ગુજરાતની સ્થાપનાના સમયથી દારૂબંધીનો અમલ ચાલી રહ્યો છે ત્યારે રાજ્ય સરકારે હવે ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની રાજ્ય સરકારે છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. ઈન્ટરનેશનલ ટ્રેડ અને ફાઈનાન્સના હબ ગિફ્ટ સિટીમાં વૈશ્વિક કંપનીઓને ગ્લોબલ બિઝનેસ ઈકોસિસ્ટમ આપવાના હેતુથી ‘ડાઈન વિથ વાઈન’ની છૂટ અપાઈ છે.
જોકે, લોકો અહીં ચોક્કસ નિયમો હેઠળ હોટેલ, રેસ્ટોરાં અને ક્લબોમાં દારૂનું સેવન કરી શકાશે. જોકે, હોટેલ, રેસ્ટોરાં અને ક્લબોને દારૂની બોટલોનું વેચાણ કરી શકશે નહીં. આ મુદ્દાને લઈ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
જાણીતા કથાકાર મોરારીબાપુએ નારી શક્તિ વંદના ના કાર્યક્રમમાં ભાવનગરમાં હાજરી આપી હતી. ગાંધીનગરમાં સરકારે દારૂ મુક્તિ આપતા મોરારીબાપુએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું, દારૂબંધી હટાવવા મામલે સરકારના રિપોર્ટનો મેં અભ્યાસ કર્યો નથી અને આ મારો કોઈ વિષય નથી. અત્યારે આ મામલે હું કહી વિશેષ કહી શકું નહીં.
બોટાદ ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા હાલમાં ગુજરાત સરકાર દ્વારા ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે દારૂની છૂટ આપવામાં આવતા તાત્કાલિક અસરથી ગાંધીનગરમાં લીકર સેવન ઉપર તાત્કાલિક રોક લગાવવા માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. બોટાદ ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા જણાવવામાં આવ્યું કે ગાંધીના આ ગુજરાતમાં ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે અધિકૃત રીતે કામ કરતા કર્મચારી/અધિકારી તેમજ ગિફ્ટ સિટી ખાતે અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓને લીકરના સેવન માટે મુક્તિ આપવામાં આવી રહી છે, જે ગુજરાત રાજ્યને કલંકિત કરતી ઘટના છે, ગુજરાતની અસ્મિતાનું ઘોર અપમાન કહી શકાય તેવી સ્થિતિ ઉભી થવા જઈ રહી છે, ગાંધીના ગુજરાતમાં દરેક ગુજરાતીનું આ ઘોર અપમાન છે જેના લીધે ગુજરાતની જનતાની લાગણી દુભાઈ શકે તેવું કૃત્ય થવા જઈ રહ્યું છે, ગુજરાતમાં દારૂબંધી માટે કડક વલણ દાખવવામાં આવે અને તાત્કાલિક અસરથી ગિફ્ટ સિટી ખાતે અધિકૃત રીતે કામ કરતા કર્મચારી/અધિકારી તેમજ ગિફ્ટ સિટી ખાતે અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓને લીકરના સેવન માટે મુક્તિ પર રોક લગાવવામાં આવે તેવી દરેક ગુજરાતીની લાગણી અને માંગણીને ધ્યાને રાખી તાત્કાલિક અસરથી આ છૂટ પર રોક લગાવવા બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ માંગ કરી હતી.