ગાંધીનગર જિલ્લાના માણસામાં હરિકૃપા કોમ્પલેક્ષ ખાતે રોયલ પેલેસ હોટલની બાજુમાં આવેલ ખુલ્લા શટર વાળી દુકાનમાં પોલીસે પૂર્વ બાતમીના આધારે રેડ કરીને 13 હજાર 350 રૂપિયાની કિંમતનો વિદેશી દારૃ – બિયરનાં જથ્થા સાથે માણસા શહેર કોંગ્રેસ પ્રમુખ મહીપાલસિંહ રાજેન્દ્રસિંહ વાઘેલા દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજસ્થાનથી દારૂ મંગાવીને શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા હાટડી શરૂ કરાઈ હોવાની ગંધ આવી જતાં માણસા પોલીસે ખેલ પાડી દીધો હતો.
માણસા પોલીસ મથકની હદ વિસ્તારમાં સ્ટાફના માણસો દારૂ જુગારની પ્રવૃતિઓને ડામી દેવા પેટ્રોલીંગ કરી રહી હતી. એ દરમ્યાન કોન્સ્ટેબલ ચેતનસિંહ નટુજીને બાતમી મળી હતી કે, માણસા ગાંધીનગર હાઈવે રોડ ઉપર આવેલ હરીકૃપા કોમ્પલેક્ષ ખાતે મહીપાલસિંહ રાજેન્દ્રસિંહ વાઘેલા (રહે. માણસા) રોયલ પેલેસની દુકાનમાં વિદેશી દારૂની હાટડી ચલાવે છે.
જેનાં પગલે પોલીસે ટીમે બાતમી વાળી જગ્યાએ રેડ કરી હતી. જ્યાં મહીપાલસિંહ રાજેન્દ્રસિંહ વાઘેલા હાજર મળી આવ્યા હતા. બાદમાં પોલીસે મહિપાલસિંહને સાથે રાખી હોટલની બાજુની દુકાનમાં તપાસ કરતાં કાગળના પુઠાના ખોખામાં ભારતીય બનાવટની વિદેશીદારુની કાચની બોટલો તથા બીયરનાં ટીન મળી આવ્યા હતા. જેની ગણતરી કરતા દારૂની 40 બોટલો અને બિયરનાં પાંચ ટીન કુલ રૂ. 13 હજાર 330 નો દારૂ હોવાનું સામે આવ્યું હતું.
આ અંગે માણસા પોલીસના સૂત્રોએ કહ્યું હતું કે, મહિપાલસિંહ રાજેન્દ્રસિંહ વાઘેલા માણસા શહેર કોંગ્રેસ પ્રમુખ છે. જેણે ત્રણ દિવસ પહેલા અશ્વિન ડામોર (રહે ખેરવાડા રાજસ્થાન) નામના ઈસમ પાસેથી દારૂ – બિયરનો જથ્થો મંગાવ્યો હતો. જેનાં પગલે મહિપાલસિંહની પ્રોહી એકટ હેઠળ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.