ગાંધીનગરના દોલારાણા વાસણા ગામમાં પાર્કિંગ મુદ્દે જાતિ વિષયક અપશબ્દો બોલી માથાકૂટ કરી રીક્ષા ડ્રાઇવરને એક ઈસમે પકડી રાખી બીજાએ ચપ્પા વડે હૂમલો કર્યો હતો. આ હુમલામાં ઘાયલ ડ્રાઈવરને સારવાર માટે લઈ જવાયો હતો. બીજી તરફ પુત્ર ઉપર હૂમલો થયાની જાણ થતાં દોડી આવેલ માતાને પણ એક હુમલાખોરે લાફા ઝીંકી દીધા હતા. આ અંગે ચીલોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગરના દોલારણા વાસણા ગામમાં રહેતો હિંમત બાબુભાઈ ચૌહાણ રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઈકાલે હિંમત ગામમાં રહેતાં મંગાજી સોમાજી ઠાકોરના ઘરે ગયો હતો. તે વખતે તેણે પોતાની રીક્ષા મંગાજીનાં ઘર નજીક રીક્ષા પાર્ક કરી હતી. ત્યારે ગામમાં રહેતો મૂકેશ મોહનજી ઠાકોર ત્યાંથી નિકળ્યો હતો અને રિક્ષા મૂકવા બાબતે માથાકૂટ કરી જાતિ વિષયક અપશબ્દો બોલ્યા હતા. મારી બાઈક પાસે રીક્ષા કેમ મૂકી છે, ગામમાં તમારા ચાર ઘર જ છે તેમ કહેવા લાગ્યો હતો. આથી હિમંતે જાતિ વિશે જેમતેમ નહીં બોલવા મૂકેશને કહ્યું હતું. જેનાં કારણે મૂકેશ એકદમ ઉશ્કેરાઈ જઈને ઝગડો કરવા લાગ્યો હતો. આ દરમ્યાન તેની સાથેના પીન્ટુ ઠાકોરે હિંમતને પકડી લીધો હતો.
બાદમાં મુકેશજી ઠાકોર બાજુમાં પડેલ લાકડાના દંડા વડે માર મારવા લાગ્યો હતો. જેથી હિંમતને જમણા હાથે ઈજાઓ થઈ હતી. તેમ છતાં આટલેથી સંતોષ નહીં થતાં મૂકેશે ચપ્પા જેવા હથિયાર વડે હિંમત પર હુમલો કર્યો હતો. આ હુમલામાં હિંમતને આંખના ભાગે ચપ્પુ વાગ્યું હતું. આ જોઈને ગામમાં રહેતા ચમનભાઈ કાળાભાઈ રાવળ દોડી આવ્યા હતા અને હિંમતને વધુ મારમાંથી છોડાવ્યો હતો.
ત્યારબાદ મૂકેશ પ્રાઇવેટ વાહનમાં બેસી ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ગયો હતો. આ તરફ પોતાના પુત્ર પર જીવલેણ હૂમલો થયાની વાત સાંભળી ગભરાઈ ગયેલ મધુબેન મંગાજી ઠાકોરના ઘર તરફ ગયા હતા. એટલે મૂકેશ ઠાકોરે તેઓની સાથે પણ ઝગડો કરીને લાફા ઝીંકી દીધા હતા. આ અંગે ચીલોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.