AMC વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણ
નિકોલ પ્લોટમાં નિકોલ પોલીસ સ્ટેશન આવેલ હોવાથી આવાસો બનાવવાની કામગીરી હાથ ધરી શકાતી નથી જેથી આવાસો હંસપુરામાં બનાવવા માટેની મંજુરી
અમદાવાદ
સ્ટેન્ડિંગ કમિટીમાં મંજુરી માટે મુકવામાં આવેલ દરખાસ્ત અંગે વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે પ્રતિક્રિયા આપતાં કહયું કે પ્રધાનમંત્રી આવાસ યોજના હાઉસીંગ ફોર ઓલ-૨૦૨૨ અંતર્ગત તા.૧૩-૧૦-૨૦૨૨ના રોજ મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં પૂર્વ ઝોનના ટી.પી. સ્કીમ નં ૧૧૯ નિકોલ ફા.પ્લોટ નં ૧૭૦માં કુલ ૧૧૮૦ ઈ.ડબ્લ્યુ.એસ. આવાસો બનાવવાનું કામ મંજુર કરેલ હતું તે કામનો વર્ક ઓર્ડર તા.૧૬-૧૨-૨૦૨૨ના રોજ તે કામના કોન્ટ્રાકટર ભાવના પ્રોર્પટી ડેવલોપર્સ નામના કોન્ટ્રાકટરને આપેલ હતો હવે એક વર્ષ બાદ તંત્ર દ્વારા જણાવવામાં આવે છે કે તે પ્લોટમાં નિકોલ પોલીસ સ્ટેશન આવેલ હોવાથી સદર પ્લોટમાં આવાસો બનાવવાની કામગીરી હાથ ધરી શકાતી નથી જેથી સદર આવાસો ટી.પી. ૧૦૯ હંસપુરા ફા.પ્લોટ નં ૧૧૮-એ માં બનાવવા માટેની મંજુરી આપવાનું કામ છે.આ કામની ફાઈલનો અભ્યાસ કરતાં આશ્ચર્યજનક બાબત એ જણાય એ છે કે. મ્યુનિ.તંત્ર દબાણ દુર કરવા માટે પોલિસ તંત્રનો સહારો લે છે ત્યારે પોલીસ તંત્ર પાસેથી જગ્યાનો કબજો મેળવવા મ્યુનિ.તંત્ર કોનો સહારો લે ? તે વિચારવા જેવી બાબત છે તેમજ સત્તાધારી ભાજપ દ્વારા ટ્રીપલ એન્જીન સરકારની વારંવાર દુહાઈ દે છે ત્યારે રાજ્ય સરકાર હસ્તકના પોલિસ તંત્ર પાસેથી મ્યુનિ.કોર્પો જગ્યાનો કબજો લઈ શકતી નથી જેથી સ્પષ્ટ થાય છે કે કયાંક ને કયાંક ટ્રીપલ એન્જીન સરકારનું ગમે તે એન્જીન ખોટકાઇ જાય છે જેને કારણે પ્રજાકીય કામોમાં નાણાંકીય ભારણ વધવા પામે અને ગરીબ પ્રજાજનોને આવાસોની સુવિધા આપવામાં વિલંબ થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામેલ છે જે સત્તાધારી ભાજપ માટે શરમજનક બાબત છે.