શેરબજાર નિયામક સેબીએ દેશના કરોડો રોકાણકારોને વિશાળ અધિકારો અને નાણાંકીય સુરક્ષા આપવાની તૈયારી કરી છે. જો કોઈ રોકાણકારના ડીમેટ એકાઉન્ટ સાથે કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ થાય છે તો રોકાણકાર તેના એકાઉન્ટને ક્રેડિટ કાર્ડની જેમ જ તરત જ બ્લોક કરી શકશે.હાલમાં, જો ક્રેડિટ કાર્ડમાં કોઈ છેતરપિંડી થાય છે તો વપરાશકર્તા તેને તરત જ બ્લોક કરી શકે છે.તેવી જ રીતે ડીમેટ ખાતા માટે પણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
1 જુલાઈ 2024 થી સુવિધા પુરી પાડવામાં આવશે
સેબીએ 12 જાન્યુઆરીએ એક પરિપત્ર બહાર પાડ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે આ અંગે તમામ સ્ટોક બ્રોકરોને સૂચના આપવામાં આવી છે. બ્રોકર્સને એ સુનિશ્ચિત કરવા માટે કહેવામાં આવ્યું છે કે તેઓ તેમના તમામ રોકાણકારોને 1 જુલાઈ, 2024 થી આ સુવિધા પૂરી પાડે છે. આ ઉપરાંત સ્ટોક એક્સચેન્જને પણ આ અંગે યોગ્ય માર્ગદર્શિકા બનાવવા માટે કહેવામાં આવ્યું છે. હાલમાં દેશમાં લગભગ 12.97 કરોડ ડીમેટ ખાતા છે.
સેબીના પરિપત્રમાં શું કહેવામાં આવ્યું છે?
માર્કેટ રેગ્યુલેટરે કહ્યું છે કે રોકાણકારોને તેમના ડીમેટ એકાઉન્ટમાં કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિની જાણ થતાં જ તેઓ તેમના એકાઉન્ટને બ્લોક કરી શકે છે. હાલમાં મોટાભાગના ટ્રેડર્સ પાસે આ સુવિધા નથી. ઘણી વખત રોકાણકારોએ ફરિયાદ કરી છે કે તેમના ખાતામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ હોવા છતાં તેઓ તેમના ટ્રેડિંગ એકાઉન્ટને બંધ કરી શકતા નથી. તેથી, કેટલીક એવી ઈમરજન્સી વ્યવસ્થા કરવી જોઈએ જેમાં તેઓને એટીએમ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ જેવા ડીમેટ એકાઉન્ટ બ્લોક કરવાની સુવિધા પણ મળે તેવા પ્રયાસ કરાયા છે.
ડિમેટ એકાઉન્ટ બ્લોક કરી શકાશે
સેબીએ તેના પરિપત્રમાં કહ્યું છે કે આ સુવિધા 1 જુલાઈ, 2024થી સ્વૈચ્છિક રીતે લાગુ કરવામાં આવશે. જે રોકાણકારોને લાગે છે કે તેમને તેમના એકાઉન્ટ બ્લોક કરવાની જરૂર છે તેઓ આનો લાભ લઈ શકશે. સેબી આ અંગે સંપૂર્ણ માળખું તૈયાર કરવા માટે તમામ હિતધારકો પાસેથી પરામર્શ પણ માંગી રહી છે.
પોલિસી હેઠળ એક ફ્રેમવર્ક બનાવવામાં આવશે જેમાં રોકાણકાર તેના ટ્રેડિંગ એકાઉન્ટને બ્લોક કરવા માટે અરજી કરી શકે છે. જેમ કે હાલમાં ATM કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડને બ્લોક કરવા માટે કરવામાં આવે છે. આમાં તે નક્કી કરવામાં આવશે કે કેટલા સમયમાં યુઝરની અરજી પર પ્રતિક્રિયા આપવી અને તેનું ડીમેટ એકાઉન્ટ બંધ કરવું જરૂરી છે. એકવાર ટ્રેડિંગ સભ્યને વપરાશકર્તા તરફથી વિનંતી પ્રાપ્ત થાય તે તરત જ બંધ કરવાની જરૂર પડશે.