રાજયના ઉદ્યોગ વિભાગનો હવાલો ધરાવતા મંત્રી સૌરભ પટેલે જણાવ્યુ છે કે,રાજયના સંતુલીત વિકાસ માટે નવી ઔદ્યોગિક નીતિના કારણે ગુજરાત મોડલ દેશનું વિઝન સાકાર કરશે.તેમણે ઉમેર્યુ કે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘદ્રષ્ટિ પૂર્ણ આયોજનના પરિણામે આજે ગુજરાત દેશનુ રોલ મોડલ પુરવાર થઈ રહ્યુ છે. રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના દ્રષ્ટિવંત ને પરિણામે આજે દેશ વિદેશના ઉદ્યોગકારો અને રોકાણકારો ગુજરાત તરફ મીટ માડીને ઉભા છે જે માત્રને માત્ર રાજય સરકારની હકારાત્મક નીતિને આભારી છે. ઉદ્યોગ મંત્રી શ્રી સૌરભભાઈ પટેલે છેલ્લા દિવસના પ્રસ્તાવને આવકારતા કહ્યુ કે ભારત સરકારના ૨૦૧૯માં જાહેર થયેલ આંકડા ગુજરાત ૪૯ બીલીયન યુ.એસ. ડોલરના IEM સાથે સમગ્ર દેશના કુલ IEMના ૫૧ ટકા હિસ્સો ધરાવતું પ્રથમ ક્રમાંકનુ રાજય ગુજરાત બન્યુ છે. એ જ રીતે સમગ્ર દેશમાં IEMમાં ૪૩ ટકાનો વધારો થયો છે. તેની સરખામણીમાં ગુજરાતમાં વર્ષ ૨૦૧૯ દરમિયાન ૩૩૩ ટકાનો વધારો નોંધાયો છે. નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન ફોરેન ડાયરેકટ ઇન્વેસ્ટમેન્ટમાં (FDI) ૨૪૦ ટકાનો વધારો રાજયએ મેળવ્યો છે.
ભારતના નેશનલ સ્ટેટેસ્ટીકલ ઓફીસ દ્વારા જાહેર થયેલા સર્વે રીપોર્ટ મુજબ ગુજરાતમાં બેરોજગારીનો દર સૌથી ઓછો ૩.૪ ટકા રહ્યો છે. ૨૦૧૪-૧૫ની સરખામણીમાં એમએસએમઈમાં ૪૦ ટકાનો વધારો નોંઘાયો છે. હાલ ગુજરાતમાં ૩૫ લાખ જેટલા એમએસએમઈ એકમો આવેલા છે જેમાં ભારતમાં કુલ ઔદ્યોગિક ઉત્પાદનનો ૧૭ ટકા હિસ્સો ગુજરાત ધરાવે છે. સ્ટાર્ટઅપ રેન્કીંગમાં ગુજરાતને પ્રથમ સ્થાન મળેલ છે. વર્ષ ૨૦૧૯માં લોજીસ્ટીક પરફોરમન્સ ઇન્ડેક્ષમાં ગુજરાતે પ્રથમ સ્થાના મેળવ્યું છે. વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન ગુજરાતે GDPમાં ૧૩ ટકાની વૃધ્ધિ મેળવી છે અનેવછેલ્લા પાંચ વર્ષ દરમિયાન રાજયએ ત્રણ ગણી સબસીડી પણ આવા એકમોને ચુકવી છે. મંત્રી એ ઉમેર્યુ કે, આ ગતિશિલતાને વધુ મજબુત બનાવવા અને વિકાસદરને વધારવા તથા આત્મનિર્ભર ગુજરાત માટે નવી ઔધોગિક નીતિ ૨૦૨૦નીમુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા જાહેર કરવામાં આવી છે. આગાઉના વર્ષોના અનુભવને આધારે જો આ ગતિએ વિકાસ યથાવત રહે તો નવી ઔઘગિક નીતિના કારણે દર વર્ષે અંદાજે રૂ. ૮,૦૦૦/- કરોડનો ખર્ચ થવાની સંભાવના છે. રાજયમાં વિવિધ પ્રદેશો અને ક્ષેત્રનો વધુ સંતુલીત વિકાસ થાય તે માટે નવી ઔદ્યોગિક નીતિના કારણે મોડલ ગુજરાત મોડલ ઇન્ડીયાનું વિઝન સાકાર થશે. નવી ઔધોગિક નીતિ ઘડવામાં સ્ટેક હોલ્ડર્સ, ઇન્ડસ્ટ્રી, ઇન્ડસ્ટ્રીયલા એસોસીએશનો, વિવિધ ચેમ્બર્સ અને એકેડમીયા સાથે એકથી વધુ વાર બેઠકો કરવામાં આવેલ છે. જેના ફળસ્વરૂપે નવી નીતિની જાહેરાત કરવામાં આવી છે. આ પોલીસીમાં મુખ્યત્વે સંતુલિત પ્રાદેશિક વિકાસ તેમજ રોજગારીની તકોનું સર્જન કરવા ઉપર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યુ છે. જેથી આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવામાં રાજય નોંધપાત્ર યોગદાન આપી શકશે.
