ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની પરમીશન આપ્યા પછી ઉભા થતાં સવાલોનો રસ્તો કાઢવામાં આવશે, જે અનુસાર કંપનીમાં કામ કરતા કર્મચારીને એક્સેસ અને કંપનીમાં મુલાકાત માટે આવતા મુલાકાતીને કામચલાઉ પરમીટ આપવામાં આવશે.
ગિફ્ટ સિટીમાં દારૂ પીરસવાની અને પીવાની આપવામાં આવેલી છૂટ પછી રાજ્યનો ગૃહ વિભાગ નોટિફિકેશન મારફતે એક ચોક્કસ ગાઇડલાઇન બનાવી રહ્યો છે કે જેથી ગિફ્ટ સિટીમાં કામ કરતા અધિકારી કે કર્મચારીને તેમજ કંપનીની મુલાકાતે આવેલા મુલાકાતીને પોલીસ કે કાયદેસરની કાર્યવાહીનો સામનો કરવો પડે નહીં.આ લોકોને સ્પેશિયલ કાર્ડ આપવામાં આવશે.
ગૃહ વિભાગના ટોચના એક અધિકારીએ કહ્યું હતું કે, સરકારે હજી માત્ર જાહેરાત કરી છે પરંતુ તેના નીતિ-નિયમો બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. એકાદ સપ્તાહમાં ગાઇડલાઇન જાહેર કરવામાં આવશે, કે જેથી ગિફ્ટ સિટીની બહારના વિસ્તારમાંથી કોઇ વ્યક્તિ હોટલ, રેસ્ટોરન્ટ કે ક્લબમાં દારૂ પી શકે નહીં.
કંપનીના સંચાલકો કે કંપનીના કોઇ એક્ઝિક્યુટીવ જ નક્કી કરી શકશે કે કોણ મહેમાન છે અને કોણ બહારનો વ્યક્તિ છે. ગિફ્ટ સિટીની મુલાકાત લેતાં તમામ લોકોને આવી કોઇ સુવિધા મળશે નહીં. રાજ્ય સરકારે જ્યારે દારૂબંધીમાં છૂટની જાહેરાત કરી ત્યારે જ નક્કી કર્યું હતું કે મુલાકાતીને અધિકૃત કરવાના રહેશે.
રાજ્યમાં દારૂબંધી છે અને તે અધિનિયમ પ્રમાણે જો કોઇ વ્યક્તિ સામે નશાબંધી ભંગનો કેસ ચલાવવામાં આવે તો તેને છ મહિનાથી બે વર્ષ સુધીની જેલની સજા થઇ શકે છે. ગિફ્ટ સિટીમાં છૂટ એટલા માટે આપવામાં આવી છે કે તેમાં વિશ્વભરની નાણાંકીય સંસ્થાઓ, આઇટી ક્ષેત્રની કંપનીઓ, બેન્કીંગ સર્વિસ ક્ષેત્રે જોડાયેલી કંપનીઓ અને બીજી કચેરીઓ આવેલી છે. રાજ્ય બહારથી આવતા લોકોની જીવનશૈલીને અનુરૂપ અને તેમને પ્રોત્સાહિત કરવા વાઇન એન્ડ ડાઇન સુવિધા લાગુ કરવામાં આવી છે.
આ અધિકારીએ કહ્યું કે ગિફ્ટ સિટીમાં અત્યારે અનેક રેસિડેન્સિયલ એપાર્ટમેન્ટના પ્રોજેક્ટ ચાલી રહ્યાં છે. આ એપાર્ટમેન્ટમાં રહેતી તમામ વ્યક્તિ દારૂબંધીની છૂટનો ઉપયોગ કરી શકશે નહીં. તેમના માટે આવી મંજૂરી આપવામાં આવી નથી પરંતુ ગિફ્ટ સિટીની કોઇ ઓફિસમાં કામ કરતા અધિકારી કે કર્મચારીઓ અધિકૃત કરે તેમને કામચલાઉ પરમીટનું કાર્ડ આપવામાં આવશે. દારૂબંધીની છૂટ અંગેના નિયમો બની રહ્યાં છે અને તેને ટૂંકસમયમાં જાહેર કરવામાં આવશે ત્યારે ખબર પડશે કે કોણ દારૂ પી શકશે અને કોણ નહીં.
રાજ્ય સરકારે ગિફ્ટસિટીમાં દારૂ પીવાની મંજૂરી આપી છે. આ જાહેરાતના પગલે ગિફ્ટ સિટી ક્લબની ડિમાન્ડ વધી છે. ગિફ્ટ સિટી ક્લબની મેમ્બરશીપ લેવા માટે ઈન્કવાયરી વધી ગઇ છે.
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની મંજૂરી બાદ રિયાલિટી સેક્ટરમાં ય જાણે તેજી આવી છે. ગિફુટ સિટીની આસપાસની જમીનની ય ડિમાન્ડ વધી છે. સૂત્રોના મતે, દારૂની મંજૂરી બાદ ગિફ્ટ સિટી ક્લબની મેમ્બરશીપ મેળવવા ઈન્કવાયરી થઈ રહી છે. ગિફ્ટ સિટી કલબમાં ફોન કોલ્સ કરીને શું શું સુવિધા મળશે તેની માહિતી મેળવવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, હાલ ગિફ્ટ સિટી ક્લબમાં મેમ્બરશીપનો ભાવ રૂ.૭ લાખ છે. ગુજરાત સરકારે દારૂ પીવાની છૂટ આપતા ગિફ્ટસિટી ક્લબ પર લોકોની નજર મંડાઈ છે. માત્ર ૪૮ કલાકમાં જ 107 લોકોએ ગિફ્ટ સિટીમાં મેમ્બરશીપ મેળવી લીધી છે.
ગિફ્ટ સિટી ક્લબે તો મેમ્બરશીપમાં જ રૂ.7.49 કરોડની કમાણી કરી લીધી છે. અત્યાર સુધીમાં ગિફ્ટ સિટી ક્લબમાં મેમ્બર્સની સંખ્યા વધીને 2300 સુધી પહોંચી ગઈ છે. ગિફ્ટ સિટી ક્લબના સૂત્રોનું કહેવું છે કે, ચાર હજાર મેમ્બર્સનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જે રીતે મેમ્બરશીપ મેળવવા ઇન્કવાયરી થઈ રહી છે તે જોતાં ગિફ્ટ સિટી કલબના સંચાલકોને આશા છે કે, મેમ્બર્સનો લક્ષ્યાંક પૂર્ણ થશે. તેમાં ય થર્ટી ફર્સ્ટને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. એકાદ બે દિવસમાં રાજ્ય સરકાર ગિફ્ટસિટીમાં દારૂ પીવાના નિયમો સાથે પરિપત્ર જાહેર કરે તેમ છે. આ જોતાં ઘણાંએ ગિફ્ટ સિટી કલબમાં જ થર્ટી ફર્સ્ટ ઉજવવા મન બનાવ્યું છે.
એવી પણ જાણકારી મળી રહી છે કે, ડિમાન્ડને પગલે ગિફ્ટ સિટી કલબ પણ તકનો લાભ મેળવીને મેમ્બરશીપનો ભાવ વધારવાના મતમાં છે. આમ, ગિફ્ટ સિટી ક્લબને દારૂ મુક્તિ ફળી છે. વર્ષના અંતિમ દિવસ સુધીમાં તો મેમ્બરશીપનો આંકડો હજુ વધી શકે છે તેવી કલબના સંચાલકોને આશા છે.