ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની મુદ્દત પૂરી થઈ ગઈ છે તેમજ મહારાષ્ટ્ર-ઝારખંડ વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ હોવાથી હવે આગામી દિવસોમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખ સહિતના સંગઠનના પદોમાં નિમણૂકો નિશ્ચિત બની છે. સચિવાલયમાં ચર્ચા છે કે, ભાજપ હાઈકમાન્ડ આ વખતે પણ બધાને આશ્ચર્યચકિત કરી દે તેવુ નવુ જ નામ જાહેર કરી શકે છે. ચર્ચા મુજબ આ વખતે કોઈ મહિલા આગેવાનને ભાજપ પ્રદેશ પ્રમુખ બનાવી શકે છે. જેની પાછળનુ કારણ અને તારણ એવુ છે કે, જો કોઈ મહિલા હોય તો સરકાર અને સંગઠન વચ્ચે સહમતિ સાધવામાં ખાસ કોઈ મુશ્કેલીઓ ન આવે અને સરકાર તેમજ સંગઠનમાં સરળતાથી તેમજ કોઈ ગુંચવણો વગર કામો આગળ વધી શકે. ભાજપના દીલ્હીના મોટા નેતાઓ ગુજરાતમાં સૌ પ્રથમ વખત મહિલા પ્રમુખની નિયુક્તિ કરીને એક નવો મેસેજ આપે તો કોઈને પણ નવાઈ નહી લાગે. વાવ વિધાનસભાની પેટા ચૂંટણી રસપ્રદ બન્યા બાદ ભાજપની જીત થઈ હતી. જેને પગલે ભાજપના હાલના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે જાહેરમાં કહ્યુ કે, હવે મને સંતોષ છે. હું મારા અનુગામી પ્રમુખને અભિનંદન આપુ છું. જો કે, ચૂંટણીના પરિણામો બાદ સંગઠનમાં નવી નિમણૂકોનો દોર ચાલશે એવી ચર્ચા ક્યારની ચાલી રહી છે. જેમાં એક વાત એવી છે કે, નવો પ્રમુખ ઓબીસીમાંથી પસંદ કરાશે. એટલુ જ નહી આ નેતા સૌરાષ્ટ્ર અથવા તો ઉત્તર ગુજરાતના જ હશે. પરંતુ હવે મહિલા પ્રમુખની નવી વાતો આવતા ભાજપના મોટા નેતાઓ પણ માથું ખંજવાળવાં માંડ્યા છે. આ નેતાઓ એવી ચર્ચા કરી રહ્યા છે કે, જીતુ વાઘાણી પછી સી આર પાટીલને પ્રદેશ પ્રમુખની જવાબદારી સોંપાઈ ત્યારે તેમનુ કોઈ જગ્યાએ પ્રમુખ તરીકે નામ ચર્ચાતુ નહોતુ. તેઓ તદન નવા ચહેરા તરીકે ઉભરી આવ્યા હતા. એ સમયે પણ કોઈએ પાટીલને પ્રમુખ બનાવાશે તેવી કલ્પના પણ કરી નહોતી. હાલની સ્થિતિમાં પણ ભાજપના મોટા ગજાના નેતાઓ કહે છે કે, મોદી અને શાહ કોના પર પસંદગીનો કળશ ઢોળશે તેનુ અનુમાન કરવુ કઠીન છે. જે ચેહરાનુ નામ હોય તેને ક્યારેય મુકાતા હોતા નથી. ભુતકાળમાં મુખ્યમંત્રી તરીકે અથવા તો પ્રદેશ પ્રમુખ તરીકે જે નામો ચર્ચામાં હતા તેને બદલે સાવ કોઈ નવા ચહેરાને જ મુકાયા હતા. આ વખતે પણ આવુ જ થવાનુ છે. તેમ છતા કોઈ મહિલાને પ્રમુખ બનાવાય તો કોઈને પણ નવાઈ નહી લાગે. કેમકે ભુતકાળમાં પ્રદેશ પ્રમુખ અને મુખ્યંત્રીઓ વચ્ચે ગજાગ્રહ ચાલતો હતો. જેને લઈને હાઈ કમાન્ડ પણ મુંઝવણમાં મુકાતુ હતુ. પણ જો મહિલા હોય તો કદાચ ઈગોનો આટલો મોટો પ્રશ્ન ઉદભવશે નહી. તેમજ સરકાર અને સંગઠન એકબીજાના સહયોગથી કામ કરશે. જો મહિલાના નામ પર છેલ્લી ઘડીએ કોઈ ફેરફાર થાય તો પછી સૌરાષ્ટ્ર અથવા તો ઉત્તર ગુજરાતમાંથી કોઈ ઓબીસી નેતાને પ્રમુખ બનાવાશે. સચિવાલાયના સૂત્રો જણાવે છે કે, નવા પ્રમુખ તરીકે કોઈ પાટીદાર નેતાને મુકાશે નહી. કેમકે હાલમાં મુખ્યમંત્રી પાટીદાર જ છે. જ્યારે ભાજપમાં એવો સિલસિલો રહ્યા છે કે, જો મુખ્યમંત્રી પાટીદાર હોય તો પ્રમુખ તરીકે પાટીદાર નહી રહે. એ જ રીતે જો પ્રમુખ તરીકે કોઈ પાટીદાર હોય તો પછી મુખ્યમત્રી તરીકે પાટીદારને મુકાતા હોતા નથી. આગામી અઠવાડીયાની અંદર જ ભાજપના નવા પ્રદેશ પ્રમુખ નક્કી થઈ જશે.