તેમણે કહ્યુ કે, એમ.એસ.એમ.ઈ સેકટર માટે કેપીટલ સબસીડી, ઇન્ટરેસ્ટ સબસીડી, માર્કેટ ડેવલપમેન્ટ આસીસ્ટન્સ વગેરે અનેક યોજનાઓ જાહેર કરવામાં આવી છે. જેમાં એમએસએમઇ એકમોને પાત્ર ધિરાણની રકમના ૨૫ ટકા સુધીની અને મહત્તમ રૂ. ૩૫ લાખ સુધીની કેપીટલ સબસીડી મળશે. જો મૂડીરોકાણ રૂ. ૧૦ કરોડથી વધુ હોય તો તેવા એકમોને વધારાના રૂ. ૧૦ કરોડની કેપીટલ સબસીડી પણ આપવામાં આવશે. એમ.એસ.એમ.ઈ એકમોને સાત વર્ષના સમયગાળા સુધી પ્રતિવર્ષ ટર્મલોન ઉપર લાગતા વ્યાજના દરના ૭ ટકા સુધી અને મહત્તમ રૂ. ૩૫ લાખ સુધીની સબસીડી આપવામાં આવશે. આવા એકમ ચલાવનાર ઉમેદવાર જો અનુસુચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, મહિલા ઉદ્યોગ સાહસિક, સ્પેશ્યલી એબલ્ડ (વિકલાંગ સ્ટાર્ટઅપ કે ૩૫ વર્ષથી નાની વયનો ઉદ્યોગ સાહસિક હોય તો તેવા ઉમેદવારને ૧ ટકાના દરે વધરાની સબસીડી આપવામાં આવનાર છે. આ નવી ઔદ્યોગિક નીતિમાં એમે.એસ.એમ.ઇના સર્વિસ સેકટરને પણ ૭ ટકા સુધીની ઇન્ટરેસ્ટ સબસીડી આપવામાં આવશે. મંત્રી એ કહ્યુ કે, વૈશ્વિક રોકાણોના વલણો ઇન્ટીગ્રેટેડ વેલ્યુચેઇનને વધુ મજબુત બનાવવાની જરુરીયાત, નિકાસ, ભારત સરકારની વિવિધ નીતિઓ, નીતિ આયોગના સુચનો વગેરે ધ્યાનમાં લઇ ૧૫ જેટલા થ્રસ્ટ સેકટરની કલ્પના કરવામાં આવી છે. વર્ષ ૨૦૧૫ની નીતિમાં VAT/GST સંલગ્ન વળતર આપવામાં આવતું હતું. નવી નીતિમાં રાજય સરકારે આ પ્રકારના વળતરને ડીલીંક કરી કેપીટલ સબસીડીના સ્વરૂપમાં વળતર આપવાનું સમગ્ર દેશમાં સૌ પ્રથમ એવો ઐતહાસિક નિર્ણય કરેલ છે. મોટા ઉદ્યોગોને રાજયમાં સ્થાપિત કરવા માટે ફીકસ કેપીટલ ઇન્વેસ્ટમેન્ટના ૧૨ ટકા સુધી કેપીટલ સબસીડી આપવામાં આવશે. કોઇપણ ઔધોગિક એકમોને આપવામાં આવનાર વળતરની રકમની કોઇ મહત્તમ મર્યાદા રાખવામાં આવી નથી. આ નિર્ણયના કારણે રાજયમાં મોટા મૂડીરોકાણ લાવવામાં મદદરૂપ થશે. મોટા મૂડીરોકાણને કારણે તેને આનુસાંગીક અનેક નાના એન્સીલરી એમએસએમઈ એકમોને પણ તેનો લાભ મળશે. આમ આવા મોટા મૂડીરોકાણથી સારૂ પરિણામ જોવા મળશે. મોટું મૂડીરોકાણ કરનાર ઔદ્યોગિક એકમોને મહત્તમ ૨૦ વર્ષના સમયગાળા માટે સહાય આપવામાં આવશે. નવા આવનાર એકમને હાલની નીતિ મુજબ પાંચ વર્ષ માટે ઇલેકટ્રીસીટી ડ્યુટી ભરવામાં પણ જે છુટ આપવામાં આવી છે તે ચાલુ રાખવામાં આવશે.
