ગાંધીનગરના કુડાસણ પ્રમુખ આર્કેડ કોમ્પલેક્ષમાં કદંબ વિઝા કન્સલ્ટન્સીના ઓથાર હેઠળ વિદેશવાંચ્છુ પાસેથી રૂપિયા લઈ 1 કરોડ 9 લાખનું ફુલેકું ફેરવનાર વોન્ટેડ એજન્ટને ગાંધીનગર એલસીબીની ટીમે પૂર્વ બાતમીના આધારે ઝડપી ઈન્ફોસિટી પોલીસને હવાલે કરી દેવામાં આવ્યો છે. નોંધનીય છે કે વિદેશી કોલેજમાં એડમીશન અપાવવાનુ કહીને યુવક યુવતીઓ પાસેથી રૂપિયા લઈ ઓફિસને પાંચ મહિનામાં જ બંધ કરી દેવામાં આવતાં સમગ્ર મામલો ઈન્ફોસિટી પોલીસ મથકના ચોપડે નોંધાયો હતો.
સુરતના માંડવી શહેરમાં મેમણ ફળિયામાં રહેતા અને ત્યાં મેઇન બજારમાં પિતાની લકી ફૂટવેર નામની દુકાનમાં બેસીને ધંધો કરતા અહેમદ મહંમદ હનીફ મેમણ નામના 21 વર્ષના યુવાનને વર્ક પરમીટ સાથે યુકે જવાની ઇચ્છા હોવાથી તેઓ સારા વિઝા એજન્ટની તલાસમાં હતાં. દરમિયાન તે પિતા અને તેના મિત્ર સાથે કલોલમાં રૃટ્સ ઇમિગ્રેશન નામથી કામ કરતા એજન્ટની ઓફિસ પર આવ્યા હતાં. ત્યાં યુકેની વર્ક પરમીટ સંબંધે વાતચીત કરી હતી.
દરમિયાન ત્યાં હાજર એવા ગાંધીનગરના વાવોલ વિસ્તારમાં ચંદ્રલોક સોસાયટીમાં રહેતા અને કુડાસણમાં પ્રમુખ આર્કેડ કોમ્પલેક્સમાં ઓફીસ નંબર બી-૨૩૩માં કદંબ કન્સલ્ટન્સી નામથી વિઝા એજન્ટ તરીકેનું કામ કરતાં કૃણાલ અંબરીશભાઇ પુરોહિત નામના શખ્સે યુકેના વિઝા કરાવી આપવાનું જણાવીને પોતાનો મોબાઇલ નંબર આપ્યો હતો.દરમિયાન કૃણાલ પુરોહિતે અવાર નવાર ફોન કરીને વિઝા કરાવી આપવાની વાત કરતાં યુવાન, તેના પિતા અને મિત્ર કૃણાલની ઓફિસે તેને મળવા ગયા હતાં.
જ્યાં કૃણાલે રૃપિયા 21 લાખમાં કામ કરી આપવાની બાહેંધરી આપી હતી. સાથે જ રૃપિયા 10 લાખ એડવાન્સ અને વિઝા મળ્યા પછી રૃપિયા 10 લાખ આપવાની વાત કરી હતી. જેના પગલે સુરત પહોંચીને યુવાને તેના બેંક ખાતામાંથી કૃણાલના બેંક ખાતામાં રૃપિયા ૨ લાખ ટ્રાન્સફર કર્યા હતાં. બાદમાં જુન મહિનામાં કૃણાલની ઓફિસ પર આવીને રપિયા 3 લાખ રોકડા તથા રૃપિયા 5 લાખ કદંબ કન્સલ્ટન્સીના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરીને કુલ 10 લાખ આપ્યા હતાં. ત્યારે કૃણાલે 48 કલાકમાં જોબ ઓફર લેટર આવી જશે તેમ કહ્યું હતું. પરંતુ લેટર નહીં મળતાં ફોન કર્યા ત્યારે કૃણાલે ફોન ઉપાડવાનું બંધ કરી દીધુ હતું.
બાદમાં તપાસ કરતાં કૃણાલ અંબરીશભાઇ પુરોહિત, તેની પત્ની નિમાબેન અને માસીનો દિકરો કિશન કનૈયાલાલ પંડ્યા અત્રે વિઝા એજન્ટ તરીકે કામ કરતા હોવાનું સામે આવ્યું હતું. અને એજન્ટ ત્રિપુટીએ વિદેશ મોકલવાના બહાને 1 કરોડ 9 લાખ 51 હજારની ચેતવણી આચરી પાંચ મહિનામાં ઓફિસને તાળા મારી ભૂગર્ભમાં ઉતરી ગઈ હતી. ત્યારે એલસીબી પીઆઇ ડી.બી.વાળાની ટીમે પૂર્વ બાતમીના કિશન પંડ્યા (રહે, આઇ-406,અટલ આવાસ યોજના અડાલજ) ની બાલાપીર સર્કલ પાસેથી ઝડપી પાડી ઈન્ફોસિટી પોલીસને રોપવામાં આવ્યો છે. જેને કોર્ટમાં રજૂ કરીને પોલીસે ચાર દિવસના રિમાન્ડ મેળવી વધુ પૂછતાંછ શરૂ કરી છે.