ભાજપ સરકારે પહેલા મુડીપતિઓ-ઉદ્યોગપતિઓને ગૌચર-સરકારી જમીનો પધરાવી, હવે કાયદામાં ફેરફાર કરી ખેડૂતોની ખેતીની જમીનો પચાવી પાડવાનો કારસો : સરકાર જમીન કાયદામાં સુધારો કરી બિન ખેડૂત ખેતીની જમીન ધારણ કરી શકશે” તેવો સુધારો કરશે તો કોંગ્રેસ સડકથી લઇ વિધાનસભા સુધી ખેતી અને ખેડૂતોને બચાવવા ઉગ્ર વિરોધ કરશે : અમિત ચાવડા
ગાંધીનગર
વિધાનસભા ખાતે પ્રેસ મીડિયાને સંબોધન કરતા અમિત ચાવડા એ જણાવ્યું કે ગુજરાતમાં બિન ખેડૂત હોય તે પણ ખેતીની જમીન ખરીદી શકશે જેના કારણે જે દુરોગામી અસરો થવાની છે તે નુકસાન થવાનું છે.દેશ આઝાદ થયો ત્યારે દેશમાં મોટાભાગની જમીનો દેશી રજવાડા, ગરાસદાર કે ગામધણી સાથે જમીનદારો હતા તેમના કબ્જામાં હતી. એ વખતે સામાન્ય ગરીબ લોકો ખાસ કરીને એસ.સી., એસ.ટી. પછાતવર્ગના લોકો એ જમીનોમાં મહેનત-મજુરી કરતા હતા. ગણોતિયા હતા, ખેતમજુરી કરતા હતા, એમનું જીવન ખુબ દયનીય હતું. કોંગ્રેસની સરકાર અને એની નીતિઓને કારણે ગરીબ અને પછાત વર્ગના લોકોને સમૃદ્ધ બનાવવા માટે, મુખ્ય ધારામાં લાવવા માટે જમીનના કાયદા લાવ્યા એના કારણે જે જમીનમાં ખેતમજુરી કરતા હતા, ગણોતિયા હતા, ભાગિયા હતા તેવા લોકોને “ખેડે એની જમીન” નો કાયદો લાવી જમીનના માલિકો બનાવ્યા. એક વ્યક્તિ પાસેથી લઈ નાના-નાના લોકોને આપી જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં સમૃદ્ધિ વધી, લોકોનું જીવન ધોરણ સુધર્યું. એ જ કોંગ્રેસની સરકારોએ ચિંતા પણ કરી કે ખેતી અને ખેડૂતોની સમૃદ્ધી લાંબા સમય સુધી જળવાઈ રહે એટલા માટે કાયદાકીય અધિકારો આપ્યા, કાયદાકીય નિયંત્રણો લાવ્યા. મુંબઈ રાજ્ય હતું ત્યારથી ૧૯૪૮માં મુંબઈ ગણોત વહીવટ અને ખેતીની જમીનના કાયદાઓ લાવ્યા. એ કાયદાઓ હેઠળ ગણોતિયાઓને રક્ષણ મળ્યું. એ જમીનો વર્ષો સુધી સચવાઈ રહી. એ જમીનો જે સમૃદ્ધ લોકો છે એ પચાવી ન પાડે.
મીડિયાના માધ્યમથી અનેક સરકારી વિભાગોમાં જે ચર્ચાચાલી રહી છે કે ગુજરાત સરકાર દ્વારા ૨૦૨૩ના ડીસેમ્બર મહિનામાં જમીનમાં સુધારણા કરવા, નિયમો બદલવા, એના માટેની જોગવાઈ કરવા માટે સી. એલ.મીના અધ્યક્ષ પદે એક કમિટીની રચના કરવામાં આવી હતી. ફેબ્રુઆરી ૨૦૨૪માંઆ કમિટીએ ગુજરાત સરકારમાં રીપોર્ટ સબમિટ કર્યો અને સરકારે એના પર ચર્ચા-વિચારણા કરી અને હમણાં જાણવા મળેલછે કે, એવી વિચારણા ચાલી રહી છે કે ગુજરાતમાં જમીન કાયદામાં સુધારો કરી, મીના સમિતિના અહેવાલને આધારે સરકાર”બિન ખેડૂત હોય એને પણ ખેતીની જમીન ધારણ કરી શકે” એવો કાયદામાં સુધારો કરવા જઈ રહી છે. જેના માટે પૂર્વકાયદામાં પણ સુધારા કરવા પડશે, સરકારનું પગલું રાજ્ય માટે ખુબ જોખમી પુરવાર થવાનું છે.
અમે સરકારને વિનંતી સાથે ચેતવણી પણ આપીએ છીએ કે, આવો કોઈ સુધારો કરતા પહેલા ગુજરાતની પ્રજા સાથેપણ પરામર્શ કરજો, રાજકીય પાર્ટીઓ સાથે પણ પરામર્શ કરજો, અન્યથા તમે જે સુધારો કરવા જઈ રહ્યા છો કે બિન ખેડૂત પણ ગુજરાતમાં ખેતીની જમીન ખરીદી શકશે. આ સુધારાનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. સામાજિક સંગઠનો, ખેડૂત સંગઠનો પણ વિરોધ કરી રહ્યા છે અને કોંગ્રેસ પાર્ટી પણ એનો સખત શબ્દોમાં વિરોધ કરે છે.સરકાર જમીન કાયદામાં સુધારો કરી “બિન ખેડૂત ખેતીની જમીન ધારણ કરી શકશે” તેવો સુધારો કરશે તો કોંગ્રેસ પક્ષ સડકથી લઇ વિધાનસભા સુધી ખેતી અને ખેડૂતોને બચાવવા ઉગ્ર વિરોધ કરશે.