તેમણે ઉમેર્યુ કે, ઉદ્યોગો સ્થાપવા જમીન ખરીદવા માટે ઉદ્યોગ સાહસિકોને અનેક પ્રશ્નોનો સામનો કરવો પડતો હતો. આ પ્રશ્નના નિરાકરણ અર્થે સરકારી જમીન લીઝ રેન્ટથી ઔદ્યોગિક એકમો સ્થાપવા માટે આપવા રાજય સરકારે મહત્વનો નિર્ણય કરેલ છે. સરકારી જમીન ઉપલબ્ધ હોય તો વાર્ષિક ૬ ટકાના દરે લીઝ ભાડા કરારથી ૫૦ વર્ષની મુદત માટે જમીન ભાડાપટ્ટે આપવામાં આવશે. લીઝ ઉપર આપવામાં આવેલ જમીન સબલીઝ, સબલેટ કરવા ઔધોગિક વપરાશના હેતુ માટે મંજૂરી આપવામાં આવશે. આ ઉપરાંત રાજય સરકારે જાહેર કરેલ ઔધોગિક પાર્ક, લોજીસ્ટીક પાર્ક, પર્યાવરણની સુધારણા માટેની યોજનાઓ, સ્ટાર્ટઅપ યોજના, રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ યોજનાઓમાં જરૂરી સુધારા કરી તેનું સરળીકરણ કરી અમલમાં મુકવાનો નિર્ણય પણ કર્યો છે. આ નવી ઔદ્યોગિક નીતિ જાહેર કર્યા પછી એક મહિના કરતા પણ ઓછા સમયગાળામાં આ તમામ યોજનાઓના અમલીકરણ માટેના વહીવટી ઠરાવો પણ પ્રસિધ્ધ કરી દીધા છે. નવી ઔધોગિક નીતિ ૨૦૨૦ના અમલીકરણથી રાજયની પ્રગતિ, પ્રજાની સુખાકારી માટે લાભદાયી નીવડશે એવી અપેક્ષા છે.
ધારાસભ્યશ્રી શૈલેષભાઇ ભાભોરે ગૃહમાં છેલ્લા દિવસનો પ્રસ્તાવ રજૂ કરતાં કહ્યું હતું કે, ગુજરાત દેશનું સૌથી વધુ ઔદ્યોગિકીકરણ ધરાવતું રાજ્ય છે. દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો ૧૮.૪ ટકા છે. આ સાથે ગુજરાત રાજ્ય દેશની કુલ નિકાસમાં પણ ૨૦ ટકા ભાગીદારી ધરાવે છે. રાજ્યમાં વિદેશી મૂડી રોકાણકારોને રોકાણ કરવા માટે આકર્ષિત કરવા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટનું આયોજન કરવામાં આવે છે. જેના પરિણામે રાજ્યમાં ખૂબ મોટા પ્રમાણમાં ઔદ્યોગિક ક્ષેત્રે મૂડી રોકાણો થયા છે અને રોજગારીની વિપુલ તકોનું સર્જન થયું છે. રાજ્યમાં સરળતાથી નવા ઉદ્યોગોની સ્થાપના થાય તે માટે નવી ઔધોગિક નીતિ-૨૦૨૦ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે. મુખ્યમંત્રીશ્રીએ દેશ દુનિયાના ઉદ્યોગકારો – રોકાણકારોને ગુજરાતમાં વ્યાપક રોકાણ કરવા માટે આહવાન કર્યું છે. એમ.એસ.એમ.ઇ એકમો માટે ભારત સરકારે જાહેર કરેલ નવી વ્યાખ્યા / ધોરણો રાજ્ય સરકારે સ્વીકાર્યા છે. આવા એકમો માટે કેપીટલ સબસીડી , વ્યાજ સહાય, ક્વોલીટી સર્ટીફીકેશન માટે સહાય, નવી ટેક્નોલોજી મેળવવા માટે સહાય, પેટન્ટ રજીસ્ટ્રેશન માટે સહાય, એસ.એમ.ઈ. એક્સચેન્જમાં રજીસ્ટ્રેશન માટે સહાય, એસ.એમ.ઇ. એકમોને સર્વિસલાઈન અને પાવર કનેકશન ખર્ચમાં સહાય, માર્કેટ ડેવલોપમેન્ટ માટે સહાય, એમ.એસ.એમ.ઇ. એવોર્ડ તથા આ એકમોને ભાડામાં, વીજળી અને પાણીના વપરાશની બચત માટે પ્રોત્સાહન, CGTMSE યોજનામાં સહાય આપી પ્રોત્સાહનો પૂરા પાડવામાં આવે છે.
