અમદાવાદ શહેરના રાણીપ પોલીસ સ્ટેશનમાં સાયબર ક્રાઇમનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. સાબરમતી જેલના જેલર પર અજાણી વ્યક્તિએ ફોન કર્યો હતો. જેલરના મિત્ર જેવો અવાજ કાઢતા જેલર તેના મિત્રનું નામ બોલતા જ ફસાઇ ગયા હતા. ગઠિયાએ મિત્ર બોલતો હોવાનું કહીને આર્થિક મદદ માંગીને જેલર પાસેથી 20 હજાર રૂપિયા પડાવી લીધા હતા. જે મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સાબરમતી જેલ સ્ટાફ ક્વાર્ટર્સમાં રહેતા દેવશીભાઇ કરંગીયા જેલર તરીકે ફરજ બજાવે છે. 16મી ઓક્ટોમ્બરના દિવસે એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે પહેચાના ક્યા તેવું પૂછતા દેવશીભાઇએ મનાઇ કરી હતી. બાદમાં ફોન કરનારે અરે ‘યાર ભુલ ગયે’ તેમ પૂછતા દેવશીભાઇએ તેમનો મિત્ર કમલેશ રાજપુરોહિત બોલતો હોવાનો અંદાજ લગાવીને કમલેશ બોલ રહા હે તેવું પૂછતા ગઠિયાએ હા પાડીને વાતો શરૂ કરી હતી. બાદમાં ગઠિયાએ મારા એક સંબંધીની છોકરી બીમાર છે અને તેને રૂપિયાની જરૂર છે, મારા ફોનથી રૂપિયા ટ્રાન્સફર કર્યા પરંતુ થતા નથી. જેથી હું તારા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરુ છું અને તને જે નંબર આપુ તે નંબર પર પૈસા ટ્રાન્સફર કરી આપજે તેવી વાત કરી હતી. ત્યારબાદ ગઠિયાએ 25 હજાર અને 30 હજાર દેવશીભાઇને મોકલ્યા હોવાનો ટેક્સ્ટ મેસેજ મોકલી આપ્યો હતો. બાદમાં ગઠિયાએ મોકલેલ સ્ક્રીન શોટ્સમાં આપેલ નંબર પર ગુગલ પે કરવાનું કહીને પહેલા પાંચ હજાર અને બાદમાં 15 હજાર ટ્રાન્સફર કરાવ્યા હતા.
જો કે ત્યાર બાદ ફરી ગઠિયાએ ફોન કરીને વધુ પૈસાની માંગણી કરી હતી. દેવશીભાઈએ સ્ક્રીન શોટ જોતા તેમાં એકાઉન્ટ નંબર બીજાનો હોવાથી શંકા જતા મિત્ર કમલેશને ફોન કરીને પૂછપરછ કરી હતી. ત્યારે કમલેશે કોઈ પૈસા માંગ્યા ન હોવાનું તથા તેના કોઈ સંબંધીની દીકરી બિમાર પડી ન હોવાનું જણાવતા દેવશીભાઈ સાથે સાયબર ફ્રોડ થયુ હોવાનો અંદાજ આવ્યો હતો. આમ ગઠિયાએ મિત્ર જેવો અવાજ કાઢીને સંપર્ક કેળવીને ખોટા એકાઉન્ટ નંબરના ટ્રાન્ઝેક્શનના સ્ક્રીન શોટ મોકલીને 20 હજાર પડાવી લેતા રાણીપ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.