બાવળાના શિયાળ ખાતે આયોજિત પ્રધાનમંત્રી જનમન સમારોહમાં કેન્દ્રીય મંત્રી ડૉ. ભાગવત કરાડની ઉપસ્થિતિ
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ PVTG લાભાર્થીઓ સાથે કરેલા સંવાદનું શિયાળ ગામે જીવંત પ્રસારણ
કેન્દ્રીય મંત્રી અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે આવાસના વર્ક ઓર્ડર, ગેસકીટ, આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરાયું
બાવળા
કેન્દ્રીય રાજ્ય નાણામંત્રી ડૉ. ભાગવત કરાડના અધ્યક્ષસ્થાને અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના શિયાળ ગામે પ્રધાનમંત્રી જનમન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશભરના PVTG લાભાર્થીઓ સાથે કરેલા સંવાદનું જીવંતપ્રસારણ શિયાળ ગામે કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનશ્રીએ છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશના લાભાર્થીઓ સાથે સાહજિક સંવાદ કર્યો હતો. જેમાં તેમણે કેન્દ્ર સરકાર દેશના છેવાડાના વિસ્તારના આદિજાતિ સમુદાયને વિકાસની મુખ્ય ધારામાં જોડવા કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું.
કેન્દ્રીય મંત્રી ડૉ. ભાગવત કરાડે સંબોધનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લા 10 વર્ષમાં દેશની તસ્વીર અને તકદીર બન્ને બદલાઈ છે. વર્ષ 2014માં વડાપ્રધાન પદના શપથ લીધા બાદ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનસેવક તરીકે કાર્યરત રહેવાનું વચન આપ્યું હતું. જેનું પાલન કરતાં તેઓ દેશના તમામ નાગરિકોની ઉન્નતી માટે પ્રયાસ કરી રહ્યા છે. તેમણે ખાસ કરીને દેશના PVTG વર્ગના લોકોને આરોગ્ય, અભ્યાસ, આવાસ, રોડ રસ્તાની શ્રેષ્ઠ સેવાઓ કરાવવાને પ્રાધાન્ય આપ્યું છે. મંત્રીશ્રીએ જણાવ્યું કે, બિરસા મુંડાજીની જન્મજયંતી 15 નવેમ્બરને “જનજાગરણ દિવસ” તરીકે જાહેર કરી કેન્દ્ર સરકારે દેશભરમાં વસતા લાખો આદિવાસીઓને સન્માન આપ્યું છે. વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે ગરીબોનો ઉત્કર્ષ જરૂરી છે. દેશના 18 રાજ્યોમાં વસતા આદિવાસી સમુદાયના લોકોના વિકાસ માટે પ્રધાનમંત્રી જનમન યોજના હેઠળ કેન્દ્ર સરકારના નવ વિભાગોની કલ્યાણકારી યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે.
પ્રધાનમંત્રી જનમન સમારોહમાં કેન્દ્રીય મંત્રીશ્રી અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે આવાસના વર્ક ઓર્ડર, ગેસકીટ, આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરાયું હતું. તદુપરાંત ક્લિનિક ઓન વ્હીલને પણ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.આજના સમારોહમાં સાંસદ શ્રી કિરીટ સોલંકી, શ્રી હસમુખ પટેલ તથા ધારાસભ્ય સર્વ શ્રી કિરીટસિંહ ડાભી, કાળુભાઇ ડાભી, કનુભાઈ પટેલ, બાબુસિંહ જાદવ, અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ કંચનબા વાઘેલા, અમદાવાદના જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ.કે.દવે સહિતના મહાનુભાવો, સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.