બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા પેટા ચૂંટણી સમગ્ર રાજ્યમાં હાઈ પ્રોફાઈલ બની ગઈ હતી જેમાં ભાજપના સ્વરૂપજી ઠાકોરનો વિજય થયો હતો. જોકે, આ ચૂંટણી વખતે વાવ તાલુકાના મોરીખા ગામના ખેડૂતે વાવમાં કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત નહીં જીતે તો પોતે પોતાનું નાક કપાવી નાખશે તેવું કહ્યું હતું. તેમણે ગુલાબસિંહની હાર થતાં પોતાની નાક કાપવાની તૈયારીઓ કરી હતી. પરંતુ ગામમાં લોકોએ તેમને સમજાવ્યા હતા કે, મોટા નેતાઓ પણ પોતાનું વચન પાળતા નથી ત્યારે ચૂંટણીમાં આ રીતે નાક ન કપાય. છેવટે તેઓ માની ગયા હતા અને નાક કાપ્યું નહોતું. વાવ વિધાનસભા બેઠકમાં ભારે રસાકસી બાદ ભાજપના સ્વરુપજી ઠાકોરની જીત થતાં કોંગ્રેસના સમર્થકોમાં સોંપો પડી ગયો છે. નજીવી સરસાઇથી ભાજપની જીત અને કોંગ્રેસની હાર બાદ કોંગ્રેસનાં નેતાઓ પણ હાર પાછળનું મનોમંથન કરી રહ્યાં છે. ત્યારે વાવ તાલુકાના મોરીખા ગામના ખેડૂત ઠાકોર ધનજીભાઈ બાબુભાઈએ ગુલાબસિંહ નહીં જીતે તો હું મારું નાક કાપી નાખીશ તેવું ચૂંટણી પ્રચાર વખતે કહ્યું હતું. હવે પરિણામ બાદ ગુલાબસિંહની હાર થતાં ખેડૂતે પોતાનું નાક કાપી નાખવાની તૈયારી દર્શાવી હતી ત્યારે સમજુ લોકોએ પોતાનું નાક નહીં કાપવા જણાવ્યું હતું અને કહ્યું કે મોટા મોટા નેતાઓ પોતાના વાયદા નથી નિભાવતા તો તમે તો સામાન્ય નાગરિક છો. ભાજપે જનતાનાં ખાતામાં રૂ. 15 લાખ નાખવાનું વચન આપ્યું હતુ છતાં હજુ સુધી નાંખ્યા નથી. તો જે દિવસે ભાજપ દરેક વ્યક્તિનાં ખાતામાં રૂ. 15 લાખ નાખે એ દિવસે તમે તમારું નાક કાપી નાખજો. દેશમાં સત્તા પર બેઠોલા ભાજપના નેતાઓ સાચું નાં કહેતા હોય તો તમારે નાક કાપવાની કોઈ જરૂર નથી. મોરીખામાં ભાજપ ત્રીજા ક્રમાંકે રહ્યું છે અને કોંગ્રેસ આગળ છે એટલે તમારે નાક કાપવાનુ થતું નથી તેમ કહીને ખેડૂતને માંડ સમજાવ્યા હતા જો કે છેલ્લા કેટલાક સમયથી નાક કાપવાના આ વિડિયોએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી છે. ઉલ્લેખનીય છે કે, ખેડૂતને નાક કેમ કાપવું પડે એવું પૂછતાં જણાવ્યું તેમણે હતું કે ગુલાબસિંહે અમારું કામ કર્યું છે, અમે જે માંગ્યું એ આપ્યું છે. આથી તેમનો પરાજય થતાં નાક કપાવવાની તૈયારી દર્શાવી હતી.