ભુતકાળમાં સર્જાયેલા માર્ગ અકસ્માતની મુદ્દત ભરવા માટે ગાંધીનગર કોર્ટમાં જવા ઘરેથી બાઈક લઈને નીકળેલા યુવાનનું અડાલજ હનુમાન ટેકરી પાસે ટ્રકની ટક્કરથી મોત થયું હતું. જેથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતકના પિતા કોર્ટ પર અગાઉથી આવીને દીકરાની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. એવામાં ફરીવાર દીકરાને અકસ્માત સર્જાયો હોવાનો મેસેજ મળ્યો હતો. જો કે, આ વખતે ઈજાગ્રસ્ત દીકરાનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.
ગાંધીનગરનાં અડાલજ શિવ શક્તિનગર સોસાયટીમાં રહેતાં અશોકભાઈ ઈશ્વરભાઈ પ્રજાપતિ રીક્ષા ડ્રાઈવીંગ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. જેમના 20 વર્ષીય પુત્ર આર્યનની ભુતકાળમાં થયેલા માર્ગ અકસ્માતનાં કેસની ગઈકાલે સોમવારે મુદત હતી. સવારના સમયે અશોકભાઈ રિક્ષામાં પેસેન્જર ભરી ગાંધીનગર આવ્યા હતા.
બાદમાં દીકરાની મુદત હોવાથી તેઓ તેમના સગા સૂર્યકાંત પ્રજાપતિ સાથે ગાંધીનગર કોર્ટ આવ્યા હતા. સવારના સાડા દશ વાગ્યાના અરસામાં આર્યને ફોન કરીને કહેલ કે, હું ઘરેથી કોર્ટમાં આવવા નીકળુ છુ. જેથી અશોકભાઈ તેની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ આર્યન સમયસર કોર્ટે નહી આવતા અશોકભાઈ તેને ફોન કર્યો હતો. ત્યારે 108 એમ્બ્યુલન્સ વાળા ભાઈએ ફોન ઉઠાવીને જાણ કરેલ કે, આર્યનને અડાલજ હનુમાન ટેકરી પાસે રોડ ઉપર અકસ્માત થતાં ગાંધીનગર સિવિલ લઈ જઈ રહ્યા છે.
આ સાંભળી અશોકભાઈ પણ સગા સાથે સિવિલ પહોંચી ગયા હતા. જ્યાંથી વધુ સારવાર અર્થે આર્યનને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. બાદમાં અશોકભાઈએ અકસ્માત સ્થળે જઈને તપાસ કરતાં માલુમ પડયું હતું કે, ટ્રકના ચાલકે પૂરપાટ ઝડપે ટ્રક હંકારીને બાઈક સાથે અકસ્માત સર્જ્યો છે. જ્યાંથી અશોકભાઈ પરત હોસ્પિટલ ગયા હતા. આ દરમિયાન મોડી રાતના સારવાર દરમ્યાન આર્યનનું મોત નીપજ્યું હતું. આ અંગે અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.