અમદાવાદ શહેરમાં નબીરાઓ બેફામ બન્યા છે. કાર ચાલકે સવારે આંબલી-બોપલ રોડ પર અકસ્માત સર્જ્યો હતો. નબીરાએ બેફામ કાર ચલાવી અનેક વાહનોને અડફેટે લીધા હતા. કારચાલકે પાંચથી વધુ વાહનોને અડફેટે લીધા હતા. જ્યારે બેથી ત્રણ યુવતીઓને પણ ટક્કર મારી હતી. જેમાં બે લોકો ઈજાગ્રસ્ત થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. બેફામ કાર હંકારતા ઓડી કારના ચાલકને ટોળાએ માર માર્યો અને પોલીસને સોંપ્યો છે. કારચાલક રિપલ પંચાલ હોવાનો અને રિલ્સ બનાવી રોલો પાડવાનો શોખીન હોવાનો ખુલાસો થયો છે. પોલીસ સ્ટેશનમાં જ્યારે આરોપી રિપલ પંચાલને સવાલ કરાયા ત્યારે પણ તે નશામાં હોય તેવું લાગી રહ્યું હતું. મીડિયા દ્વારા આરોપીને પૂછવામાં આવ્યું કે તેણે શું પીધું છે? ત્યારે આરોપી પોતે નશો કર્યો હોવાનો ઇનકાર કરી રહ્યો હતો. બીજી બાજુ, અકસ્માત અંગે પૂછતાં તે કહી રહ્યો હતો કે, કોણે અકસ્માત કર્યો છે? મે અકસ્માત નથી કર્યો. મેં કોઇ વાહનને ટક્કર મારી નથી. મીડિયાએ પૂછ્યું કે તમારા કપડા કેમ ફાટેલા છે? તો આરોપીએ જણાવ્યું કે, ક્યા કપડા? ક્યાં ફાડ્યાં છે? નોંધનીય છે કે, તેના જવાબો પરથી લાગી રહ્યું કે તેને જાણે કોઇ વસ્તુનો ભાન નથી. જોકે, પોતે પોલીસ સ્ટેશનમાં હોવાનો અને ઓડી કાર ચલાવતો હોવાનું સ્વીકારે છે. પરંતુ પોલીસે તેને કેમ પડક્યો છે, તેની તેને કોઇ જાણ જ ન નથી, તેમ જણાવ્યું હતું. મીડિયાએ નશામાં હોવાની વાત પૂછતાં આરોપીએ કંઇ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે, મારો વકીલ જવાબ આપશે.
મીડિયા દ્વારા પૂછવામાં આવ્યું કે અકસ્માતમાં કોઇ જાનહાની થઇ હોત તો? તેના જવાબમાં આરોપી કહે છે કે, કંઈ થયું? સાથે જ તે કહી રહ્યો હતો કે તેની પાસે દારૂ પીવાની પરમિશન છે. નોંધનીય છે કે, કારચાલક એટલી હદે નશામાં હોવાનું લાગી રહ્યું હતું કે તે કારનો અકસ્માત કરીને એક જગ્યાએ બેભાન થઈ ગયો હતો. ત્યારબાદ ફરી ભાનમાં આવ્યો ત્યારે ફરીથી સિગારેટ પીને તે આગળ કાર ચલાવવા લાગ્યો હતો. આ સમગ્ર વીડિયો પણ સામે આવ્યો છે. હાલ પોલીસે ડ્રાઈવરને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. કારની વિગતો સામે આવી છે કે કારચાલક રિપલ પંચાલ નામની કંપની જે વાલ્વ બનાવે છે, તે કંપનીના નામે કાર લીધેલી છે. પ્રાથમિક મળતી વિગતો અનુસાર, આરોપી રિપલ પંચાલ પોતાની કાર લઈને ઇસ્કોન બ્રિજ તરફથી આંબલી તરફ આવી રહ્યો હતો. આ દરમિયાન સૌપ્રથમ રસ્તામાં તેણે હેરિયર કારને ટક્કર મારી હતી. ત્યારબાદ તે એટલા નશામાં હતો કે આગળ એક ટેમ્પો ચાલકને અડફેટે લીધો અને તેના કારણે ટેમ્પો બીજી એક કારને ભટકાયો હતો. તેનાથી થોડા આગળ એક શોરૂમ પાસે તેણે મેક્સન કારને અડફેટે લેતા તે ફંગોળાઈને ડિવાઈડર સાથે ભટકાઈ હતી. જ્યારે ઓડી કાર પર સંતુલન ગુમાવતા તે શો રૂમના બેરિયર પાસે જઈને ઉભી રહી ગઈ હતી. આંબલી પાસેના બીઆરટીએસ બસ સ્ટેન્ડ નજીક દ્વિચક્રી વાહન લઈને જનાર યુવતી અને તેની મિત્રને પણ આ કારે ફંગોળી હતી અને તેમને પગે ઈજા થઈ હતી. જ્યારે એક ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.