મેડિસિટીના ડૉક્ટરો એક ધ્યેય અને એક લક્ષ્ય સાથે કાર્ય કરી વિવિધ રાજ્યો માટે આશાનું કિરણ તરીકે ઉભરી આવ્યા છે : અંગદાનનો સેવાયજ્ઞ આપ સૌના સહયોગથી અવિરત ચાલતો રહે તે માટે સૌના સાથ , સહકાર સાથે સૌના પ્રયાસની ખુબ જ જરૂર:ટ્રાન્સપ્લાન્ટ સર્જનનું કામ પીડિતના જીવનનું “નવસર્જન” કરવાનું છે – મંત્રી ઋષિકેશ પટેલ
અમદાવાદ
ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટ સાઈન્સીસ (GUTS)ના ચોથા પદવીદાન સમારોહમાં આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલના હસ્તે વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ હતી.આ પ્રસંગે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટ સાયન્સીસ ગુજરાતની એકમાત્ર એવી યુનિવર્સિટી છે કે જ્યાં ડોક્ટરો એક ધ્યેય અને એક લક્ષ્ય સાથે કાર્ય કરી વિવિધ રાજ્યો માટે આશાનું કિરણ તરીકે ઉભરી આવ્યા છે. તેમ તેમણે ઉમેર્યું હતું. અંગદાનનો સેવાયજ્ઞ આપ સૌના સહયોગથી અવિરત ચાલતો રહે તે માટે સૌના સાથ અને સહકાર સાથે સૌના પ્રયાસની ખુબ જ જરૂર છે. અંગદાન એ એવું દાન છે કે જે સ્વૈચ્છિક રીતે થાય અને યથાશક્તિથી થાય છે, જેના માટે કોઈને ફરજ ના પાડી શકાય. પરંતુ યથાશક્તિ થી અંગદાન કરવા માટે લોકોમાં જનજાગૃતિ લાવવી ખૂબ જ જરૂરી છે અને GUTS સંસ્થા નવયુવાનોને તૈયાર કરી એ જ ક્ષેત્રે કાર્ય કરી રહી છે તે આપણા સૌ માટે ગૌરવની બાબત છે તેમ તેમણે ઉમેર્યું હતું.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોઈ જીવીત વ્યક્તિને અંગદાન ન કરવું પડે, બ્રેઈનડેડ થતા વ્યક્તિના અંગોના દાનથી જરૂરિયાતમંદોને નવજીવન મળે તેવા આપણા સૌના પ્રયાસો હોવા જોઈએ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વ હેઠળ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોની ચિંતા કરીને આયુષ્યમાન કાર્ડ હેઠળ મળતી ₹5 લાખની સહાયને વધારીને ₹10 લાખ કરી છે. જેથી સામાન્ય સર્જરીથી માંડીને કિડની, લીવર, હાર્ટ જેવા અત્યંત ખર્ચાળ ટ્રાન્સપ્લાન્ટને પણ તેમાં આવરી લેવામાં આવ્યા છે તેમ તેમણે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું વિઝન અને તેના દ્વારા મળેલ પરિણામ જોઈએ તો સિવિલ મેડિસિટીના એક જ કેમ્પસમાં એક હોસ્પિટલમાંથી અંગદાન થાય છે અને તેમાંથી મળેલા અંગો આ જ કેમ્પસની અન્ય હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે, જે ખૂબ જ ગૌરવની બાબત છે તેમ તેમણે જણાવ્યું હતું.તેમણે વિદ્યાર્થીઓ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, સમગ્ર અભ્યાસકાળ દરમિયાન તમે પ્રોફેસર પાસેથી જે પણ કહી શીખ્યા છો તેની પદવી લઈને તમે સમાજને અર્પણ કરવા જવાના છો. આપ સૌ જ્યારે સમાજમાં સેવા અર્પણ કરશો ત્યારે આરોગ્યને સેવાના માધ્યમ તરીકે માની કાર્ય કરજો આર્થિક ઉર્પાજનને મહત્વ આપવું પરંતુ સેવાને કેન્દ્રમાં રાખી કાર્ય કરવું એ ખૂબ જ અનિવાર્ય છે તેમ તેમણે જણાવ્યું હતું.અંતે તેમણે પદવી મેળવેલ વિદ્યાર્થીઓને અને તેમના પરિવારજનોને શુભેચ્છાઓ પાઠવી હતી અને વિદ્યાર્થીઓને તેમની સર્જનાત્મક શક્તિઓનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરીને લોકોના જીવનનું નવસર્જન કરવા આહવાન કર્યું હતું.GUTSના વાઈસ ચાન્સેલર પ્રો. પ્રાંજલ મોદીએ સ્વાગત પ્રવચન કર્યું હતું અને શિક્ષણમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કર્યા હતા.
આ કાર્યક્રમમાં GUTSના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ડો. અરુણા વનીકર, GUTSના મેમ્બર્સ ડો. અનિલ પટેલ અને ડો.ભરત અમીન, ઇન્સ્ટિટયૂટ ઓફ કિડની ડીઝિઝ એન્ડ રિસર્ચ સેન્ટરના ડીન પ્રો. મનીષા મોદી, ડાયરેક્ટર ડૉ.વિનીત મિશ્રા, રજીસ્ટ્રાર શ્રી કમલ મોદી તેમજ વિવિધ પ્રોફેસરો, વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.