ત્રિ-દિવસીય ચિંતન શિબિરમાં રાજ્યમંત્રી મંડળના મંત્રીઓ, વરિષ્ઠ સચિવો, કલેકટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ સહભાગી થયા
વ્યક્તિગત જીવનમાં પણ ચિંતનની આદત કેળવી દિવસભરના કામોનું આત્મમંથન-ચિંતન કરવા પ્રેરક આહ્વાન.
ચિંતન મંથનથી આપણા વાણી-વર્તન-વ્યવહારમાં આવનારું પરિવર્તન ‘સ્વ’ અને સમાજના હિત માટે ઉપયોગી થશે.
સોમનાથ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારની ૧૧મી ચિંતન શિબિરનો પવિત્ર યાત્રાધામ સોમનાથમાં પ્રારંભ કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાતે વિકાસની જે હરણફાળ ભરી છે તેને હજુ વધુ ઉન્નત ઊંચાઈએ પહોંચાડવાનું સામૂહિક અને સર્વગ્રાહી ચિંતન કરવાનો અવસર આ ચિંતન શિબિર પૂરો પાડે છે. જનકલ્યાણ અને લોકસેવા એ સરકારનો ધ્યેયમંત્ર છે અને નાના કર્મચારીથી માંડીને મંત્રી સુધી સૌ તે દિશામાં અહર્નિશ કાર્યરત છે. આવા કાર્યોને વધુ ઉત્તમ અને સફળ કઈ રીતે બનાવી શકાય તે માટેનું સામૂહિક મનોમંથન આ ત્રિ-દિવસીય ચિંતન શિબિરમાં થશે.તેમણે કહ્યુ કે, લોકશાહી પ્રણાલીમાં પ્રજાના પ્રતિનિધિઓ,અધિકારીઓ, કર્મયોગીઓ સૌ સાથે મળીને પરિવાર ભાવથી એક બનીને કાર્ય કરે તો કેવા ઉત્તમ પરિણામો મળી શકે તે વાવાઝોડા જેવી કુદરતી આફતના સમયે સામૂહિક તાકાતથી આપણે પુરવાર કર્યુ છે.
મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં કહ્યું કે, જો આફતના કપરા સમયે સૌ એક જૂટ થઈને કામ કરી શકે તો રોજ બરોજના કામકાજમાં પણ ટીમ સ્પિરીટથી પ્રજાના ભલા માટે, લોકોના હિત માટે સાથે મળીને કામકાજ થાય તે જ ચિંતન શિબિરનું સાચું હાર્દ છે. તેમણે વ્યક્તિગત જીવનમાં પણ ચિંતનના લાભાલાભ સમજાવતા કહ્યું કે, સૌએ ચિંતનની આદત કેળવવી જ જોઈએ અને દિવસભરના કામોનું આત્મમંથન, ચિંતન પણ દિવસના અંતે થવું જોઈએ.
આના પરિણામે આપણા વાણી, વર્તન, વ્યવહાર અને કામકાજની પદ્ધતિમાં જે બદલાવ આવશે તે ‘સ્વ’ના અને સમાજના હિત માટે ઉપયોગી થશે તેવો મત મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મંત્રીશ્રીઓ, અધિકારીઓને પ્રેરણા આપતા કહ્યું કે, ત્રિદિવસીય ચિંતન શિબિરમાં સૌ એક થઈને, સાથે રહીને એવું ચિંતન કરીએ કે પ્રજાજનોને લોકોને કોઈ તકલીફ ન પડે, દુવિધા ન રહે તેવી પ્રશાસનિક સુશાસન વ્યવસ્થા સુનિશ્ચિત થાય.
તેમણે અધિકારીઓને પોતાના વિભાગના કાર્યોમાં પોતિકા પણાનો ભાવ દાખવી સંપૂર્ણ નિષ્ઠા સાથે પ્રજાહિત માટે કર્તવ્યરત રહેવાની શીખ આપતા ઉમેર્યું કે, આપણી પાસે કોઈ કામ માટે આવતી વ્યક્તિ કે સામાન્ય માનવીને સંતોષ થાય, જો તેનું કામ ન થઈ શકે તેવું હોય તો પણ વિનમ્રતા-વિવેકથી ના કહી શકીએ તેવી કાર્યપદ્ધતિ આપણે ઊભી કરી છે તેને જાળવી રાખવાનું મંથન ચિંતન આ શિબિરના માધ્યમથી થવાનું છે.મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલી ચિંતન શિબિરની આ પરંપરામાં ઉતરોત્તર નવા સોપાનો સર કરવામાં મંત્રીશ્રીઓ, અધિકારીઓ, પદાધિકારીઓ સૌના મળી રહેલા સહયોગની પણ સરાહના કરી હતી.
ચિંતન શિબિર ૨૦૨૪ના સહભાગીઓને સંબોધતા રાજ્યના મુખ્ય સચિવ શ્રી રાજકુમારે જણાવ્યું હતું કે, આ ચિંતન શિબિર અમૃતકાળમાં યોજાઇ રહી છે. ચિંતન એ સતત ચાલતી પ્રક્રિયા છે. કામ સાથે હેતુને જોડવાથી કામ વધુ આનંદદાયક અને પરિણામલક્ષી બની રહે છે. મુખ્ય સચિવશ્રીએ ચિંતન શિબિરમાં સામેલ અધિકારીઓ પાસે અપેક્ષા વ્યક્ત કરતા કહ્યું હતું કે, કર્મયોગ એ જ વિકાસનો પર્યાય છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત-૨૦૪૭ના આહ્વાનને સાકાર કરવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં વિકસિત ગુજરાતના ધ્યેયને સિદ્ધ કરવા ચિંતન શિબિરના નિષ્કર્ષને સમાજની અંતિમ હરોળ સુધી લઈ જવો આવશ્યક છે. ચિંતન શિબિરની ૧૧મી કડીમાં “લર્નિંગ એક્સપિરિયન્સીસ”નો નવો આયામ ઉમેરાયો છે. સ્થાનિક કક્ષાએ સહભાગિતા વધારીને ‘વર્કર નહીં, પણ લીડર’ના અભિગમથી સંકલ્પ સિદ્ધિ થઈ શકે છે.
વહિવટી સુધારણા પ્રભાગના અગ્રસચિવ શ્રી હારિત શુક્લાએ ત્રિદિવસીય ચિંતન શિબિરની રૂપરેખા આપીને સૌને ચિંતન શિબિરમાં આવકારી જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૩માં શરૂ કરાવેલ ચિંતન શિબિર લક્ષ્યકેન્દ્રીત વિચારણાની દિશામાં લઈ જાય છે. અગાઉની ચિંતન શિબિરોના મનોમંથનથી આજે વહીવટી તંત્ર દ્વારા રાજ્યમાં અનેક યોજનાઓની સફળ અમલવારી શક્ય બની છે.આ ૧૧મી ચિંતન શિબિરના પ્રારંભે નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સહિત રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સલાહકાર ડૉ. હસમુખ અઢિયા, અધિક મુખ્ય સચિવશ્રીઓ, વિવિધ ખાતાના વડાઓ, જિલ્લા કલેક્ટરશ્રીઓ, જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ તથા ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.