિયા ટોલનાકાના આરોપીન અમરીશ પટેલનો કાયદાકીય
ગૂંચમાંથી છૂટકારો અપાવવા માટે પડદા પાછળ ચર્ચા ચાલતી
હોવાનો ઘટસ્ફોટ થયો છે. એક ફોનકોલની ઓડિયો ક્લિપ
વાયરલ થઈ છે. જેમાં નકલી ટોલનાકાના કેસમાં અમરીશ
પટેલનો કેવી રીતે છૂટકારો થઈ જશે એ વાતની ચર્ચા
થઈ રહી છે. આ ઓડિયો ક્લિપ અમરીશ પટેલના પિતા
જયરામ પટેલના નજીક ગણાતા જગદીશ કોટડિયા અને
ભરત લાડાણીની હોવાનું માનવામાં આવી રહ્યું છે. નોંધનીય
છે કે જયરામ પટેલ સિદસર ઉમિયા ધામના પ્રમુખ છે.
જ્યારે ફોન પર વાત કરી રહેલા જગદીશ કોટડિયા સિદસર
ઉમિયાધામના ઉપપ્રમુખ છે.
ઓડિયો ક્લિપમાં શું છે?
હાલ ઉમિયાધામના ઉપપ્રમુખ જગદીશ કોટડિયા અને કેશોદના આગેવાન ભરત લાડાણી વચ્ચેની એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે. જેમાં ભરત લાડાણી જયરામ પટેલ નું રાજીનામાની માંગ કરી છે. તેમના વિરુદ્ધ સમાજને ઉભો કરી અને એક બેઠકનું આયોજન પણ કરવાના છે. ત્યારે જગદીશ કોટડીયાએ ભરત લાડાણી સાથે વાત કરી અને જયરામ પટેલની વ્હારે આવ્યા છે. ઓડિયો ક્લિપમાં જણાવ્યું હતું કે જયરામ પટેલના દીકરા અમરશી પટેલ તો છૂટી જવાના છે. તમે એને બદનામ કરવાનું છોડો.
વધુમાં જગદીશ કોટડિયા કહે છે, હું DySPને ત્રણ-ચાર વખત મળી આવ્યો છું. બે-ત્રણ દિવસમાં અમરીશ પટેલનો કેસ જ નીકળી જવાનો છે. જેના નામનો અગ્રીમેન્ટ છે એ વ્યક્તિ હાજર થાય અને સ્ટેટમેન્ટ આપે કે મેં એ જગ્યા ભાડે આપી હતી. એટલે અમસ્તુ બધુ પતી જશે. આ સત્તા પોલીસ પાસે છે. પોલીસ વડા સી-સમરી ભરીને અમરીશ પટેલને મુક્ત કરશે.
જાન્યુઆરીમાં રાજીનામું મૂકશે, જૂનમાં થશે ફરજમુક્ત જોકે આધારભૂત સૂત્રોએ જણાવ્યું છે કે આગામી 6 જાન્યુઆરીએ ઉમિયાધામ ટ્રસ્ટની બેઠક થવાની છે. તેમાં જયરામ પટેલ સ્વેચ્છાએ રાજીનામું ધરી દેશે. ટ્રસ્ટના નિયમ મુજબ 75 વર્ષની વયમર્યાદા રાખવામાં આવી છે. તેમાં જયરામ પટેલને હજુ 6 મહિના બાકી છે. છતાં પણ જાન્યુઆરી મહિનામાં તેમનું રાજીનામું લઈને જૂન, 2024માં તેમને જવાબદારીમાંથી મુક્ત કરી દેવામાં આવશે.
વાયરલ ઓડિયો ક્લિપ સંદર્ભે જગદીશ કોટડિયા સાથે પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કાયદો કાયદાનું કામ કરે પરંતુ આ ભરતભાઈ લાડાણી જેવા તોફાની તત્વો છે. તેને એમ જ કહ્યું હતું કે અમરસિંહભાઈ સી-સમરી ભરાઈ જશે. પરંતુ અન્ય કોઈ એવી વાત નથી. કાયદા મુજબ જ કામગીરી થશે. મેં તોફાની તત્વોને ટપારવા આવી વાત કરી હતી.
આ સમગ્ર પ્રકરણમાં DySP પી.એ.ઝાલાએ જણાવ્યું કે તેઓ તો ઘણા આગેવાનો મળતા જ હોય છે. પરંતુ અમારી વચ્ચે આવી કોઈ વાત થઈ નથી. સી-સમરી ભરવાની મુદ્દત 90 દિવસ પછીની હોય છે. પરંતુ હાલ કોઈ આરોપી ઝડપાયા નથી એટલે સી-સમરી ભરવાની વાત જ ક્યાં આવે?
મુખ્ય તપાસનીશ અધિકારી પી.ડી.સોલંકી વાંકાનેર શહેર પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર છે. તેમણે જણાવ્યું હતું કે આ કેસમાં કોઈ સી-સમરીની વાત જ ન આવે. આરોપી હજી પોલીસ પકડથી દૂર છે. આરોપીને ઝડપવા વાંકાનેર, કચ્છ, જામનગર, ખંભાળિયા, રાજકોટ સુધી તપાસ કરી હતી. અવારનવાર તેમના ઘરે પણ જઈએ છીએ. પરંતુ હજી આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. હાલ તપાસમાં કોઈ નવી વિગતો આવી નથી પરંતુ સી-સમરી ભરવાની વાત ખોટી છે.