ગાંધીનગરના બોરીજ ગામના વણઝારા વાસમાં પૂરપાટ ઝડપે બાઈક હંકારવાની લ્હાયમાં યુવકને જીવ ગુમાવવાનો વખત આવ્યો છે. બાઈક સ્લીપ ખાઈ જવાથી યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં બેભાન થઈ ગયો હતો. જેને સારવાર અર્થે ગાંધીનગર સિવિલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરતાં સેકટર – 21 પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગરના બોરીજ ગામમાં રહેતો ભાણાભાઈ પોખરજી વણઝારા છૂટક મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે. ગઈકાલે રાતના ભાણાભાઈ ઘરે હાજર હતા. એ વખતે તેના મામાનો દીકરો પ્રકાશ હમીરભાઇ વણઝારા બાઈક લઈને નિકળ્યો હતો. જેની થોડીવારમાં વણઝારા વાસના નાકે આવેલી કરિયાણાની દુકાન પાસે પ્રકાશનું બાઈક સ્લીપ ખાઈ ગયું હતું.
આ બનાવની જાણ થતાં ભાણાભાઈ સહીતના અકસ્માતના સ્થળે દોડી ગયા હતા. જ્યાં પ્રકાશ રોડ ઉપર બેભાન અવસ્થામાં પડ્યો હતો. જેનાં માથાના પાછળના ભાગે ઈજા થયેલી હતી. આથી પ્રકાશને તાત્કાલિક ખાનગી વાહનમાં સેકટર – 22 ખાતેના પ્રાઈવેટ દવાખાનામાં લઈ જવાયો હતો. જો કે, તબીબે પ્રકાશને સિવિલ હોસ્પિટલ લઈ જવાની સલાહ આપી હતી.
બાદમાં પ્રકાશને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે પ્રકાશને તપાસીને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતાં સેકટર – 21 પોલીસ સિવિલ દોડી ગઈ હતી અને અકસ્માતે મોતનો ગુનો નોંધી યુવકનું પોસ્ટમોર્ટમ સહીતની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.