નવી નીતિમાં ૧૫ થ્રસ્ટ સેક્ટરની પરિકલ્પના કરવામાં આવી છે. જેમાં કોર સેક્ટરમાં ઈલેક્ટ્રીકલ મશીનરી અને ઇકવીપમેન્ટ , ઇન્ડસ્ટ્રીયલ મશીનરી અને ઇક્વીપમેન્ટ, ઓટો અને ઓટોકમ્પોનન્ટ, સિરામીક, ટેકનીકલ ટેક્સટાઇલ્સ, એગ્રો એન્ડ ફુડ પ્રોસેસીંગ, ફાર્માક્યુટીકલ અને મેડીકલ ડીવાઈસીસ, જેમ્સ એન્ડ જ્વલરી, કેમીકલ ( સીમીત વિસ્તાર પૂરતું ) જેવા ઉદ્યોગોનો સમાવેશ થાય છે. તે જ રીતે સનરાઇઝ સેક્ટરમાં ઇન્ડસ્ટ્રી ૪.૦ મેન્યુફેક્યરીંગ, ઇલેક્ટ્રીક વ્હીકલ અને તેના કમ્પોનન્ટ, વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ, ગ્રીન એનર્જી ( સોલાર અને વીન્ડ ઈકવીપમેન્ટ ), ઇકો ફ્રેન્ડલી કમ્પોસ્ટેબલ મટીરીયલ (ટ્રેડીશનલ પ્લાસ્ટીકની અવેજીમાં) ૧૦૦ % એક્સપોર્ટ ઓરીએન્ટેડ યુનિટ ( કોઈપણ સેક્ટરમાં ) જેવા ઉધોગોનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજય સરકાર ૫૦ વર્ષના લાંબાગાળાની લીઝ ઉપર સરકારી જમીન મેળવવામાં ( ઉધોગ સુવિધા પૂરી પાડશે , ઔદ્યોગિક એકમોને જમીનની બજાર કિંમતના ૬ % લીઝ રેન્ટ ઉપર આપવામાં આવશે.આવા ઉદ્યોગો બેન્ક માંથી લોન સહાય મેળવી શકે તે માટે જમીન મોર્ગેજ કરવા મંજુરી આપવામાં આવશે. નોકરીઓ,વિવિધ ક્ષેત્રોમાં વેલ્યુ એડીશન,અત્યાધુનિક ટેકનોલોજીને અપનાવી ૪.૦ ઇડરટ્રી ઉત્પાદકતામાં વધારો,રીસર્ચ અને ડેવલોપમેન્ટ પર ભાર મૂકીને નવીનતા આધારિત ઇકો સિસ્ટમ જેવી બાબતોને સપોર્ટ કરવા માટે કેન્દ્રીત પ્રયત્નોથી આત્મનિર્ભર ગુજરાત માટે આ નવી નીતિ દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા છે.ગુજરાતની આ ઔદ્યોગિક નીતિ-૨૦૨૦ ને ઉદ્યોગ જગતે સારો પ્રતિસાદ આપી આવકારી છે. વડાપ્રધાનશ્રીના આત્મનિર્ભર ભારતને સાકાર કરવામાં ગુજરાત ઔદ્યોગિક નીતિ -૨૦૨૦ આગેવાની લઈને દેશને નવો રાહ ચીધશે.આત્મનિર્ભરતા માટે સક્ષમ ઇકો સિસ્ટમ નિર્માણ કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે ત્યારે ગુજરાત રાજ્યનો ઔદ્યોગિક વિકાસ તેજ ગતિથી આગળ વધે,આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે ગુજરાત નેતૃત્વ લે તે માટે ગુજરાત ઔદ્યોગિક નીતિ ૨૦૨૦ નો વધુ ઝડપી અને અસરકારક અમલીકરણ થાય અને રાજ્યની પ્રગતિ જનસુખાકારી માટે લાભકારક બની રહે તે માટે આ છેલ્લા દિવસનો પ્રસ્તાવ લાવવા મા આવ્યો છે એને સૌ સભ્યો આવકારીને સમર્થન કરે એવો મારો અનુરોધ છે.